Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > દેશમાં યુનિફૉર્મ સિવિલ કોડ લાવનાર ઉત્તરાખંડ પછી ગુજરાત બન્યું બીજું રાજ્ય

દેશમાં યુનિફૉર્મ સિવિલ કોડ લાવનાર ઉત્તરાખંડ પછી ગુજરાત બન્યું બીજું રાજ્ય

Published : 25 March, 2026 07:06 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બળજબરી, ધાકધમકી, છેતરપિંડીથી લગ્ન કર્યાં અથવા એકથી વધુ લગ્ન કર્યાં તો ૭ વર્ષની સજા

ભુપેન્દ્ર પટેલ

ભુપેન્દ્ર પટેલ


ગુજરાત વિધાનસભાના ગૃહમાં ગઈ કાલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફૉર્મ સિવિલ કોડ (UCC) બિલ રજૂ કર્યું હતું જે પાસ થઈ ગયું હતું. દેશમાં UCC લાવનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બન્યું છે. UCC બિલમાં લગ્ન અને છૂટાછેડાથી લઈને લિવ-ઇન તેમ જ વારસાઈની જોગવાઈ કરવામાં આવી છે.   

UCCની મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ વિશે ગૃહમાં શું બોલ્યા ભૂપેન્દ્ર પટેલ? 



લગ્નનું ફરજિયાત રજિસ્ટ્રેશન, લિવ-ઇન સંબંધનું રજિસ્ટ્રેશન, છૂટાછેડા માટેના સમાન નિયમો, દીકરી કે દીકરો બધાને સમાન વારસાગત હક અને આ જોગવાઈઓના પાલન માટે દંડની જોગવાઈ સાથે એનો કડક અમલ આ બિલની મહત્ત્વની જોગવાઈ છે. દરેક ધર્મ અને પરંપરા મુજબ થયેલાં લગ્નની નોંધણી કરવાનું ફરજિયાત રહેશે અને નોંધણી ન કરાવવાથી દંડની જોગવાઈ રહેશે. આર્ટિકલ-૪૪ મુજબ રાજ્યએ તમામ નાગરિકો માટે એકસરખો કાયદો લાવવાનો પ્રયત્ન કરવાની જે જોગવાઈઓ છે એના અનુસંધાને આપણે UCC લાવી રહ્યા છીએ. લગ્ન, છૂટાછેડા, વારસો વગેરે મુદ્દાઓ પર કાયદા બનાવવાની સત્તા કેન્દ્ર તેમ જ રાજ્ય બન્ને પાસે છે. એને સુસંગત આ UCC બિલ ગુજરાતમાં લાવ્યા છીએ.


સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં સમાન સિવિલ કોડની જરૂરિયાત દર્શાવવામાં આવી છે એ માટે UCC લાવ્યા છીએ. લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, વારસો અને લિવ-ઇન સંબંધ જેવા વિષયો માટેના વિવિધ વ્યક્તિગત કાયદાઓને બદલે એકસમાન નિયમ લાગુ કરવાની આ UCCમાં જોગવાઈ છે. આ કાનૂનથી કોઈ ધાર્મિક વિધિઓ કે પરંપરાઓમાં હસ્તક્ષેપ કરવામાં નહીં આવે, પરંતુ સમાન સિવિલ કોડ માત્ર કાનૂની પાસાંઓને નિયમિત કરે છે.

બળજબરી, ધાકધમકી, છેતરપિંડીથી લગ્ન કરવાના કિસ્સામાં ૭ વર્ષ સુધીની સજા તથા એકથી વધુ લગ્ન કરવાના કિસ્સામાં પણ ૭ વર્ષની સજાની જોગવાઈ છે. ફરજિયાત નોંધણીથી વ્યક્તિની સાચી વૈવાહિક સ્થિતિ નોંધાય છે અને એને કારણે ખોટી માહિતી આપી છેતરપિંડીથી થતાં લગ્નના ક‌િસ્સાને નિવારી શકાય. કોર્ટ દ્વારા છૂટાછેડા થયા બાદ નોંધણી ફરજિયાત છે. કોર્ટની બહારના છૂટાછેડા અમાન્ય રહેશે.


