ભક્તિની પરાકાષ્ઠા એ પ્રેમભક્તિ છે. આ ભક્તિમાં જેકંઈ થવાનું હોય એ થઈ જાય છે અને એટલે જ આ પ્રેમભક્તિ. પ્રેમની ચરમ અવસ્થા, એની આગળ કંઈ નથી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
આપણે વાત કરી સાધનભક્તિની, હવે વાત કરીએ ભાવભક્તિની.
જ્યારે ભાવ આવી જાય ત્યારે ભાવભક્તિ જન્મે છે. સાધનભક્તિમાં જોખમ છે, કર્તાપણાનું. હું કરી રહ્યો છું, હું યજ્ઞ કરી રહ્યો છું કે પછી બીજી બધી વાતોમાં હું કરું છું એવો કર્તાપણાનો ભાવ. આવો કર્તાભાવ અજ્ઞાની દર્શાવે તો એ એટલો ખરાબ નથી, કારણ ચોખ્ખું છે કે તે બાપડો જાણતો જ નથી, પણ જો સમજદાર માણસ દ્વારા કર્તાભાવ દર્શાવવામાં આવે તો એ ખૂબ ખરાબ ગણાય.
ચિત્ત ભાવવિભોર છે. કંઈ કરવું ન પડ્યું. એમાં ભાવ છે જ અને એ ભાવથી જ ભરેલું છે. એવું જ હૃદયનું પણ છે. કેટલાય લોકોનાં હૃદય એવાં હોય છે જે કોઈની નબળી વાતો સાંભળીને કે પછી હરિનામ સાંભળીને તરત જ પીગળી જાય છે. એ જ પીગળેલા હૃદયમાં રામના રંગનું મિશ્રણ થઈ જાય તો એ છે ભાવભક્તિ.
ADVERTISEMENT
ભાવભક્તિમાં એક વાત ખટકે છે. કાલે તો બહુ ભાવ જાગ્યો, પણ આજે કેમ એ ભાવ નથી જાગતો? આજે આટલો આનંદ આવ્યો, કાલે પણ એવો જ અને આટલો આનંદ મળશે કે નહીં? આ જે ચિંતા છે એ મનનો ચડાવ-ઉતાર છે અને એ રહેવાની જ.
હવે વાત આવે છે પ્રેમભક્તિની.
ભક્તિની પરાકાષ્ઠા એ પ્રેમભક્તિ છે. આ ભક્તિમાં જેકંઈ થવાનું હોય એ થઈ જાય છે અને એટલે જ આ પ્રેમભક્તિ. પ્રેમની ચરમ અવસ્થા, એની આગળ કંઈ નથી. પછી પ્રેમ કહો કે ભક્તિ કહો, એનાથી કોઈ ફેર પડતો નથી. આ દશા આવે. ભક્તિમાં કોઈ કામના ન હોય. પ્રેમભક્તિમાં પ્રવેશ થઈ જાય ત્યારે બીજાના ગુણદોષોમાં ગૂંચવાશો નહીં.
સાધનભક્તિમાંથી ભાવભક્તિનો જન્મ થાય છે અને પછી ભાવભક્તિમાંથી પ્રેમભક્તિનો જન્મ થાય છે. ભાવભક્તિનો અર્થ છે એવી ભક્તિ કે ક્યારેક-ક્યારેક એ ભાવ જગાડે અને પ્રેમભક્તિનો અર્થ છે જે નિરંતર ભાવ જગાડે. ભાવ અને પ્રેમમાં એકદમ મૌલિક ફરક છે. સમજી લો મારાં ભાઈઓ-બહેનો, આપણને તેના પ્રત્યે ભાવ છે, તેના પ્રત્યે પ્રેમ છે એવું આપણે બોલી નાખીએ છીએ, પરંતુ મૂળમાં આ બન્નેમાં ઘણો ફેર છે. ભાવ એને કહે છે જેમાં કેવળ ચિત્ત જ દ્રવીભૂત થાય છે, આખું અંતઃકરણ એ ભાવમાં એકરસ નથી થતું. અંતઃકરણમાં તો અહંકાર પણ છે, મન પણ છે, બુદ્ધિ પણ છે અને ચિત્ત પણ છે. અંતઃકરણને ચતુષ્ટ માનવામાં આવે છે. આ તદ્દન સ્પષ્ટ વ્યાખ્યા છે. ભાવનો અર્થ છે આપણા અંતઃકરણમાં માત્ર ચિત્ત જ એકરસ હોય.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

