આ વિષય પર વાત કરીએ જેઓ ગુજરાતી થઈને મરાઠીમાં અને મરાઠી થઈને ગુજરાતીમાં પુસ્કળ કામ કરીને એકમેકના થઈ ગયા છે
એક્ટર્સ
મહારાષ્ટ્રમાં, મુંબઈમાં મરાઠી ભાષા ન જાણતા લોકો અવારનવાર રાજકીય પાર્ટીઓની અડફેટે ચડી જાય છે. આજકાલ તો આ મુદ્દે માહોલમાં ઘણી તંગદિલી છે ત્યારે આપણે મનોરંજન જગતના એવા કસબીઓ સાથે આ વિષય પર વાત કરીએ જેઓ ગુજરાતી થઈને મરાઠીમાં અને મરાઠી થઈને ગુજરાતીમાં પુસ્કળ કામ કરીને એકમેકના થઈ ગયા છે
મૂંગો બનાવ મુજને પ્રભુ- મનોજ જોષી (ઍક્ટર-પ્રોડ્યુસર)
ADVERTISEMENT
જે દેશમાં લોકશાહી છે, જે દેશમાં પ્રાંત એટલી ભાષા છે એ દેશમાં તમે કેવી રીતે અપેક્ષા રાખી શકો કે માણસ જે-તે પ્રાંતની ભાષા બોલે અને એ પણ મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં. આજે પણ મહારાષ્ટ્ર અને ગુજરાત એક સિક્કાની બે બાજુ છે અને મરાઠીઓ-ગુજરાતીઓ કરન્સી નોટની આગળ-પાછળની સાઇડ છે. ગુજરાતમાં તો આવી ઘટના ક્યારેય નથી બની. શું કામ? એટલા માટે કે ગુજરાતીઓને ભાષા સાથે નહીં, કામ સાથે નિસબત છે. ગુજરાતીઓ આગ્રહ રાખતા નથી અને દુરાગ્રહ સેવતા નથી. જોકે હમણાં મુંબઈમાં જે થયું એ વાત પુરવાર કરે છે કે આપણે ત્યાં હવે દુરાગ્રહ રાખવાનું શરૂ થયું છે.
મરાઠીઓ પણ આવો આગ્રહ નથી રાખતા. મારે એક વાત પૂછવી છે. મરાઠીઓને કામ પર રાખતી વખતે કોઈ ગુજરાતી એવું પૂછે છે ખરો કે તને ગુજરાતી આવડે છે? ના અને શરમની વાત એ છે કે જે ઘટના ઘટી એમાં કામ પર રાખવાની પણ વાત નહોતી. બસ, માત્ર જીદ હતી કે મરાઠી બોલીને દેખાડ. અરે, આપણા દેશના અનેક સર્વોચ્ચ નેતાઓ એવા છે જેમને પોતાની માતૃભાષા અને રાષ્ટ્રીય ભાષા સિવાયની ત્રીજી કોઈ ભાષા આવડતી નથી અને એ પછી પણ તેઓ સર્વોચ્ચ પદ પર છે.
ભાષા આવડે એ સારી વાત છે, ભાષા સારી રીતે સમજી શકો એ બહુ સારી વાત છે; પણ એ ન આવડે તો તમને અહીં રહેવાનો હક નથી એવું માનવું કે એવું કહેવું એ તાનાશાહીથી આગળ કંઈ નથી. આવી તાનાશાહી કોઈ કાળે ન ચાલી શકે અને ક્યારેય ન ચાલી શકે. જેમને ઇતિહાસ જાણવામાં રસ હશે તેમને ખબર હશે કે સિત્તેરના દશકમાં શ્રીલંકામાં જે સિવિલ વૉર શરૂ થઈ હતી એના મૂળમાં ભાષા હતી. શ્રીલંકામાં સિંહાલીઓની મૅજોરિટી અને તામિલ માઇનોરિટીમાં. તામિલ લોકો સિંહાલી બોલી શકતા નહીં અને એમાંથી એવો ગજગ્રાહ શરૂ થયો કે શ્રીલંકાનાં ત્રીસેક વર્ષ સિવિલ વૉરમાં ગયાં.
