દેવભૂમિ ઉત્તરાંચલના શ્રીનગર પૌડી ગઢવાલસ્થિત શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર રાજ્યનાં પૌરાણિક શિવાલયોમાંનું એક છે. આ દિવ્યધામ સ્વયં વિષ્ણુજી તથા તેમના અવતાર શ્રી રામ અને શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલું છે
કમલેશ્વર મહાદેવ મંદિર
આ સ્ટેટની ધરતી પર બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, હરિદ્વાર, હૃષીકેશ જેવાં અત્યંત પવિત્ર તીર્થસ્થળો છે. અનેક પુરાણો અને મહાકાવ્યોમાં આ ભૂમિના વિવિધ આશ્રમો, ઋષિઓ, ઈવન ભોલેનાથ, કૃષ્ણ, રામ જેવા ભગવાન સાથેના કનેક્શનની કહાનીઓ આવે છે. અહીં દેશભરમાં દેવીમાતાની જેમ પૂજાતી ગંગાજી, યમુનાજી નદીનું ઉદ્ગમસ્થળ છે. સિખોનું શ્રદ્ધેય તીર્થ હેમકુંડ સાહિબ, પંચ પ્રયાગ (નદીઓના સંગમ) તથા પાંચ કેદાર (મોસ્ટ પૂજનીય શિવતીર્થ)ને સમાવતા ઉત્તરાખંડને આવી વિશેષતાઓને કારણે દેવભૂમિ ઉપનામ મળ્યું છે. આ ભગવાનની ભૂમિમાં જાણીતાં તો ખરાં જ, એવાં પણ સેંકડો ઓછાં જાણીતાં તીર્થો છે જે વેદપરંપરાના ઈશ્વર સાથે પ્રત્યક્ષપણે સંકળાયેલાં છે. શ્રીનગર પૌડી ગઢવાલમાં આવેલું શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર આવું જ એક શિવતીર્થ છે જે અત્યાર સુધી સ્થાનિક લોકોમાં જ વિદિત હતું, પરંતુ દર વર્ષે વૈકુંઠ ચતુર્દશીએ અહીં થતી ‘ખડા દિયા પૂજા’ને કારણે આ દેવાલય ભારતભરના શિવપ્રેમી તથા સંતાન ઇચ્છતાં યુગલોમાં પ્રખ્યાત થયું છે.
વૈકુંઠ ચતુર્દશી એટલે કારતક સુદ ચૌદસ ૨૩ નવેમ્બરે જ ગઈ અને એ દિવસે થયેલી આ પૂજામાં દેશના વિભિન્ન હિસ્સાઓમાંથી આવેલાં ૧૪૮ યુગલોએ ‘ખડા દિયા પૂજા’ કરીને કમલેશ્વર મહાદેવ મંદિરને આખી રાત ઝળાંહળાં કર્યું હતું એ અન્વયે આપણે પણ જઈએ શિવજીના આ દિવ્યધામમાં.
ADVERTISEMENT
‘ખડા દિયા પૂજા’ શું છે? એ વિશે આગળ વાત કરીશું. પહેલાં આપણે આ પવિત્ર તીર્થના ૩ યુગ સાથેના સંબંધની વાત કરીએ.
તો વાત છે પહેલા સતયુગની. આ શુભ યુગના સ્થાપન પૂર્વે ત્રણેય લોક પર અસુરોનો જબરદસ્ત આંતક હતો. દેવલોક, ભૂલોક અને પાતાળલોકમાં રાક્ષસોએ કોહરામ મચાવી દીધો હતો. ત્યારે તેમનો નાશ કરવા દેવગણ વિષ્ણુ ભગવાન પાસે ગયા અને પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ શંકર ભગવાનની સહાય લેવાનું નક્કી કર્યું. આખરે મહાદેવ જ સર્વોપરી શક્તિ છેને. વિષ્ણુજી આવી ગયા આજના કમલેશ્વર મહાદેવ તીર્થે (એ સમયે એ સિલ્લેશ્વર તરીકે જાણીતું હતું). અહીં આવીને તેમણે કઠિન તપ આદર્યું અને શિવલિંગની અર્ચના કરવાનું શરૂ કર્યું. એક પૂજામાં તેમણે કેદારેશ્વરની કમળનાં ૧૦૦૦ પુષ્પ ચડાનીને ઉપાસના કરવાની હતી. એ સમયે એક સરોજ ઓછું પડ્યું તો વિષ્ણુ ભગવાને એ ફૂલની અવેજીમાં પોતાનું નેત્ર શિવલિંગ પર ચડાવીને પૂજા પૂરી કરવાનું ઠેરવ્યું. એ સબબે તેઓ પોતાની આંખ કાઢવા લાગ્યા ત્યારે શંભુનાથ પ્રગટ થઈ ગયા અને વિષ્ણુજીને એમ કરતાં રોકીને તેમને રાક્ષસોના નાશ માટે સુદર્શન ચક્ર ભેટ કર્યું.
