શબ્દનો મહિમા સીમિત છે. સંગીતનો વ્યાપ અસીમ છે. સંગીત વિનાનું જીવન એક મોટી ભૂલ છે. સંગીત રોજબરોજના જીવનમાંથી ધૂળ ખંખેરવાનું કામ કરે છે.
‘સંકેત’ના રજની મહેતા સાથે પાર્થિવ ગોહિલ અને જાહ્નવી શ્રીમાંકર.
When words fail, music speaks.
શબ્દનો મહિમા સીમિત છે. સંગીતનો વ્યાપ અસીમ છે. સંગીત વિનાનું જીવન એક મોટી ભૂલ છે. સંગીત રોજબરોજના જીવનમાંથી ધૂળ ખંખેરવાનું કામ કરે છે. સંગીત વિનાની સૃષ્ટિની કલ્પના કરવી જ અશક્ય છે કારણ કે Music is the shorthand of emotions.
ADVERTISEMENT
સંગીતની રાગ-રાગિણીઓને સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં ફિલ્મસંગીતનો અગત્યનો ફાળો છે. અનેક દિગ્ગજ સંગીતકારોએ રાગના મૂળભૂત બંધારણમાં નાના પરંતુ કર્ણપ્રિય ફેરફાર કરીને ગીતોને સ્વરબદ્ધ કર્યાં એટલે જ આ ગીતો અમર થયાં.
આજકાલના રિયલિટી શોના સ્પર્ધકો શરૂઆતના રાઉન્ડમાં જ્યારે પોતાની પસંદગીનાં ગીતોની રજૂઆત કરતા હોય છે ત્યારે વીતેલા યુગનાં ગીતોની યાદ તાજી થાય છે. આજે બૉલીવુડનું સંગીત પૉપ, હિપ-હૉપ, પંજાબી ભાંગડા અને વિદેશી ધૂનો પર જ આધાર રાખતું થયું છે. એમ છતાં રણમાં મીઠી વીરડી સમાન છૂટાછવાયા રાગ આધારિત ગીતો સાંભળવા મળી જાય છે.
આજે વાત કરવી છે બે ગુજરાતી ગાયક કલાકારોની, જે પોતાની ગાયકી દ્વારા આપણા ભવ્ય સંગીતવારસાને જાળવી રાખવાનો સંનિષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.
૨૦૦૧માં અમારી સંસ્થા ‘સંકેત’ના ઉપક્રમે સંગીતકાર નૌશાદના અભિવાદનના કાર્યક્રમ ‘મૈં ગીત સુનાતા જાઉં’નું આયોજન કરવામાં આવ્યું હતું. એ સાંજે ‘મુગલ-એ-આઝમ’ના સુપ્રસિદ્ધ તરાના ‘પ્રેમ જોગન બનકે’ની રજૂઆત કરી ૨૦ વર્ષના એક યુવાને. દિલીપકુમાર અને મધુબાલા પર ફિલ્માંકન થયેલું અને બડે ગુલામ અલી ખાંના સ્વરમાં રેકૉર્ડ થયેલું આ અમર ગીત સાંભળી હાજર રહેલા સંગીતકાર નૌશાદ અને તમામ પ્રેક્ષકોના રૂવાંડાં ઊભાં થઈ ગયાં.
એ દિવસે નૌશાદે આ યુવાનને બિરદાવતાં કહ્યું, ‘બેટા, અગર યે ગાના મુઝે આજ રેકૉર્ડ કરના હો તો મૈં તુમસે ગવાઉં, ઇતની બેહતરીન ગાયકી મૈંને આજતક સુની નહીં. જીતે રહો.’
એ યુવાનનું નામ હતું પાર્થિવ ગોહિલ. ‘સા રે ગા મા’ની ફાઇનલમાં જેને રનર-અપ બનવાનો મોકો મળ્યો તે યુવાનનો જન્મ થયો હતો ભાવનગરમાં. પિતા, દાદા અને દાદી સંગીતનાં શોખીન એટલે ગળથૂથીમાં જ સ્વરનું સિંચન થઈ ગયું. ઘરમાં હાર્મોનિયમ, તબલાં, તાનપુરો અને સંગીતનાં બીજાં સાધનો હાથવગાં એટલે બાળક પાર્થિવની સંગીત પ્રત્યેની રુચિ વધતી ગઈ.
