સલામ એ વીર સૈનિકોને જેમણે શૌર્યથી બૉર્ડરની રક્ષા કરીને પાક સૈન્યના નાપાક ઇરાદાઓને બરખાસ્ત કરી નાખ્યા હતા
યુદ્ધનાં દેવી તરીકે પ્રચલિત શ્રી તનોટ માતાનું મંદિર.
રાજસ્થાનમાં આવેલી ઇન્ડો-પાક બૉર્ડરના એક વૉચ ટાવરથી માત્ર ૧૮ કિલોમીટરના અંતરે બિરાજમાન શ્રી તનોટ માતા યુદ્ધનાં દેવી તરીકે પણ પ્રચલિત છે. ૧૯૬૫ના યુદ્ધ વખતે પાકિસ્તાને આ વિસ્તારમાં ફેંકેલા ૩ હજાર બૉમ્બમાંથી સાડાચારસો બૉમ્બ માનાં બેસણાં નજીક પડ્યા હતા, જે ફૂટ્યા જ નહીં. માતેશ્વરીના આશીર્વાદથી ફુસ્સ થઈ ગયા...
વડીલ વાચકોને યાદ હશે, ૧૯૬૫ની સાલમાં પાકિસ્તાને રાજસ્થાન સીમા પર જબરદસ્ત બૉમ્બાર્ડિંગ કર્યું હતું. પરંતુ સલામ એ વીર સૈનિકોને જેમણે શૌર્યથી બૉર્ડરની રક્ષા કરીને પાક સૈન્યના નાપાક ઇરાદાઓને બરખાસ્ત કરી નાખ્યા હતા. અને વંદન એ તનોટ માતાને જેમનાં બેસણાંની આજુબાજુ દુશ્મન દેશે સાડાચારસો બૉમ્બ નાખ્યા જે માતાએ ડીફ્યુઝ કરી નાખ્યા હતા
ADVERTISEMENT
એટલું જ નહીં, ૧૯૭૧માં લોંગેવાલા બૉર્ડર પર દુશ્મન સૈન્યએ ભયંકર તોપામારી કરી હતી, એ વખતે આપણા જવાનો પાસે અપર્યાપ્ત હથિયાર અને દારૂગોળો હતાં. ત્યારેય આપણા બહાદુર સૈનિકોએ હુમલાખોરોને જડબાતોડ જવાબ આપ્યો હતો અને માતાએ તેમનાં અને આર્યભૂમિના રખોપાં કર્યાં હતાં. આ બેઉ યુદ્ધો બાદ જેસલમેરથી ૧૨૦ કિલોમીટરના અંતરે આવેલા તનોટ ગામનાં આવડ માતાજી સમગ્ર દેશમાં તો ખરાં જ, પાડોશી દેશમાં પણ વિખ્યાત થઈ ગયાં. ૧૯૭૧ના યુદ્ધના બ્રિગેડિયર શાહનવાઝ ખાન તો માતાના આવા પરચા સાંભળી એટલા અભિભૂત થયા કે તેમણે ભારત સરકારને માઈનાં દર્શન કરવા આવવાની અનેક વખત પરમિશન માગી. એ અરજીઓ-નામંજૂરીનો દૌર પૂરાં અઢી વર્ષ ચાલ્યો અને વિવિધ કાર્યવાહી બાદ શાહનવાઝ ખાન તનોટ માતાનાં દર્શને આવ્યા. સાથે ભેટરૂપે તેમને માતાજીને ચાંદીનું છત્ર ચડાવ્યું. આજે પણ એ છત્ર અન્ય છત્રો સાથે માતાના મસ્તકની ઉપર સોહે છે.
૧૯૭૧ના યુદ્ધ પર આધારિત ‘બૉર્ડર’ મૂવીમાં તનોટ માતાના મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એaમાં એ રણની વચ્ચે સફેદ નાની દેરીરૂપે જ દર્શાવાયું છે.
