Alt બાલાજીની કાર્ટેલમાં દેખાશે સુપ્રિયા પાઠક
ડિજિટલ પ્લૅટફૉર્મ Alt બાલાજી દર્શકોને મનોરંજન સાથે ક્રીએટિવ કન્ટેન્ટ પીરસવા માટે જાણીતું છે. થોડા સમય પહેલાં તેની આગામી વેબ-સિરીઝ ‘કાર્ટેલ’ની જાહેરાત કરવામાં આવી હતી. આ શોમાં વિવેક ઑબેરૉય, રવિ કિશન, કુબ્રા સેઇત, સમીર સોની, સંદીપા ધર, ઋત્વિક ધન્જાની, મોનિકા ડોગરા, દિવ્યા અગ્રવાલ જેવા કલાકારો છે અને હવે આ લાંબી યાદીમાં દિગ્ગજ અભિનેત્રી સુપ્રિયા પાઠકનું નામ પણ ઉમેરાયું છે. સુપ્રિયા પાઠકને ખીચડી સિરિયલમાં હંસા તરીકે બહુ લોકપ્રિયતા મળી છે. ‘મિર્ચ મસાલા’, ‘ગોલિયોં કી રાસલીલા ઃ રામલીલા’, ‘વેક અપ સીડ’ વગેરે ફિલ્મો કરી ચૂકેલાં આ અભિનેત્રી તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘જય મમ્મી દી’માં જોવા મળ્યાં હતાં.
‘કાર્ટેલ’ની વાત કરીએ તો અગાઉ આ શોનું નામ ‘ફૅમિલી મૅન’ હતું તેમ જ એકતા કપૂર અને ડિરેક્ટર પુલકિત વચ્ચેના મતભેદોને કારણે શોમાં વિલંબ થઈ રહ્યો હતો. ત્યાર બાદ આ શોનું નામ ‘કાર્ટેલ’ નક્કી થયું અને હવે તેને સુયશ વાધવકર ડિરેક્ટ કરશે. સુયશ ‘યે હૈ આશિકી’, ‘રાગિની એમએમએસ રિટર્ન્સ’, ‘બેહદ’ જેવા શો ડિરેક્ટ કરી ચૂક્યા છે.