એમ કહેવાય છે કે ગયા સાત જનમમાં પુણ્ય કર્યાં હોય તો આ જન્મે સંગીત મળે. પાર્થિવની રુચિ જોઈ પિતા ભરતભાઈએ પુત્રને હાર્મોનિયમની તાલીમ માટે ભાવનગરનાં ભાનુબહેન સોલંકી અને દક્ષાબહેન મહેતા પાસે મોકલ્યો. પાર્થિવને સ્વરગાન થતું ગયું, પણ શિક્ષકોએ નોટિસ કર્યું કે તેને ગાયનમાં વધુ રસ છે. એટલે ભરતભાઈએ કૅસેટ પરથી જુદા-જુદા રાગોનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે પાર્થિવની ગાયકીની તારીફ થવા લાગી. સ્કૂલની, શહેરની, રાજ્યકક્ષાની હરીફાઈઓમાં તેને ઇનામ મળતાં. ગિટાર લઈને શાસ્ત્રીય રાગ ગાતા પાર્થિવને જોઈ શ્રોતાઓ નવાઈ પામતા અને પ્રોત્સાહન આપતા.
પાર્થિવના જીવનનો ટર્નિંગ પૉઇન્ટ આવ્યો જ્યારે ભાવનગરની Society for Promotion of Indian Classical Music & Culture Amongst Youth નામની સંસ્થાએ તેને સ્કૉલરશિપ આપી એક મહિના માટે ભોપાલમાં ડાગરબંધુઓ પાસે તાલીમ માટે મોકલ્યો.
એ પછી તો હરિપ્રસાદ ચૌરસિયા, વી. જી. જોગ, પંડિત જસરાજ, કિશોરી આમોનકર અને બીજી અનેક હસ્તીઓ સાથે સ્ટેજ પર તાનપુરા સાથે સંગત કરવાનો મોકો મળ્યો.
સૌથી મોટો રિયાઝ છે શ્રવણ કરવું. ઉચ્ચ કોટિના કલાકારો સાથેની સંગતથી પાર્થિવની ગાયકીને ધાર મળી અને ૧૯૯૮માં ‘સા રે ગા મા’માં નામ થયું. મારી સાથે વાત કરતાં પાર્થિવ કહે છે, ‘મેં કદી વિચાર્યું નહોતું કે મારું આટલું નામ થશે, પ્રસિદ્ધિ મળશે. મારે તો બસ સંગીતમય રહેવું છે. આ જન્મ નહીં, દરેક જન્મમાં સંગીત સિવાય બીજી કોઈ ચીજની મહેચ્છા નથી. ભાવનગરથી મુંબઈ આવ-જા કરતો હતો ત્યારે ખબર નહોતી કે એક દિવસ મુંબઈ મારી કર્મભૂમિ બની જશે. મુંબઈ શહેરે મને એટલો પ્રેમ આપ્યો છે કે હું આજીવન મુંબઈકરોનો ઋણી રહીશ. સંજય લીલા ભણસાલી સાથે મુલાકાત થઈ એ મોટી ઘટના હતી. તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું. ક્રીએશન કેમ કરવું, નવા પ્રયોગો કરવા, નવી રીતે રજૂઆત કરવી એવી અનેક બાબતોની જાણકારીએ મને સ્ટેજ શોમાં મદદ કરી છે. ‘દેવદાસ’માં બૅકગ્રાઉન્ડમાં આલાપ રેકૉર્ડ કરતાં મને એક સ્પિરિચ્યુઅલ સૅટિસ્ફૅક્શન મળ્યું. આજે પણ જ્યારે-જ્યારે પર્ફોર્મ કરતો હોઉં છું ત્યારે મને અલૌકિક અનુભૂતિ થાય છે. સંગીતે મારા જીવનને નવો આયામ આપ્યો છે. બહારથી વેશભૂષામાં હું ભલે મૉડર્ન દેખાઉં પણ મારો માંહ્યલો હજી ભાવનગરનો જ છે. શરૂઆતના પ્રતિકૂળ સંજોગોમાં સંગીતે જ મને ટેકો આપ્યો. સંગીતના કારણે મને દુનિયા જોવા મળી, ભાત-ભાતના લોકો સાથે સંપર્ક થયો. જે એક્સપોઝર મળ્યું એના કારણે મારો ગ્રોથ થયો છે એ અકલ્પનીય છે. સ્ટેજ મારી પહેલી પસંદ છે, કારણ કે શ્રોતાઓ સાથે તમે ડાઇરેક્ટ્લી કનેક્ટ થાઓ છો. ‘સંકેત’ એક એવું વૃક્ષ છે જેની ડાળી પરથી મેં આસમાનમાં ઉડાન ભરી છે. રજનીભાઈએ આ પ્લૅટફૉર્મ પરથી શ્રોતાઓનો એવો વર્ગ તૈયાર કર્યો છે જે કલાપારખુ અને કદરદાન છે. ‘સંકેત’માં આટલાં વર્ષોમાં આ મારો પાંચમો પર્ફોર્મન્સ છે એનો મને ખૂબ આનંદ છે.’