તમે ગુજરાત જુઓ. ગુજરાતના સુરત અને વડોદરામાં મરાઠીઓનું પૉપ્યુલેશન ખાસ્સું મોટું છે, પણ ત્યાં ક્યારેય આ પ્રકારનો ભાષાકીય પ્રશ્ન ઊભો નથી થયો. હું મરાઠી ફિલ્મો અને નાટકો કરું છું, પણ મને ક્યારેય એવું નથી લાગ્યું કે મારે મરાઠીમાં કામ ન કરવું જોઈએ. કારણ બહુ સિમ્પલ છે. ગુજરાતી મારી મા છે તો દેશની અન્ય તમામ ભાષા મારે મન મારી માસી છે. એ મને આવડે કે ન આવડે, એનાથી મારો એના માટેનો આદર કે પછી એનો મારા માટેનો પ્રેમ ક્યાંય ઘટતો નથી. હમણાં જે ઘટના ઘટી એ વિશે સાંભળીને મને પહેલો વિચાર એ જ આવ્યો હતો : મૂંગો બનાવ મુજને પ્રભુ. મરાઠી નહીં આવડવાને લીધે જેણે જાહેરમાં અપમાન સહન કર્યું તેને પણ મનમાં આવો જ વિચાર આવ્યો હશેને?
સમય આવી ગયો છે નવું પ્રતિજ્ઞાપત્ર બનાવવાનો- વિપુલ મહેતા (ડિરેક્ટર-રાઇટર)
ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારાં ભાઈ-બહેન છે. આવું આપણે નાનપણમાં પાઠ્યપુસ્તકમાં ભણ્યા, પણ મને લાગે છે કે હવે આપણે આ જે પ્રતિજ્ઞાપત્ર છે એને ચેન્જ કરવું જોઈએ અને દેશમાં જેટલા પણ પ્રદેશ છે એ દરેકનું પોતાનું પ્રતિજ્ઞાપત્ર જાહેર કરવું જોઈએ. જેમ કે મહારાષ્ટ્ર મારો પ્રદેશ છે, મહારાષ્ટ્રમાં રહેતા લોકો મારાં ભાઈ-બહેન છે. અત્યારે મરાઠી ભાષા બાબતે જે વિવાદ ચાલ્યો છે એ સાંભળીને મને ખબર નથી પડતી કે હસવું જોઈએ કે આંસુઓ સાથે રડવું જોઈએ. મુંબઈ એક કૉસ્મોપૉલિટિન સિટી છે. અહીં અનેક પ્રદેશોમાંથી રોજીરોટી કમાવાના આશયથી લોકો આવે છે અને પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે. આવા સમયમાં તમે કેવી રીતે એવો આગ્રહ રાખી શકો કે જે અહીં રહેતું હોય તેને મરાઠી આવડવું જ જોઈએ. ભાષા રોજબરોજનો વ્યવહાર સાચવવાની રીત છે. એ પોતાનો વ્યવહાર નિભાવી શકે છે, નિભાવે છે તો પછી તમે કોણ છો એને રોકનારા, અટકાવનારા?
અત્યારે આપણે ત્યાં જે બન્યું એ ઘટના પછી મને મારી સાથે બનેલી એક ઘટના યાદ આવી ગઈ. વર્ષો પહેલાંની વાત છે. હું ચેન્નઈ ગયો હતો. ત્યાં તમે કોઈની પણ સાથે હિન્દીમાં વાત કરો, પણ તે તમને જવાબ જ ન આપે. નીંભર બનીને સામે ઊભો રહે. તેને હિન્દી સમજાતી હોય તો પણ તે તમને જવાબ ન આપે. તમે માનશો નહીં, મને ખરેખર એ બહુ હાસ્યાસ્પદ લાગ્યું હતું; પણ આજે જ્યારે પાછળ ફરીને જોઉં છું તો મને સમજાય છે કે એ ઘટનાને કારણે હું ચેન્નઈ માટે પ્રેમ નથી ધરાવતો. જે માન મને મારા મુંબઈ માટે છે, જે માન મને મારા ગુજરાત માટે છે એ માન મને ચેન્નઈ માટે નથી. હા, દિલ્હી માટે પણ મને માન છે અને પંજાબ માટે પણ મને માન છે. ભાષા પ્રત્યે પ્રેમ હોય એ બહુ સારી વાત છે, હોવો જ જોઈએ અને એના માટે કોઈનું પણ સન્માન થવું જોઈએ; પણ આ જે પ્રેમ છે એ ત્યાં જ સીમિત કે માનવાચક ગણાય જ્યાં સુધી તમે તમારી ભાષાને પ્રેમ કરો છો. તમારી ભાષાને પ્રેમ કરતાં-કરતાં તમે અન્ય ભાષાને નફરત કરતા થઈ જાઓ કે પછી એ મુજબનું વર્તન દેખાડતા થઈ જાઓ તો એ બહુ ખરાબ કહેવાય.