વેલ, વેલ, વેલ... તમને થશે આ કાળઝાળ ગરમીમાં તીર્થાટન એક્સપ્રેસ મરુભૂમિ તરફ કેમ વાળી? એનું પહેલું કારણ એ કે ફરી એક વખત પાકિસ્તાને લોહિયાળ હરકત કરી છે. અને એના વળતા પ્રહારે જમ્મુ-કાશ્મીરથી લઈ ગુજરાત સુધીની આખીયે ઇન્ડો-પાક સીમા પરથી આપણે તેમનું ઑપરેશન કરી રહ્યા છીએ. અને બીજું અત્યંત મહત્ત્વનું કારણ એ કે જ્યાં ઉનાળામાં સૂરજનાં કિરણો રણની રેતી સાથે ગઠબંધન કરી ચામડીને દઝાડી દે એવી દાહક થઈ જાય છે. એવી કાતિલ ગરમીમાં આપણા જવાનો યુદ્ધ હોય કે ન હોય, કેટલાંય વર્ષોથી ચોવીસે કલાક ભારત માતાની રક્ષા કરતાં અહીં ખડે પગે ચોકી કરે છે. તેમના આવા સમર્પણને સલામ કરવા તેમ જ તેમને શક્તિ મળે એ સારુ તનોટ માતાને પ્રાર્થના કરવા ઍટ લીસ્ટ આપણે માતેશ્વરી તનોટરાયની માનસયાત્રા તો કરવી જ રહી. વાત છે વિક્રમ સંવત ૮૦૦ની. આ વિસ્તારમાં મામડિયો ચારણ રહેતો હતો. એ હિંગળાજ માતાનો પરમ ભક્ત હતો. લગ્નનાં ઘણાં વર્ષો બાદ પણ ચારણના ઘરે પારણું ન બંધાયું એટલે મામડિયાએ આદ્ય શક્તિ હિંગળાજ દેવીની સાધના શરૂ કરી. તપ, જપ ઉપરાંત તે પગપાળા હાલ બલૂચિસ્તાનમાં બિરાજિત સિદ્ધ પીઠ હિંગળાજ દેવીનાં દર્શને ગયો. એ વખતે વાહનવ્યવહારનાં કોઈ સાધનો તો હતાં જ નહીં. એવા ટાણે રણપ્રદેશની અગણિત રેતાળ ટેકરીઓ વટાવી-વટાવીને મામડિયો માતાના ચરણે પહોંચ્યો. મા ભક્તની આવી કઠિન તપસ્યાથી પ્રસન્ન થયાં અને પ્રગટ થઈ પૂછ્યું કે ‘બોલ, મામડિયા તને પુત્ર સંતાન જોઈએ કે પુત્રી સંતાન?’ માતાનો પરમ ભક્ત ચારણે કહ્યું, ‘માતા, આપ જ મારા ઘરે સંતાનરૂપે પધારો.’ અને માતાએ મામડિયાની ઇચ્છા પૂર્ણ કરી અને પ્રથમ સંતાનરૂપે પુત્રી આવડનો જન્મ થયો. એ પછી ચારણને ત્યાં બીજી ૬ પુત્રીઓ અને એક પુત્ર પણ જન્મ્યાં. આવડ જન્મથી દૈવી શક્તિ ધરાવતી હતી અને ગ્રામ્યજનોનાં દુઃખ દૂર કરતી હતી. વિક્રમ સંવત ૮૮૮માં દેવી આવડના નામે ભાટી રાજપૂત રાવ તનુજીએ મંદિર બનાવ્યું. ત્યારથી હિંગળાજ માતાનું સ્વરૂપ આવડ માતા અહીં તનોટરાય માતેશ્વરી નામે પુજાય છે.
મંદિરમાં મૂકવામાં આવેલા ડીફ્યુઝ્ડ બૉમ્બ.
સદીઓ પર સદીઓ પસાર થતી ગઈ. અનેક સામ્રાજ્યો આવ્યાં અને ગયાં. કહેવાય છે કે અકબરે પણ આ મંદિરની મુલાકાત લીધી છે અને અહીં છત્ર ચડાવ્યું છે. જોકે એનું કોઈ પ્રમાણ નથી પરંતુ સ્થાનિક લોકો કહે છે કે અહીંના વડવાઓ કહેતા કે મોગલ બાદશાહ અકબરે કેટલાંક હિન્દુ મંદિરોનાં દર્શન કર્યાં, તેમને ભેટણું ચડાવ્યું એ સુચિમાં તનોટ માતેશ્વરી પણ સામેલ છે. નાઓ, કટ ટુ ઓગણીસમી સદી. મંદિર તો હતું જ કાળની થપાટો વાગતાં રેગિસ્તાનની ટનબંધ રેતીમાં ધરબાઈ ગયું હતું. