વિકી કૌશલના પિતા શામ કૌશલે તેમના કૅન્સર સામે લડવાના અનુભવો જણાવ્યા
વિકી કૌશલ અને પિતા શામ કૌશલ
વિકી કૌશલના પિતા શામ કૌશલ બૉલીવુડમાં ઍક્શન-ડિરેક્ટર અને સ્ટન્ટમૅન તરીકે જાણીતા છે. હાલમાં તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમને જ્યારે પેટનું કૅન્સર થયું હતું ત્યારે એક તબક્કે તેમને ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરવાના વિચારો આવતા હતા.
શામ કૌશલે કૅન્સર સામે લડવાના પોતાના અનુભવો વિશે જણાવતાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મને ‘લક્ષ્ય’ ફિલ્મના શૂટિંગ દરમ્યાન પેટમાં ભયાનક દુખાવો શરૂ થયો. મુંબઈ પાછા ફર્યા પછી મારી સ્થિતિ વધુ ખરાબ થઈ અને બાયોપ્સીમાં ખુલાસો થયો કે મારા પેટમાં કૅન્સર છે. બધા મારા માટે ચિંતિત હતા. મારા રિપોર્ટ આવ્યા બાદ ડૉક્ટરોએ કહ્યું કે હવે હું બચવાનો નથી. ડૉક્ટરોના આ શબ્દોથી હું હિંમત હારી ગયો. એક વર્ષ સુધી મારી સારવાર ચાલી. એ સમયે એક તબક્કે મેં ત્રીજા માળેથી કૂદીને જીવ આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ પેટની સર્જરીને કારણે પથારીમાંથી ઊઠી શક્યો નહીં. મેં ઉપરવાળાને કહ્યું કે જો મને મારવો હોય તો હવે મારી દો, મને કોઈ ફરિયાદ નથી; પરંતુ જો શક્ય હોય તો મને માત્ર ૧૦ વર્ષની જિંદગી આપો, કારણ કે મારાં બાળકો હજી ખૂબ નાનાં છે.’