‘દેવદાસ’, ‘સાંવરિયા’, ‘સાહિબ બીબી ઔર ગૅન્ગસ્ટર’ ફિલ્મોમાં પ્લેબૅક આપનાર પાર્થિવ ગોહિલનું નામ દેશ-વિદેશમાં જાણીતું અને માનીતું છે. નવરાત્રિમાં તે ખેલૈયાનો ફેવરિટ છે. સંગીતકાર સલીમ-સુલેમાનની ભૂમિ યુટ્યુબ ચૅનલ પરથી દર મહિને નવા ટ્રૅક રિલીઝ થાય છે જેમાં શંકર મહાદેવન, સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ જેવા કલાકારોનાં ગીત પ્રસ્તુત થાય છે. ૨૦૨૫ની સીઝનમાં એક ટ્રૅક પાર્થિવ ગોહિલના નામે રિલીઝ થયો એ ગર્વની વાત છે. દર ગુરુપૂર્ણિમાએ કોઇમ્બતુરના સદ્ગુરુ આશ્રમમાં પાર્થિવ ગોહિલની ભક્તિસંગીતની ઉજવણી યાદગાર હોય છે.
ઉમાશંકર જોષી કહેતા ‘ગુજરાતી એટલે ઘરખોયાં.’ ભારતની ઇતર પ્રજાઓને પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે જેટલું સન્માન છે એટલું આપણને નથી એ કડવી હકીકતનો સ્વીકાર કરવો જ રહ્યો. અંગ્રેજી માધ્યમનો આંધળો મોહ એટલી હદ સુધી વધી ગયો છે. મા-બાપને પોતાના સંતાનને ગુજરાતી લખતાં-વાંચતાં નથી આવડતું એ વાતનો જરા પણ અફસોસ નથી.
અપવાદરૂપે એવા પરિવાર છે જે પોતાનાં સંતાનોને માતૃભાષાના ગૌરવનો અહેસાસ કરાવે છે. કેતન અને અમિતા શ્રીમાંકરની પુત્રી જાહ્નવી શ્રીમાંકર એ વાતની પ્રતીતિ કરાવે છે કે હોઠ ભલે અંગ્રેજી હોય, પણ વાણી ગુજરાતી છે. સોફિયા કૉલેજમાંથી માસ કમ્યુનિકેશન કરનાર જાહ્નવી શ્રીમાંકર ગુજરાતી હોવાનો ગર્વ કરે છે.
માતા-પિતા અને દાદીને સંગીતનો શોખ એટલે જાહ્નવી સ્કૂલમાં હતી ત્યારથી જ ઘાટકોપરમાં કાનજીભાઈ પટેલ પાસે ગુજરાતી સુગમ સંગીત શીખતી. બર્નાર્ડ શૉ કહેતા કે સંગીત એ જાણવા કરતાં વધુ માણવાની ચીજ છે. સંગીત માણતાં જાહ્નવીમાં એની જાણકારીની ઉત્સુકતા જાગી. એટલે કૌમુદીબહેન મુનશી અને પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે તાલીમ લેવાનું શરૂ કર્યું. પરિણામ સ્વરૂપે ગુજરાતી સુગમ સંગીતને એક નોખો-અનોખો અવાજ મળ્યો.
કેતન શ્રીમાંકર અને અમિતા અમારાં ફૅમિલી-ફ્રેન્ડ. મારા ઘરે સંગીતની મહેફિલો થાય એમાં પાર્થિવના પિતા ભરતભાઈએ જાહ્નવીના સ્વરમાં ગીતો સાંભળ્યાં. એ પછી પાર્થિવ અને જાહ્નવીની જોડીએ અનેક સ્ટેજ-શોમાં ધૂમ મચાવી અને આજે આ બે કલાકારો પોતાની અપ્રતિમ ગાયકી, ખાસ કરીને શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતોની રજૂઆત કરીને ધૂમ મચાવી રહ્યાં છે.