કોર્ટની બહાર છૂટાછેડા કરવાના કિસ્સામાં ૩ વર્ષ સુધીની સજા થઈ શકે છે તેમ જ મહિલાને કોઈ પણ શરત વિના પુનર્લગ્નનો અધિકાર આપવામાં આવ્યો છે. ફરજિયાત નોંધણી અને કોર્ટ દ્વારા માન્ય છૂટાછેડા-પ્રક્રિયાને કારણે છેતરપિંડી, ગેરકાયદે છૂટાછેડા અને ખોટી વૈવાહિક સ્થિતિ દર્શાવવાના કિસ્સાઓને અટકાવે છે તેમ જ ભવિષ્યનાં લગ્નોમાં પારદર્શિતા સુનિશ્ચિત કરે છે.
તમામ સમુદાયો માટે એકસમાન છૂટાછેડાની પદ્ધતિ અને કારણો દ્વારા લિંગસમાન અને સરળ પ્રક્રિયા ઊભી થાય છે જે વ્યક્તિગત અધિકારોનું રક્ષણ કરે છે અને સમયસર ન્યાય આપીને વિવાદને ઘટાડે છે.

બધા ધર્મો માટે ભરણપોષણની સમાન જોગવાઈને કારણે મહિલાઓને વિશેષ સુરક્ષા મળે છે. સમાન સિવિલ કોડમાં તમામ ધર્મનાં યુવકો-યુવતીઓને સમાન અધિકાર આપવામાં આવ્યો છે.
પુત્ર-પુત્રીને સમાન કૌટુંબિક હક આપવાથી લિંગ સમાનતા, મહિલાઓની આર્થિક સુરક્ષા અને સમાજમાં ન્યાયી તથા સમાન વ્યવસ્થા સ્થાપિત થશે. લિવ-ઇન રિલેશનશિપનું નિયમન અને સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે જેમાં જો સંબંધમાં રહેલી વ્યક્તિઓની ઉંમર ૧૮થી ૨૧ વર્ષ વચ્ચે હોય તો નોંધણીની જાણ તેમનાં મમ્મી-પપ્પાને કરવામાં આવશે. બળજબરી, ધાકધમકી, છેતરપિંડીથી લિવ-ઇન માટે સંમતિ લેવાના કિસ્સામાં કડક સજાની જોગવાઈ છે.

સગીર સાથે લિવ-ઇન સંબંધમાં પૉક્સો ઍક્ટ મુજબ સજાની જોગવાઈ છે. એ ઉપરાંત અગાઉથી પરિણીત હોવા છતાં લિવ-ઇન સંબંધમાં રહેનાર માટે પણ કડક સજાની જોગવાઈ છે.

મહિલાને ભરણપોષણ અને બાળકને કાનૂની માન્યતા આપવામાં આવી છે જેમાં નોંધણીથી લિવ-ઇન સંબંધોને નિયમન કરવામાં મદદ મળશે. લિવ-ઇન પાર્ટનર દ્વારા ત્યાગ કરવામાં આવે ત્યારે મહિલાને ભરણપોષણ મળી શકે. લિવ-ઇન સંબંધમાંથી જન્મેલાં બાળકોનાં ભરણપોષણ, ઓળખ અને વારસાના હકોનું વધુ સારી રીતે રક્ષણ થઈ શકે.

સરકાર આદિવાસી સંસ્કૃતિની સૌથી મોટી રક્ષક છે. આ બિલમાં કલમ ૩૬૬ (૨૫) હેઠળ આવતી તમામ અનુસૂચિત જનજાતિને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. તેમની પરંપરાઓ, તેમના રીતરિવાજો અને રૂઢ‌િગત કાયદાઓ અકબંધ રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

25 March, 2026 07:06 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK