ઉદ્ધવ ઠાકરેએ અધિવેશનમાં તમામ સહકારીઓનો આભાર માન્યો
ગઈ કાલે વિધાનભવનમાં આવતા ઉદ્ધવ ઠાકરે.
ઉદ્ધવ ઠાકરે સહિત વિધાનપરિષદમાંથી મે મહિનામાં કુલ ૯ સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે એ પહેલાંનું આ છેલ્લું અધિવેશન હોવાથી એ સભ્યોને ફેરવેલ આપવામાં આવ્યું હતું. એ વખતે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તેમની સ્પીચમાં તેમના સહકારીઓનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે તેમના મુખ્ય પ્રધાનના કાર્યકાળમાં કરેલાં કામને યાદ કર્યાં હતાં અને અજિત પવારને પણ યાદ કર્યા હતા.
ઉદ્ધવ ઠાકરેએ તેમની સ્પીચમાં વણી લીધેલા મુખ્ય મુદ્દા...
ADVERTISEMENT
આપણે ક્યારેક વિચાર્યું પણ ન હોય એવું બની જાય છે. હું મુખ્ય પ્રધાન તરીકે આ પ્રધાનમંડળમાં જોડાયો હતો. એ વખતે મારા પર એ જવાબદારી અચાનક જ આવી પડી હતી. જવાબદારીમાંથી છટકવું મર્દની નિશાની નથી. મેં એ જવાબદારી સ્વીકારીને પાર પાડી હતી.
મારા એ વખતના સહકારી, પ્રધાનમંડળના સહકારી, પ્રશાસનના અધિકારીઓ, બધા સચિવ, આખા પ્રશાસનમાં બધા જ ખાતાના અધિકારીઓ, આંગણવાડીની સેવિકાઓ અને સરપંચ એ બધાનો ખૂબ-ખૂબ આભાર માનું છું. હું પ્રશાસનમાં નહોતો અને મુખ્ય પ્રધાન બન્યો હતો. આ બધાના સહકાર સિવાય એ શક્ય બન્યું ન હોત.
મુખ્ય પ્રધાન પોતે મને ફેરવેલ આપવા હાજર રહ્યા એ બદલ તેમનો આભાર. નાશિક પ્રકરણમાં સરકારે જે ભૂમિકા લીધી છે એ માટે ધન્યવાદ.
આપણે બધાએ સાથે મળીને એક જ પૉલિસી અપનાવવી જોઈશે. જો બધા જ રાજકારણીઓ નક્કી કરે તો ભોંદુબાબા-શક્તિ કરતાં યુવા શક્તિને વધુ મજબૂત બનાવી શકાય. ભોંદુબાબા ચમત્કાર ન કરી શકે, પણ યુવા શક્તિ ચોક્કસ ચમત્કાર કરી દેખાડશે. જો યુવા શક્તિને સપોર્ટ કરીશું તો ભોંદુબાબાની દુકાનો બંધ થઈ જશે.
હું મુખ્ય પ્રધાન બન્યો અને એ પછી મુખ્ય પ્રધાનપદ છોડવું પડ્યું. જે આપણું ન હોય એ સ્વીકારવામાં આનંદ થવો જરૂરી નથી, જે આપણું ન હોય એ છોડવામાં વળી દુઃખ કેવું.
પ્રધાનમંડળની પહેલી બેઠકમાં મેં સૌથી પહેલો નિર્ણય રાયગડને ભંડોળ આપવાનો લીધો હતો. જ્યારે મારો છેલ્લો નિર્ણય ઔરંગાબાદનું નામ બદલાવીને સંભાજીનગર કરાવવાનો હતો.
કોરોનાકાળમાં પ્રધાનમંડળના દરેકે સહકાર આપ્યો એ બદલ સૌનો આભાર. કોરોના જેવું સંકટ કોઈના જીવનમાં ન આવે. એ વખતે ઑક્સિજન-સિલિન્ડરની અછત હતી, અત્યારે ગૅસ-સિલિન્ડરની છે.
કોરોના વખતે મારું કુટુંબ મારી જવાબદારી, ખેડૂતોને કર્જમાફી, સમૃદ્ધિ મહામાર્ગ અને મેટ્રોનું કામ રોકાવા નહોતું દીધું. મરાઠી ભાષા ફરજિયાત કરી.
મરાઠી ભાષા ભવન, ચોપાટી પર મરાઠી રંગભૂમિ ઑડિટોરિયમ, વરલી ડેરીમાં વૈશ્વિક દરજ્જાનું પર્યટન કેન્દ્ર બનાવવાં જોઈએ.
અજિતદાદાએ હંમેશાં સાથ આપ્યો એથી તેમની સાથે સંબંધ ગાઢ થયા. સારા કામ માટે તેમણે ક્યારેય આડોડાઈ કરી હોય એવું મને યાદ નથી.
