સતત ત્રીજા દિવસે ઇન્ડિગોના ધાંધિયા, ૩૦૦+ ફ્લાઇટ કૅન્સલ: ઍરલાઇન કહે છે કે છેક ૧૦ ફેબ્રુઆરી સુધીમાં પરિસ્થિતિ પૂર્વવત્ થશે
બુધવારની રાતે વિક્રમ સંઘવી અને તેમનાં પત્ની પ્રીતિને ઍરપોર્ટ પર આ ફોટો પાડતી વખતે ખ્યાલ નહોતો કે આગળ કેવી હાલાકી તેમની રાહ જોઈ રહી છે.વિક્રમ અને પ્રીતિ સંઘવીની ગોવાની ટિકિટ.
લગ્નપ્રસંગ માણવા નીકળેલું ગ્રુપ હેરાનપરેશાન થઈ ગયું, એમાંથી કેટલાકે જવાનું માંડી વાળ્યું અને કેટલાક જેમ-તેમ બીજી વ્યવસ્થા કરીને નીકળ્યા: ચેક-ઇન કરેલું લગેજ પણ અટવાઈ ગયું છે અને રીફન્ડ તો હજી બહુ દૂરની વાત છે
છેલ્લા ત્રણ દિવસથી ઇન્ડિગો ઍરલાઇન્સના ધાંધિયાના સમાચાર મીડિયામાં છવાયેલા છે, પણ આ ધાંધિયાને લીધે હકીકતમાં પૅસેન્જરોને કેવી હાલાકી થઈ છે એનો એક કિસ્સો ‘મિડ-ડે’ના ધ્યાનમાં આવ્યો છે.
ADVERTISEMENT
મલાડના બિઝનેસમૅન વિક્રમ સંઘવી તેમના ૩૦ જેટલા ફૅમિલી-મેમ્બર્સ અને પરિચિતો સાથે બુધવારે રાત્રે ગોવા માટે ઇન્ડિગોની ફ્લાઇટ પકડવાના હતા. જોકે તેમને ખબર નહોતી તેમની આ મુસાફરી દુ:સ્વપ્ન જેવો અનુભવ બની રહેશે. આ વિશે વધુ માહિતી આપતાં વિક્રમભાઈએ કહ્યું હતું કે ‘શુક્રવારે ગોવા ખાતે અમારા ક્લોઝ ફ્રેન્ડ-કમ-રિલેટિવને ત્યાં લગ્ન છે. ગુરુવારે સંગીતસંધ્યા હતી. એ માટે મેં, મારી ફૅમિલીના સદસ્યો અને મિત્રો એમ કુલ મળીને ૩૦ જણે બુધવાર રાતની મુંબઈથી ગોવા માટેની ઇન્ડિગોની ફ્લાઇટ બુક કરી હતી. અમારી ફ્લાઇટ બુધવારે રાત્રે ૮.૫૫ વાગ્યાની હતી. પહેલાં અમને મેસેજ આવ્યો કે ફ્લાઇટ એક કલાક મોડી છે. પછી થોડી વાર રહીને પાછો મેસેજ આવ્યો કે ફ્લાઇટ બે કલાક મોડી છે એટલે અમે એ પ્રમાણે ઘરેથી નીકળ્યા. ઍરપોર્ટ પર ૯ વાગ્યાની આસપાસ અમે પહોંચી ગયા હતા. અમે ઍરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ત્યાંની પરિસ્થિતિ જોઈને શૉક થઈ ગયા હતા. આટલી બધી ભીડ અને ધક્કામુક્કી જોઈને લાગ્યું કે આ ઍરપોર્ટ છે કે શું? અમે ચેક-ઇનની લાઇનમાં ઊભા રહ્યા. ત્યાં દોઢ કલાક તો અમને ચેક-ઇન કરતાં થયો. અમને એમ કે વહેલી-મોડી પણ ફ્લાઇટ તો ઊપડશે જ. કૅન્સલ જ થઈ જશે એનો અંદાજ નહોતો. ઍરપોર્ટ પર નહોતો કોઈ સ્ટાફ કે નહોતો કોઈ ઑથોરાઇઝ્ડ પર્સન જે આપણા સવાલોનો જવાબ આપે. મારા ઉપવાસ ચાલે છે અને હું તો સાવ થાકી ગયો હતો. દર અડધો કલાકે મેસેજ આવે કે ફ્લાઇટ થોડી લેટ છે, પણ સાચું કોઈ કહેતું નહોતું. અમે આટલા બધા જણ હતા છતાં કંટાળી ગયા હતા. અમને ગેટ-નંબર પણ આપ્યો એ પ્રમાણે અમે ૫૧ નંબરના ગેટ પર માંડ-માંડ ગિરદી પાર કરીને પહોંચ્યા. ૧૨.૪૫ વાગ્યે ફ્લાઇટ આવશે એવો મેસેજ આવ્યો. ૧૨.૪૫ થઈ તો પણ ફ્લાઇટ ન આવી, પણ ફરી મેસેજ આવ્યો કે તમારો ગેટ-નંબર બદલાઈ ગયો છે. અમે ફરી ભાગી-ભાગીને એ ગેટ પર પહોંચ્યા. ત્યાં ભારે ભીડ હતી. અન્ય ફ્લાઇટના લોકો પણ કલાકોથી ફ્લાઇટની રાહ જોઈને બેઠેલા હતા. અમે તપાસ કરી તો ખબર પડી કે કોઈ ક્રૂ-મેમ્બર હાજર નથી કે ઇન્ડિગોનો કોઈ સ્ટાફ પણ નથી. તો પછી ફ્લાઇટ ઊપડશે જ કેવી રીતે?’