મેં મરાઠીમાં પુષ્કળ કામ કર્યું. હજી હમણાં જ મેં નાના પાટેકર સાથે મરાઠી ફિલ્મ પણ કરી અને મારી બીજી મરાઠી ફિલ્મનું કામ ઑલરેડી ચાલી રહ્યું છે. અનેક મરાઠી નાટકોનું મેં ગુજરાતીમાં રૂપાંતર કર્યું અને અનેક નાટકો મરાઠીમાં રૂપાંતર પણ કર્યાં. અરે, મેં તો વારલી ભાષામાં (મહારાષ્ટ્રની ટ્રાઇબલ લૅન્ગ્વેજ) પણ નાટક કર્યું છે. અનેક મરાઠી યંગસ્ટર્સને હું ગુજરાતી રંગભૂમિ પર લાવ્યો. એમાંથી કેટલાકને તો મેં બ્રેક આપ્યો હતો જેઓ આજે મરાઠી રંગભૂમિમાં ટોચ પર છે. મને તો ક્યારેય એવું લાગ્યું નહીં કે મારે શું કામ મરાઠીમાં કામ કરવું જોઈએ કે પછી મરાઠી કલાકારોને બ્રેક આપવો જોઈએ?
ના, ક્યારેય થયું નહીં, કારણ કે ભાષા પોતાની સાથે કલ્ચર લઈને આવે છે અને આપણો દેશ કલ્ચરનો, સંસ્કૃતિનો દેશ છે. તમે તમારા કલ્ચરને, તમારી સંસ્કૃતિને સાચવો; પણ બીજાની સંસ્કૃતિને માન-સન્માન આપીને, નહીં કે એને કચડીને.
અભિવ્યક્તિ અલગ, બાકી છે તો મા સરસ્વતી - સરિતા જોષી (ખ્યાતનામ ઍક્ટ્રેસ)
આપણે ભાષાને, શબ્દોને મા સરસ્વતી કહીએ છીએ. પછી એ ગુજરાતી, મરાઠી હોય કે તામિલ હોય. જગતની તમામ ભાષા આપણે મન મા સરસ્વતી જ છે. હું હંમેશાં કહું છું કે મરાઠી મારી માતૃભાષા પણ ગુજરાતી મારી કર્મભાષા છે. ગુજરાતી ભાષાએ મને માન આપ્યું, પ્રેમ આપ્યો. જરૂર હતી ત્યારે આજીવિકા આપી અને સાથોસાથ મને એવા ગુજરાતી સાહિત્ય સાથે ઓળખ પણ કરાવી જેણે મારું જીવન બદલ્યું તો મરાઠીએ મને સપનાં જોવાની ક્ષમતા આપી. હું આજે પણ મરાઠીમાં જ વિચારું અને પછી ગુજરાતીમાં એનો અમલ કરું. આ ભાષાનો જે વિવાદ શરૂ થયો છે એ ખરેખર તો મને બહુ છીછરો કહેવાય એવો લાગે છે. આવું કરીને આપણે શું સાબિત કરવા માગીએ છીએ? એ જ કે અમે જુદા અને તમે પણ જુદા. આપણે એક છીએ. બસ, આપણે એકબીજાની સાથે વાત કરવા માટે અલગ-અલગ ભાષાનો પ્રયોગ કરીએ છીએ. એનાથી વિશેષ કંઈ નથી.
ભાષામાં રાજકારણ ઉમેરીને આપણે આપણી અસ્મિતાનું અપમાન કરીએ છીએ એવું મને લાગે છે. ક. મા. મુનશી ગુજરાતીઓના છે જ નહીં, તેઓ દેશની સંપદા છે. એવી જ રીતે પુ. લ. દેશપાંડે કે વિજય તેન્ડુલકર મરાઠીઓની જાગીર છે જ નહીં, તેઓ રાષ્ટ્રીય સંપત્તિ છે. જો આ વાત આ મહાનુભાવોમાં લાગુ પડતી હોય તો પછી હું મરાઠી બોલું કે તમે ગુજરાતી બોલો એનાથી શું ફરક પડવો જોઈએ અને એ પણ ત્રાહિતને?
