૨૦૨૦ની ૩૦ એપ્રિલે રિશી કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા.
રણબીર કપૂર
પિતા રિશી કપૂરના અવસાનને ત્રણ વર્ષ થવા નિમિત્તે રણબીર કપૂરે તેમની સાથે જોડાયેલી બાબતોને યાદ કરી છે. રિશી કપૂરને જ્યારે કૅન્સર થયું અને એની ટ્રીટમેન્ટ તેઓ ન્યુ યૉર્કમાં લેતા હતા એ વખતે રણબીર ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 શિવા’નું શૂટિંગ કરી રહ્યો હતો. એથી જ્યારે પણ તે એ ફિલ્મ જુએ છે તો તેને એના શૂટિંગ દરમ્યાન પિતા સાથે થયેલી બધી ઘટનાઓ યાદ આવે છે. ૨૦૨૦ની ૩૦ એપ્રિલે રિશી કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચારે તેમના ફૅન્સને મોટો આંચકો આપ્યો હતો. સૌકોઈ તેમને અંતિમ વિદાય આપવા પહોંચી ગયા હતા. ડૅડી રિશી કપૂરને યાદ કરતાં રણબીર કપૂરે કહ્યું કે ‘વ્યક્તિના જીવનમાં સૌથી મોટી ઘટના ત્યારે ઘટે છે જ્યારે તેના પેરન્ટનું અવસાન થાય છે. એ પણ ત્યારે જ્યારે તમે ૪૦ની ઉંમરમાં પહોંચવાના હો. આ ઉંમરે આવું થાય છે અને એને કારણે પરિવાર એકબીજાની વધુ નજીક આવે છે. એનાથી તમે લાઇફને સમજો છો. તમારા પ્રિયજનોની તમને કદર થાય છે, પ્રાથમિકતા વધી જાય છે, શું જરૂરી છે અને શું જરૂરી નથી એ સમજાય છે.’
‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 શિવા’ને જોઈને પિતાની યાદ વધુ આવી જાય છે એ વિશે રણબીર કપૂરે કહ્યું કે ‘હું આજે જ્યારે પણ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 શિવા’ જોઉં છું તો એની સાથે ઘણીબધી યાદો જોડાયેલી છે. એવા કેટલાક સીન્સ પણ છે જેને જોઈને મને એ ક્ષણ યાદ આવી જાય છે. ઉદાહરણ તરીકે એ વખતે તેમને કેમોથેરપી આપવામાં આવતી હતી અથવા તો એ વખતે તેઓ વેન્ટિલેટર પર હતા. એથી એની સાથે ઘણા ઉતાર-ચડાવ સંકળાયેલા છે, પરંતુ આ જ તો જીવન છે.’
ADVERTISEMENT
જૅકી શ્રોફ માટે પણ રિશી કપૂર ફેવરિટ હતા. તેમની સાથે કામ કરવાની તેની ઇચ્છા અધૂરી રહી ગઈ છે. એ વિશે જૅકી શ્રોફે કહ્યું કે ‘તેમનો ચાર્મ, ચમકતી આંખો અને સુંદર સ્માઇલ બધું મોહક હતું. એક સમય હતો જ્યારે હું મારા ફ્રેન્ડ્સ સાથે નેપિયન સી રોડ પર ફરી રહ્યો હતો. ત્યાં મારી તેમની સાથે મુલાકાત થઈ હતી. તેઓ મારા ફેવરિટ હતા. તેઓ રોમૅન્સ, કૉમેડી અને ઇમોશનમાં અવર્ણનીય હતા. તેઓ અદ્ભુત ઍક્ટર હતા. તેઓ મને હંમેશાં કહેતા કે જૅકી, આપણે એક દિવસ જરૂર સાથે ફિલ્મ કરીશું. હું હંમેશાં એની રાહ જોતો રહ્યો.’
‘102 નૉટ આઉટ’માં રિશી કપૂરે કામ કર્યું હતું. રિશી કપૂર વિશે એના ડિરેક્ટર ઉમેશ શુક્લએ કહ્યું કે ‘ચિન્ટુજી હાજરજવાબી ઍક્ટર હતા. તેઓ રિહર્સલ કે પછી વર્કશૉપ્સમાં માનતા નહોતા. તેમનું માનવું હતું કે જ્યારે સ્ક્રિપ્ટ આવે ત્યારે જ ઍક્ટરે એને સારી રીતે વાંચી લેવી જોઈએ.’


