આનંદ બક્ષી ગીતકાર નહીં, ગાયક કે અભિનેતા બનવા ઇચ્છતા હતા

Updated: Feb 06, 2020, 13:00 IST | Aashu Patel | Mumbai Desk

તેમણે કેટલીક ફિલ્મમાં લતા મંગેશકર, આશા ભોંસલે અને મોહમ્મદ રફી સાથે ગીતો પણ ગાયા હતા!

આનંદ બક્ષીએ ગીતકાર તરીકે ખૂબ જ ખ્યાતિ મેળવી હતી. તેઓ સૈન્યમાં ભરતી થયા હતા, પણ તેમની ઇચ્છા તો ગાયક કે અભિનેતા બનવાની હતી. તેઓ સૈન્યમાં ફરજ બજાવતા હતા એ દરમ્યાન તેમને ગીતો લખવા માટે સમય મળતો નહોતો, પરંતુ તેમને જ્યારે પણ સમય મળતો હતો ત્યારે તેઓ કવિતા લખતા હતા. તેમના સૈન્યમાં કોઈ કાર્યક્રમ યોજાય તો એ કાર્યક્રમ માટે તેઓ ગીતો લખતાં હતાં.

તેમણે બે વર્ષ અને સાડાચાર મહિના સુધી સૈન્યમાં કામ કર્યું. એ દરમ્યાન તેમણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવવા માટે કોશિશ ચાલુ રાખી હતી. ૧૯૫૬માં તેઓ ગાયક, ગીતકાર, અભિનેતા અને સંગીતકાર તરીકે કોઈ પણ રીતે કામ મળે એ માટે તકની શોધમાં મુંબઈ આવી ગયા હતા. બે વર્ષ પછી બ્રિજ મોહનની ૧૯૫૮માં રિલીઝ થયેલી ‘ભલા આદમી’ ફિલ્મમાં તેમને પ્રથમ બ્રેક મળ્યો હતો. એ ફિલ્મ માટે તેમણે ચાર ગીતો લખ્યાં હતાં. એમાં તેમણે એક ગીત લખ્યું હતું ‘ધરતી કે લાલ ન કર મલાલ...’.
બે વર્ષ પહેલાં એ ગીત તેઓ રેડિયો માટે પોતે ગાઈ ચૂક્યા હતા.

જોકે એ તક મળ્યા પછી પણ તેમણે ચાર વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો અને એ પછી ૧૯૬૨માં ‘મહેંદી લગી મેરે હાથ’ ફિલ્મમાં તેમણે લખેલાં ગીતો થકી તેમને સફળતા મળી. એ ફિલ્મમાં કલ્યાણજી-આણંદજીએ સંગીત આપ્યું હતું. એ ફિલ્મ પછી આનંદ બક્ષીને ગીતકાર તરીકે પાછું વળીને જોવું ન પડ્યું. એ પછી તેમની ૧૯૬૨માં જ ‘કાલા સમુંદર’ ફિલ્મ આવી. તો ૧૯૬૫માં ‘હિમાલય કી ગોદ મે’ અને ૧૯૬૫માં જ ‘જબ જબ ફૂલ ખીલે’ અને ૧૯૬૭માં ‘મિલન’ જેવી ફિલ્મોનાં ગીતોથી હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેમનું સ્થાન મજબૂત બની ગયું. ૨૦૦૨ની ૩૦ માર્ચે તેમનું મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં ૭૨ વર્ષની ઉંમરે મૃત્યુ થયું ત્યાં સુધી તેઓ ફિલ્મો માટે ગીતો લખતાં રહ્યાં હતાં. તેમણે ૬૩૮ ફિલ્મો માટે ૪૦૦૦ જેટલાં ગીતો લખ્યાં. જોકે તેમની સૌથી વધુ ઝંખના ગાયક બનવાની હતી.

તેમને મુંબઈ આવ્યા પછી ૧૬ વર્ષ બાદ ૧૯૭૨માં ‘મોમ કી ગુડિયા’ ફિલ્મમાં લતા મંગેશકર સાથે ગીત ગાવાની તક મળી. એ ફિલ્મમાં તેમણે લતા મંગેશકર સાથે ગાયેલું ગીત હતું (સ્ક્રીન પર એ ગીત તનુજા અને રતન ચોપડાએ ગાયું હતું) ‘બાગો મેં બહાર આઈ, હોઠો પર પુકાર આઈ આ જા આ જા આ જા ઓ મેરી રાની...’ એ ગીત સુપરહિટ થયું હતું. એનું સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે આપ્યું હતું. એ ગીત સાંભળશો તો ખ્યાલ આવશે કે આનંદ બક્ષીને તક મળી હોત તો તેઓ ખરેખર સારા ગાયક બની શક્યા હોત.

આ ઉપરાંત પણ આનંદ બક્ષીએ અનેક ફિલ્મ માટે ગીતો ગાયાં હતાં અને એક અત્યંત મોટી ફિલ્મમાં તેમને ગાયક તરીકે તક મળી હતી, પણ બ્લૉકબસ્ટર સાબિત થયેલી એ ફિલ્મમાં તેમણે ગાયેલા ગીતનો સમાવેશ ન થયો એટલે તેમનું સપનું રોળાઈ ગયું. એના વિશે પછી વાત કરીશું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK