રોનિત રૉયના ૧૧ વર્ષથી પરિવારનો હિસ્સો રહેલા શ્વાન મૅજિકનું નિધન થયું છે. અભિનેતાએ સોશ્યલ મીડિયા પર ભાવુક પોસ્ટ શૅર કરીને તેની યાદોને તાજી કરી અને શ્રદ્ધાંજલિ આપી.
રોનિત રોય
અભિનેતા રોનિત રૉય હાલમાં અત્યંત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેના પરિવારના સભ્ય અને ૧૧ વર્ષથી તેની સાથે રહેતા શ્વાન મૅજિકનું મૃત્યુ થયું છે. આ દુઃખદ સમયે રોનિત રૉયે સોશ્યલ મીડિયા પર ભાવુક પોસ્ટ શૅર કરીને તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રોનિત રૉયે મૅજિકની તસવીર શૅર કરીને એની સાથે વિતાવેલી યાદો, એની મસ્તી અને અવિરત પ્રેમ માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું હતું કે ‘તારા આખરી દિવસોમાં તારે ઘણી તકલીફો વેઠવી પડી અને હું લાચાર બનીને તારા માટે વધુ કંઈ ન કરી શક્યો એ બદલ ક્ષમાપ્રાર્થી છું. કાશ, તને અમારી સાથે વધુ સમય રાખવાનો કોઈ માર્ગ હોત, પરંતુ તું બહુ જલદી અમને છોડીને જતો રહ્યો.’
રોનિત રૉયે ઉમેર્યું હતું કે ‘તારા વગરનું જીવન ખાસ કરીને મારા પરિવારના સભ્યો અગસ્ત્ય અને આદોર માટે હવે પહેલાં જેવું ક્યારેય નહીં રહે. હું રાહત અનુભવું છું કે તું હવે તમામ પીડામાંથી મુક્ત થઈને સારી જગ્યાએ પહોંચી ગયો છે. અમને ભૂલી ન જતો, જીવનના બીજા છેડે ફરી મળીશું.’