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ને દેશના બે ભાગલા પડ્યા. ત્યારે હાલમાં જે મંદિર છે ત્યાંથી ફક્ત ૧૮ કિલોમીટરના ડિસ્ટન્સથી જ બે દેશ વચ્ચે સીમા અંકાઈ. એ પછી ઍઝ પર રૂલ સરહદી વિસ્તારનાં ગામોને સ્થળાંતરિત કરાયાં અને આખોય વિસ્તાર બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના સંરક્ષણ હેઠળ આવ્યો. જોકે હાલ તનોટ ગામમાં છૂટાંછવાયાં ઘરો છે અને થોડી વસ્તી છે પણ એનાથી આગળ સીમા સુધી બીજા એકેય ગામ નથી. સ્વતંત્રતા બાદ આ બૉર્ડર એરિયા ઓઝલમાં જ રહ્યો. એક તો ડેન્સ રણ, પાણીની અછત, શિયાળામાં અતિશય ઠંડી અને ઉનાળામાં બેહદ ગરમી. એવામાં BSFના જવાનો સિવાય કોઈ આવન-જાવન નહીં. ગ્રામ્ય જનો પણ કામની શોધમાં જેસલમેર, જોધપુર તરફ નિવાસિત થઈ ગયા હતા અને ગણ્યાં-ગાંઠ્યાં ઘરો સિવાય વિલેજ ખાલી થઈ ગયું હતું. ત્યાં ૧૮ વર્ષના અરસા બાદ સીમા પારથી ફરી અહીં ધમાકા થયા. પાકિસ્તાન આર્મીએ આ વિસ્તારમાં ચાર હજાર જીવંત બૉમ્બ નાખ્યા. આપણા જવાનો તૈયાર જ હતા છતાં અચાનક થયેલા આ હુમલાઓથી સરહદી વ્યવસ્થા ડગમગાઈ ગઈ. એ વખતે કહેવાય છે કે એક સૈનિકને તનોટ માતા સ્વપ્નમાં આવ્યાં અને કહ્યું કે ‘મારી અખંડ જ્યોત જલાવ અને આટલા- આટલા વિસ્તારમાં દૂધની ધારા કર.’ જવાને સ્વપ્ન મુજબ સૈનિકોને ખાવા મળતા ડાલડા ઘીથી દીવો પ્રગટાવ્યો. દૂધમાં પાણી ભેળવી જણાવેલા વિસ્તાર સુધી ધારા કરી. અને મિરૅકલ.... એ વિસ્તારમાં પાકિસ્તાને ૩૦૦૦ બૉમ્બ નાખ્યા, જે હન્ડ્રેડ પર્સન્ટ જીવંત હતા છતાંય એકેય ફૂટ્યા નહીં. ૪૫૦ બૉમ્બ તો દૂધથી કૉર્ડન કરેલા એરિયામાં પડ્યા હતા પણ એકેયમાંથી નાનકડું તણખલુંયે ન ફૂટ્યું. યુદ્ધ પૂર્ણ થતાં ફરી એ જ સૈનિક ગુમાન સિંહને માતા સપનામાં આવ્યાં, જેમાં માતાજીએ ચોક્કસ જગ્યાએ ખોદકામ કરવાનું કહ્યું. નિર્દેશન પ્રમાણે એ ભૂમિ પર જવાનોએ ખોદતાં રાજા તંબુલ રાવ દ્વારા સ્થાપિત તનોટરાય માતાના મંદિરના ભગ્ન અવશેષો સાંપડ્યા અને વધુ ઊંડાણમાં ખોદતાં આવડ માતા સહિત સાતેય બહેનોની લાકડાની મૂર્તિ, એક તલવાર, એક ચિપિયો, ઢોલક તેમ જ ત્રિશૂળ મળી આવ્યાં. એ મૂર્તિઓમાંથી ચાર પ્રતિમાઓ હાલમાં મંદિરમાં મોજૂદ છે. બાકીની ગુમાન સિંહે પોતાના ગામમાં સ્થાપિત કરી છે. આ ઘટના બાદ બૉર્ડર સિક્યૉરિટી ફોર્સે અહીં નાનકડી દેરી જેવું મંદિર બનાવ્યું અને ત્યારથી જ જવાનો જ એની માવજત કરે છે. જવાન જ પૂજા-અર્ચના-આરતી કરે છે. ૧૯૭૧માં યુદ્ધ વખતે પણ માતાજીના આશીર્વાદથી આ સીમાએ મોટી વિપદા ટળી હોવાથી અહીં ચોકી કરતા જવાનો ડ્યુટીએ જતા પૂર્વે માતાનાં દર્શન કરવા અચૂક આવે છે. જવાનો ઉપરાંત ચારણ અને ભાટી રાજપૂતો પણ માતાને પાય લાગવા આવે છે. એમાંય બપોરે ૧૨ અને સાંજે ૭ વાગ્યે થતી માતાની આરતીનો ભારે મહિમા છે. સવાથી દોઢ કલાક ચાલતી આ આરતી સમયે ગ્રામ્યજનો તેમ જ ભાવિકો કતારબધ્ધ બેસી માતામય બની જાય છે. ૨૦૨૨માં ગૃહપ્રધાન અમિત શાહ પણ આ મંદિરનાં દર્શનાર્થે આવ્યા હતા અને માતાનું સત જાણી મંદિર તેમ જ ગ્રામ્ય વિકાસ અર્થે ૧૭.