મેટ્રોની કામગીરીને કારણે થયેલા ભારે ટ્રાફિકમાં ફસાઈ ગયેલી રૂપાલી ગાંગુલીએ સોશ્યલ મીડિયામાં આક્રોશ વ્યક્ત કર્યો
રૂપાલી ગાંગુલી
રૂપાલી ગાંગુલી હાલમાં ગોરેગામમાં ફિલ્મસિટીની બહાર મેટ્રો કામગીરીને કારણે થયેલા ભારે ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. રૂપાલીએ તેને થયેલા આ કડવા અનુભવ બદલ નારાજગી વ્યક્ત કરી છે અને સોશ્યલ મીડિયામાં મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ મેટ્રોના અધિકારીઓની આકરી ટીકા કરી છે.
ટ્રાફિકમાં ઑટો-રિક્ષામાં બેઠેલી રૂપાલીએ ટ્રાફિકમાં ફસાયેલાં વાહનોનો વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે અને પોતાની મુશ્કેલી વર્ણવી છે. તેણે ટ્રાફિક જૅમ માટે જવાબદાર એવા મેટ્રો કામગીરી માટે લાવવામાં આવેલાં મોટાં કન્ટેનર અને ટ્રક્સ પણ બતાવ્યાં.
ADVERTISEMENT
રૂપાલીએ જે વિડિયો પોસ્ટ કર્યો છે એની કૅપ્શન લખી છે કે ‘ફિલ્મસિટીમાં ૫૦ મિનિટથી વધુ સમયથી જૅમ છે. હું ફિલ્મસિટીની બહાર રાહ જોઈ રહી છું. અહીં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે એ પણ આના માટે જવાબદાર છે. તેમણે કન્ટેનરો સવારે ૩ કે ૪ વાગ્યે લાવવાં જોઈએ, નહીં કે જ્યારે બધા કામ પર જઈ રહ્યા હોય ત્યારે. ૧૪ કિલોમીટરના અંતર માટે રાતે ઘરે પહોંચવામાં બે કલાક લાગે છે અને સવારે સામાન્ય રીતે એક કલાક, પરંતુ BMCના અવ્યવસ્થિત કામને કારણે સેટ પર પહોંચવામાં અઢી કલાક લાગ્યા. મુંબઈકરોને નજરઅંદાજ ન કરો BMC.