ઉદ્ધવ ઠાકરે માટે મને કંઈ ખાસ માન નથી એવું હું જાહેરમાં કહેવા તૈયાર છું, પણ રાજ ઠાકરે માટે મને માન ખરું. મને તેની સ્પીચ પણ ગમે. એમાં આપણે કહીએને, તમને ઝણઝણાવી નાખે એવી તાકાત હોય છે. જોકે ખબર નહીં અત્યારે તેની શું મતિ ફરી છે કે આવું પગલું લીધું અને ભાષાના રાજકારણમાં તે ઊતર્યા. હું નથી માનતી કે ભાષાના આ રાજકારણમાં કોઈ મુંબઈકરને રસ પડ્યો હશે. જો કામ જ કરવું હતું તો આ જે ફુટપાથ રોકીને બેસી ગયા છે એ લોકોને હટાવવાનું કામ કરોને? જો કામ જ કરવું હતું તો આ જે ગંદકી થાય છે એ રોકવાનું, એના માટે જાગૃતિ લાવવાનું કામ કરોને?
ભાષા સાથે તમારે શું નિસબત? હું કંઈ પણ બોલું એનાથી તમારે શું લેવાદેવા? હા, હું જે કંઈ બોલું એનાથી બીજાનું અપમાન ન થતું હોય એ જોવાનું, બીજાની ગરિમા અકબંધ રહે એ જોવાનું; પણ જો હું એ વાતનું ધ્યાન રાખું તો પછી તમે તમારાં બીજાં કામો પર લાગી જાઓ. સો વાતની એક વાત, પરાણે મરાઠી બોલવાનો આગ્રહ કરાવીને તમે તમારું તો અપમાન કરો જ છો, સાથોસાથ મા સરસ્વતીનું પણ અપમાન કરો છો. તમારું માન-સન્માન તમારી ઇચ્છાની વાત છે, પણ મારી મા સરસ્વતીનું અપમાન ન કરો એવી તો હું ચોક્કસ વિનંતી કરીશ.
એક જ વાત મહત્ત્વની, ભારતીય હોવું- જયેશ મોરે (ઍક્ટર)
તમારી વાત, તમારા વિચારો વ્યક્ત કરવાનું જો કોઈ માધ્યમ હોય તો એ ભાષા છે. હું તમને કંઈક કહેવા માગું અને તમે મારી વાત સમજી જાઓ તો પછી ભાષા ગૌણ બની જાય અને ધારો કે હું જે કહેવા માગું છું એ વાત તમને નથી સમજાતી તો બન્નેની ભાષા એક જ હોય તો પણ એનો અર્થ નથી સરતો.
હું મૂળ સુરતનો. ત્યાં જ મોટો થયો. મારા ઘરમાં મહદંશે ગુજરાતી જ બોલાય, પણ મારી વાઇફ રત્નાગિરિની. તે મારી સામે મરાઠીમાં બોલે અને હું તેને હિન્દીમાં જવાબ આપું, કારણ કે મરાઠી સાથે મારી તાલમેલ ઓછી છે. જોકે તે મરાઠી બોલે અને હું હિન્દી બોલું એનાથી અમારા બન્નેની લાગણીના સંબંધોમાં કોઈ ફરક નથી પડતો. તેના મરાઠીમાં કહેવાયેલા શબ્દોની આત્મીયતા મને પહોંચે જ છે અને હું તેને હિન્દીમાં જવાબ આપું તો એમાં રહેલી મારી ભાવના તેને સ્પર્શે જ છે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે તમારી વાત, તમારી લાગણી અને તમારી ફીલિંગ્સ પહોંચાડવાનું કામ ભાષા કરે છે. એના માટે બીજો કોઈ આગ્રહ રાખવો જરૂરી નથી. જન્મે હું મરાઠી છું, પણ કર્મે હું ગુજરાતી છું. મરાઠીમાં સારા કામની ઑફર આવે તો હું એ કરવા પણ તૈયાર છું અને કામ કરીશ પણ ખરો, પણ મને મરાઠી આવડતી હોય તો જ કામ આપવામાં આવે એ વાત સાથે હું સહમત નથી.
ભાષામાં રાજકારણ ન હોવું જોઈએ, કારણ કે ભાષાને સાચવવાનું કામ પૉલિટિશ્યનોએ નથી કર્યું, એ કામ આપણા સાક્ષરોએ કર્યું છે અને સાક્ષરો પોતે ક્યારેય એવું ઇચ્છતા નહોતા કે ભાષાકીય વિખવાદ થાય. બહુ સરસ સાહિત્ય હોય તો એ મરાઠીમાં પણ ટ્રાન્સલેટ થતું અને મરાઠી સાહિત્યનું પણ એવું જ હતું. એનાથી વાચકોને કોઈ ફરક નથી પડતો તો પછી રાજકારણીઓને શું ફરક પડવો જોઈએ? ભાષા એક માધ્યમ છે. રાજ ચલાવવા માટે ભાષાને માધ્યમ બનાવવાની ભૂલ ન કરવી જોઈએ.


