સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓના સંદર્ભમાં સુધારિત આદેશ આપ્યો એ પછી રવીના ટંડને આવું કહ્યું, જૉન એબ્રાહમ અને રૂપાલી ગાંગુલી પણ રાજી
રવીના ટંડન, જૉન એબ્રાહમ, રૂપાલી ગાંગુલી
રખડતા કૂતરાઓ સંદર્ભે સુપ્રીમ કોર્ટે ૧૧ ઑગસ્ટના પોતાના ચુકાદામાં સુધારો કરીને નવો આદેશ જાહેર કર્યો છે. અગાઉના આદેશમાં નક્કી થયેલું હતું કે બધા જ રખડતા કૂતરાને પકડીને ડૉગ-શેલ્ટરમાં રાખવામાં આવે. હવે સુપ્રીમ કોર્ટના સુધારેલા આદેશ મુજબ રખડતા કૂતરાઓને પકડીને તેમની નસબંધી અને રસીકરણ કરવામાં આવશે અને પછી તેમને એ જ વિસ્તારમાં પાછા છોડી દેવામાં આવશે જ્યાંથી તેઓ પકડાયા હતા. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આક્રમક વર્તન ધરાવતા અથવા રેબીઝથી સંક્રમિત કૂતરાને પકડ્યા બાદ શેલ્ટરમાં જ રાખવામાં આવશે. કોર્ટના આ નિર્ણય પર રવીના ટંડન, જૉન એબ્રાહમ, રૂપાલી ગાંગુલી અને વીર દાસ જેવા ડૉગલવર્સ બૉલીવુડ સ્ટાર્સે ખુશી વ્યક્ત કરી છે. મનોરંજન ઉદ્યોગના ઘણા સ્ટાર્સે પણ સુપ્રીમ કોર્ટના સુધારેલા આદેશનું સ્વાગત કર્યું છે.
ડોગેશભાઈ, તમે આગળ વધો
ADVERTISEMENT
રવીના ટંડને કોર્ટના આ નિર્ણય બદલ આનંદ વ્યક્ત કરતી તેની પોસ્ટમાં લખ્યું, ‘ડોગેશભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈં.’ બીજી એક પોસ્ટમાં તેણે લખ્યું, ‘સુપ્રીમ કોર્ટે ૧૧ ઑગસ્ટના પોતાના આદેશ પર રોક લગાવી દીધી છે અને નિર્દેશ આપ્યો છે કે પકડાયેલા બધા કૂતરાને રસીકરણ અને નસબંધી બાદ છોડી દેવામાં આવે અને તેમને બંધી બનાવીને રાખી શકાય નહીં. આ તમામ પશુકલ્યાણ કાર્યકર્તાઓની જીત છે અને તે બધાને અભિનંદન જેઓ શેરીના કૂતરાઓના સમર્થનમાં આગળ આવ્યા.’
કરુણા માટે એક મોટી જીત
રૂપાલી ગાંગુલીએ તેની પોસ્ટમાં લાગણી વ્યક્ત કરતાં લખ્યું, ‘આ કરુણા માટે એક મોટી જીત છે. માનનીય સુપ્રીમ કોર્ટે આદેશમાં સુધારો કર્યો અને રખડતા કૂતરાની નસબંધી કરીને તેમને છોડવાની પરવાનગી આપી એ બદલ હું આભારી છું. આ પગલું લોકોને માત્ર રેબીઝથી જ નહીં, ખતરનાક કૂતરાથી પણ બચાવે છે અને સાથે જ આપણા નિ:શબ્દ મિત્રોને સન્માન સાથે જીવવાની તક પણ આપે છે.’
ફીડરોની ભૂમિકા મહત્ત્વની
જૉન એબ્રાહમે કોર્ટના આદેશ પછી ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે ‘કૂતરાઓ વતી હું સર્વોચ્ચ અદાલતનો આભારી છું કે તેમણે મૂળભૂત રીતે નિર્ણય લીધો કે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ હોવું જોઈએ અને કૂતરાને સડકો પરથી હટાવવા ન જોઈએ. જોકે નસબંધી અને રસીકરણ માટે હૅન્ડલ કરવામાં સરળ રહે એવા ફ્રેન્ડ્લી કૂતરાઓને તૈયાર કરવામાં ફીડર્સની જે ભૂમિકા છે એની પણ કદર થવી જોઈએ. નગરપાલિકાઓએ અસરકારક ઍનિમલ બર્થ કન્ટ્રોલ માટે દરેક ગલીમાં પૂરતાં ફીડિંગ-સ્ટેશનો સુનિશ્ચિત કરવાં જોઈએ.’