લગેજ માટે વિનંતી કરી
ઍરપોર્ટની સ્થિતિ જોતાં અમને લાગ્યું નહીં કે આજે કોઈ ફ્લાઇટ ઊપડશે એટલે અમે અમારું લગેજ પાછું માગ્યું તો એ પણ અમને મળ્યું નહીં એમ જણાવતાં વિક્રમ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે ‘પરિસ્થિતિ જોઈને લાગતું હતું કે ફ્લાઇટ જવાની જ નથી એટલે અમે લગેજ પાછું માગ્યું, પણ તેમણે ના પાડી. કહ્યું કે એ કઈ જગ્યાએ છે એ અમને ખબર નથી એટલે તમારે ત્રણ કલાક રાહ જોવી પડશે. મને ખૂબ ગુસ્સો આવ્યો કે એક તો કોઈ સ્પષ્ટતા નહીં અને એમાં અમારું જ લગેજ પાછું આપવાની આનાકાની કરે એટલે મેં ઝઘડો કર્યો તો અમને બહાર જવા કહ્યું. અમે ઍરપોર્ટની બહાર આવ્યા. અમને ઍરપોર્ટની બહાર આવતાં જ અડધો કલાક થયો. મેં ઘરે આવીને ઘણી ઈ-મેઇલ કરી અને ઘણી ખટપટ કરી છતાં એવું લાગે છે કે અમને ત્રણ દિવસ પહેલાં અમારું લગેજ પાછું નહીં મળે. ઇન્ડિગોમાંથી મેસેજ આવ્યો કે અમે એક-બે દિવસમાં તમારું લગેજ તમારા ઘરે પહોંચાડી દઈશું. જોકે મને નથી લાગતું કે આ શક્ય બનશે. અમારા જેવા તો ત્યાં હજારો લોકો હતા અને તેમનો એટલો સામાન. કેટલોક સામાન તો ખોવાઈ પણ જાય તો નવાઈ નહીં. અમારાં લગ્નનાં ભારે કપડાંથી લઈને ઘણી વસ્તુઓ લગેજ-બૅગમાં છે એટલે ચિંતાનો કોઈ પાર નથી. ફ્લાઇટની ટિકિટના પૈસા તો હજી ગયા ખાતે જ છે. રીપેમેન્ટ આવે ત્યારે વાત.’
ગ્રુપના અન્ય સદસ્યોના શું છે હાલ?
ગ્રુપના અન્ય સદસ્યો વિશે માહિતી આપતાં વિક્રમભાઈએ કહ્યું હતું કે ‘૩૦માંથી ૧૦ જણે તો ગોવા જવાનો પ્લાન જ કૅન્સલ કરી દીધો જેમાં હું પણ એક છું. ગ્રુપના બાકીના લોકો સંબંધ સાચવવા ખાતર ટ્રાન્સપોર્ટેશનના અન્ય વિકલ્પોનો ઉપયોગ કરીને ગોવા પહોંચી રહ્યા છે. કોઈ ડબલ પૈસા આપીને ટિકિટ બુક કરાવી રહ્યું છે, કોઈ ટ્રેન બદલી-બદલીને ટ્રાવેલ કરી રહ્યું છે તો કોઈ બાય રોડ ગોવા પહોંચી રહ્યું છે. બધું છેલ્લી ઘડીએ બુક થયું હોય તેઓ પણ હેરાન થઈને જ જઈ રહ્યા છે.’