૬૭ કરોડ રૂપિયા ફાળવ્યા છે જેને પરિણામે છેવાડાનાં ગામોમાં પાણી પહોંચ્યું છે, મંદિરનો પરિસર ખૂબ વિશાળ થયો છે અને નૂતનીકરણ ચાલુ છે. હાલમાં ઊભેલું મંદિર ૧૨મી સદીમાં લોનકાવત મહારાવે બનાવેલી જગ્યાએ છે. મૂળ માળખું સંરક્ષિત રાખી એની આજુબાજુ મસમોટો પરિસર બનાવાયો છે. મંદિરમાં બિરાજિત માતાની મૂર્તિ જબરદસ્ત જાગ્રત છે. પરિસરમાં આવેલો પ્રાચીન કૂવો પણ દર્શનીય છે. તનોટ માતાના મંદિરે જવા સોનેરી શહેર જેસલમેર જવાનું રહે છે. ત્યાંથી વિવિધ માર્ગપરિવહન દ્વારા માતાના સ્થાનકે પહોંચી શકાય છે. મંદિર સવારે ૬થી રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને દર્શનનું પ્રી-બુકિંગ કરાવવાની જરૂર નથી. અહીં મંદિરના પ્રાઇવેટ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ધર્મશાળા છે. જોકે મોટા ભાગના વિઝિટર જેસલમેરથી વન-ડેની ટ્રિપ કરવાનું પ્રિફર કરે છે. હવાઈ માર્ગે મુંબઈથી થાર ડેર્ઝટ જવા જોધપુર નિકટવર્તી હવાઈ મથક હૈ ઔર જેસલમેર નિકટવર્તી રેલવે-સ્ટેશન. મુંબઈથી જેસલમેરની સુપર ફાસ્ટ ટ્રેન છે જે ફક્ત ૨૨ કલાકમાં ભારતની પશ્ચિમી સીમાએ પહોંચાડી દે છે. અફકોર્સ, અહીં જવાનો અનુકૂળ સમય તો શિયાળો જ છે, પરંતુ જેસલમેરની જાહોજલાલીમાં ખોવાઈ જતા ભારતીય ટૂરિસ્ટો તનોટ માતાને મત્થા ટેકવા જવાનું ચૂકી જાય છે. પ્રૉમિસ અસ, નેક્સ્ટ ટાઇમ જ્યારે પણ જૈસલ રાણાની નગરીએ જાઓ ત્યારે સીમા સુરક્ષા દળના જવાનો માટે આશીર્વાદ લેવા તનોટમાને મત્થા ટેકવા જશો. ઍન્ડ યસ, બેટા પાકિસ્તાન, સાંભળી લે, તું અમારું કાંઈ નહીં બગાડી શકે... કારણ કે અમારી પાસે વીર સૈનિકો છે સાથે માતા તનોટના આશીર્વાદ છે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
મંદિરના પરિક્રમા પથ પર ચારેય બાજુ હાથરૂમાલ બંધાયેલા છે. કહે છે કે ભાવિકો માતાનું આલંબન લઈ માનતા માને છે અને એ કામના પૂર્ણ થતાં અહીં આવી સફેદ રૂમાલ બાંધે છે. જોકે મંદિર પ્રશાસન દ્વારા ચોખ્ખા શબ્દમાં રૂમાલ બાંધવાની મનાઈ ફરમાવાઈ છે છતાં અહીં લાખોની સંખ્યામાં રૂમાલો છે અને દરરોજ એમાં વધારો થતો જાય છે. આ કારણે આ દેવી રૂમાલવાલી માતા તરીકે પણ ઓળખાય છે. માતાના બેસણાની નજીક જ યુદ્ધ સ્મારક સંગ્રહાલય (મ્યુઝિયમ) છે જેમાં પાકિસ્તાનના ફારસ સમા પેલાં ફુસ્સ બૉમ્બ તો છે જ સાથે આપણા શહીદો સાથે જોડાયેલી વિવિધ વસ્તુઓ, તેમની વીરગાથાઓ વર્ણવતી ઑડિયો-વિઝ્યુઅલ ક્લિપ મસ્ટ સી છે. હા, નૂતન નિર્મિત વિજયસ્તંભ પણ ઇન્સ્ટાગ્રામેબલ છે. - મંદિરથી ૨૦ કિલોમીટર દૂર બાવલિયાંવાલા બૉર્ડર પડે છે અને વાઘા બૉર્ડરની જેમ ભારતીય નાગરિક આ સીમા સુધી જઈ શકે છે. હા, અહીં કોઈ સેરેમની નથી થતી પરંતુ સોનેરી રેતીની નાની-મોટી ટેકરીઓ થાર રેગિસ્તાનનો યાદગાર અનુભવ ચોક્કસ આપશે. બૉર્ડરની વિઝિટ માટે આગોતરા પાસ અને વિઝિટર સ્લૉટ બુક કરવો કમ્પલ્સરી છે જે ઑનલાઇન પણ થઈ જાય છે.