જાહ્નવી કહે છે, ‘ગુજરાતી છું અને ગુજરાતી સુગમ સંગીત, ભક્તિસંગીત સાથે ઠૂમરી અને ખયાલ ગાઉં છું એનો ગર્વ છે. મારે દરેક પ્રકારનાં ગીતો ગાવાં છે. હિન્દી, અંગ્રેજી, જૅઝ, વેસ્ટર્ન ક્લાસિકલ બધી ચીજો એક્સપ્લોર કરવી છે. સંગીતમાં અઢળક શક્યતાઓ છે. નવાં શિખરો સર કરવામાં મને મારી શાસ્ત્રીય સંગીતની તાલીમ ખૂબ કામમાં આવે છે. આપણી સંસ્કૃતિ અને સભ્યતાનો જે અઢળક વારસો છે એની તલાશ હું સંગીતના માધ્યમ દ્વારા કરવાની કોશિશ કરું છું. પ્રસિદ્ધિથી હું અંજાઈ નથી જતી. મારાં રૂટ્સને હું ભૂલી નથી. મારા માટે હજી તો આ શરૂઆત છે. હું ખુશનસીબ છું કે મને સંગીત સાથે જોડાવાનો મોકો મળ્યો. નાનપણથી રજની અંકલે મને સતત પ્રોત્સાહન આપ્યું એ મારાં ખુશનસીબ. એક સમય હતો જ્યારે હું સ્ટેજ પર સભાન થઈ જતી હતી. તેમણે મારી નર્વસનેસ દૂર કરવામાં મદદ કરી. ‘સંકેત’ મારું ઘર છે અને પોતાના જ ઘરમાં પોતાના સ્વજનો સામે પર્ફોર્મ કરવાનો આનંદ અનેરો હોય છે.’
જાહ્નવી શ્રીમાંકરનું પ્રથમ રેકૉર્ડ થયેલું ગીત હતું ફિલ્મ ‘તેરે સંગ’નું. સચિન-જિગરના સંગીતમાં રૅકોર્ડ થયેલા ગીતના શબ્દો હતા ‘લેજા લેજા તેરે સંગ.’ ૨૦૨૩માં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના ‘ઢોલીડા ઢોલીડા’ માટે જાહ્નવીને ફિલ્મફેરનો આર. ડી. બર્મન અવૉર્ડ ફૉર અપકમિંગ મ્યુઝિક ટૅલન્ટ મળ્યો હતો.
પાર્થિવ ગોહિલ અને જાહ્નવી શ્રીમાંકર એક વિશ્વાસ જગાડે છે કે ફિલ્મ-સંગીતની આવતીકાલ ઊજળી છે. બન્ને કલાકારો નામ અને દામ કમાયા છતાં તેમના પગ હજી ધરતી પર છે. ગુજરાતી હોવાનું ગૌરવ છે અને સંબંધોની રખાવટ કરવાનું કદી ભૂલતાં નથી. તેમની ગાયકીમાં શાસ્ત્રીય સંગીત માટેની લગન અને અગન સતત છલકાયા કરે છે.
એક કિસ્સો યાદ આવે છે. વર્ષો પહેલાં કુમાર ગાંધર્વનો શો યોજાયો હતો. અનરાધાર વરસાદને કારણે સભાગૃહમાં કેવળ ૪૦-૫૦ શ્રોતા હતા. એમાંનો હું એક હતો. એ દિવસે શ્રોતાગણ અભિભૂત થઈ ગયા, કારણ કે કલાકાર મન મૂકીને વરસ્યા. મધ્યાંતરમાં વિખ્યાત કવિ મંગેશ પાડગાવકરે કુમાર ગાંધર્વને કહ્યું, ‘સર, આજે તમે કમાલ કરી નાખી. અમને એમ કે સામે શ્રોતાગણ નહીં હોય એટલે તમને ગાવામાં મજા નહીં આવે.’
જવાબ મળ્યો, ‘મૈં સામને દેખકર નહીં, અંદર ઝાંકકર ગાતા હૂં.’
સ્ટેજ પર આંખ મીંચીને પર્ફોર્મ કરતાં પાર્થિવ ગોહિલ અને જાહ્નવી શ્રીમાંકરને સાંભળતાં એમ કહેવાનું મન થાય કે ફિલ્મોનાં રાગ આધારિત ગીતોની નજાકત આ બન્નેના સ્વરમાં સલામત છે.
આજે રાતે ઘાટકોપરના ઝવેરબેન ઑડિટોરિયમમાં ‘સંકેત’ના ઉપક્રમે રાગ આધારિત ફિલ્મી ગીતોના કાર્યક્રમ ‘રે મન સૂર મેં ગા’નું આયોજન કરવામાં આવ્યું છે. કલાકારો છે પાર્થિવ ગોહિલ અને જાહ્નવી શ્રીમાંકર. સંસ્થાના સભ્યપદ અને નિમંત્રણપત્રિકા માટે 98206 96962 નંબર પર કેતન મહેતાનો સંપર્ક કરવો.

