અંતિમયાત્રામાં સ્વયંભૂ રીતે ઊમટી પડેલી ફૅન્સની ભીડને વિશ્વની ચોથી સૌથી મોટી જાહેર ભીડ તરીકે લિમકા બુક ઑફ રેકૉર્ડ્સમાં નોંધવામાં આવી
ગઈ કાલે ઝુબીન ગર્ગને તેની બહેને અગ્નિદાહ આપ્યો હતો. પત્ની ગરિમા સાઇકિયા ગર્ગ પતિને વિદાય આપતી વખતે ભાંગી પડી હતી. ઝુબીનના ડૉગ્સે કર્યાં અંતિમ દર્શન .
આસામના પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગ પંચતત્ત્વમાં વિલીન થઈ ગયા. ગઈ કાલે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર આસામના કમરકુચી ગામમાં કરવામાં આવ્યા હતા. ઝુબીન ગર્ગની અંતિમયાત્રા ગુવાહાટીના અર્જુન ભોગેશ્વર બરુઆ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સથી શરૂ થઈ હતી. અંતિમ યાત્રા દરમ્યાન ઝુબીન ગર્ગનાં લોકપ્રિય ગીતો પણ વગાડવામાં આવ્યાં હતાં. ઝુબીન ગર્ગને અંતિમ વિદાય આપવા માટે કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા પણ સ્મશાનગૃહ પહોંચ્યા હતા. ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં સ્વિમિંગ દરમ્યાન ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.
ઝુબીન ગર્ગનું પાર્થિવ શરીર આસામના પરંપરાગત વસ્ત્ર ગમોસાથી આવરીને કાચના તાબૂતમાં મૂકવામાં આવ્યું હતું. ઝુબીન ગર્ગની અંતિમયાત્રામાં લાખો લોકોની ભીડ ઊમટી પડી હતી એને કારણે ગુવાહાટીમાં ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. આ ભાવુક ક્ષણને વિશ્વની ચોથી સૌથી મોટી જાહેર ભીડ તરીકે લિમકા બુક ઑફ રેકૉર્ડ્સમાં નોંધવામાં આવી છે. આ રેકૉર્ડમાં માઇકલ જૅક્સન, પોપ ફ્રાન્સિસ અને રાણી એલિઝાબેથ-2 જેવી વિશ્વવિખ્યાત વ્યક્તિઓની અંતિમ વિદાયની ભીડનો સમાવેશ છે. ઝુબીન ગર્ગનાં અંતિમ દર્શન માટે રવિવારે રાતથી જ લોકો લાઇનમાં હતા અને સોમવારે પણ હજારો લોકો સ્ટેડિયમ પહોંચ્યા હતા.