આવી જ કથા ત્રેતાયુગમાં શ્રી રામ સાથે જોડાયેલી છે. વનવાસ દરમ્યાન લંકાધિપતિ રાવણે જાનકીમાતાનું અપહરણ કર્યું અને તેમને પોતાના રાજ્યમાં લઈ ગયો. આ બાજુ રામ-લક્ષ્મણે માની શોધ આદરી. લાંબા ગાળા સુધી અનેક સ્થળોએ તપાસ કર્યા પછી હનુમાનજી દ્વારા સીતાજીની ભાળ મળી કે તેઓ તો લંકામાં દશાનનની કેદમાં છે. પછી શ્રી રામે વાનરોની સેના બનાવી, રામસેતુ નિર્માણ કર્યો અને લંકા પર હુમલો કર્યો. વાલ્મીકિ રામાયણમાં નોંધ છે કે આ યુદ્ધ ૧૧૧ દિવસ ચાલ્યું. અહીં મનમાં એક સવાલ થાય કે રામજી સ્વયં અલૌકિક હતા, તેમની પાસે અનેક શક્તિઓ હતી તો આ યુદ્ધ સવાત્રણ મહિના સુધી કેમ ચાલ્યું હશે? પ્રશ્ન થતાં જ મનમાંથી એનો જવાબ મળે કે સામા પક્ષે રાવણ પણ અનેક સિદ્ધિ ધરાવતો હતો. તેની પાસે ઘણાં વરદાન હતાં. વળી તે શિવજીનો પરમ ભક્ત અને અત્યંત શક્તિશાળી યોદ્ધા હતો એટલે તેને સહેલાઈથી મારવો શક્ય નહોતો. ખેર, આ સંગ્રામની વાતનું ઊંડાણ તથા સત્ય ઇતિહાસવિદ્દો અને એક્સપર્ટ ધર્મગુરુઓ જ કહી શકે. આપણે તો રામજીના સ્વાગતમાં અયોધ્યા પહોંચીએ.
૧૪ વર્ષના વનવાસ બાદ રામ-લક્ષ્મણ અને સીતાજી પાછાં તેમના રાજ્ય અવધપુરી પહોંચ્યાં ત્યારે આખું નગર રોશનીથી ઝગમગતું હતું, જાત-જાતનાં પકવાનોથી મઘમઘતું હતું અને દસે દિશાઓમાંથી ખુશીઓની લહેરો ઊઠતી હતી. નૅચરલી, રાજ્યજનોનો ઉમંગ ઊછળતો હોય જ, કારણ કે તેમના ચહિતા મર્યાદાપુરુષોત્તમ રાજકુમાર લાંબા અરસા બાદ પધારી રહ્યા હતા. ધામધૂમથી શ્રી રામનો રાજ્યાભિષેક થયો અને નગરમાં દિવાળી મનાવવામાં આવી. આ કાર્ય સંપન્ન થતાં રઘુવીરના ગુરુ વશિષ્ઠ મુનિએ રાજા રામને બ્રહ્મહત્યાના દોષમાંથી મુક્ત થવા (રાવણ બ્રાહ્મણ હતા) હિમાલય ક્ષેત્રના પાંચ મહેશ્વર પીઠમાંના એક શ્રી કમલેશ્વર મહાદેવની પૂજા કરીને સૌપ્રથમ એ પાપમાંથી મુક્ત થવાનું સૂચન કર્યું. કૌશલ્યાસુતે અહીં આવીને તપ આદર્યું અને શિવજીની સહસ્ર કમળથી પૂજા કરવાનો સંકલ્પ લીધો.
એ પછીની કથા વિષ્ણુ ભગવાન જેવી સેમ જ છે, પણ અહીં ભોળા શંભુને એ લીધે નામ મળ્યું કમલેશ્વર મહાદેવ. અને હા, શિવજીએ રાજા રામને સુદર્શન ચક્ર નહોતું આપ્યું, તેમને આપી પાપમાંથી મુક્તિ.
હવે ‘ખડા દિયા પૂજા’ વિશે વાત કરીએ. આ પૂજા દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ સાથે સંકલિત છે. કહે છે કે શ્રીકૃષ્ણ તેમનાં રાણી જાંબવતી સાથે અહીં આવ્યા હતા અને સપત્ની હાથમાં પ્રજ્વલિત દીપક લઈને ઉમાપતિ સમક્ષ આખી રાત ઊભા રહ્યા. એ પછી તેમને સાંબ નામે તેજસ્વી પુત્ર જન્મ્યો હતો. અન્ય માન્યતા મુજબ ભગવાન વિષ્ણુ જ્યારે શિવની આરાધના કરતા હતા ત્યારે એક યુગલ અહીં હાજર હતું અને ચંદ્રમૌલિ પ્રગટ થતાં તેમણે સંતાનની માગણી કરી જે ભોળિયાએ પૂરી કરી. આથી અહીં કપલ સંપત્તિની માગણી સાથે આવે છે. જોકે આ ત્રણેય ઘટનામાંથી એકેય પ્રસંગનું અહીં કોઈ પ્રમાણ નથી, પરંતુ ભક્તોની અસીમ શ્રદ્ધા અને આસ્થાથી આ સ્થાન ઉત્તરાચંલમાં આવતી અનેક કુદરતી આપદ્દાઓ પછી પણ સુરક્ષિત રહ્યું છે, જે આ સ્થળની પવિત્રતાનું પૅરામીટર છે. જોકે અહીંના મહંતજીના કહેવા મુજબ શ્રીકૃષ્ણે કરેલી ખડા દિયા પૂજા અન્વયે અહીં અનેક વર્ષોથી સંતાન ઇચ્છતાં યુગલો કારતક સુદ ચૌદસે એ પ્રમાણે પૂજા કરે છે. ધીમે-ધીમે એનો પ્રસાર વધતાં દેશમાંથી તો ખરા, વિદેશોથી પણ કેટલાંક દંપતીઓ અહીં આવે છે.
આ મંદિરનું લોકેશન ચારધામના રૂટ પર જ છે. ઉત્તરાખંડના શ્રીનગરથી બદરીનાથ અને કેદારનાથનો ભિન્ન ફાંટો પડે છે. વળી આ ક્ષેત્રનાં સંરક્ષક દેવી ધારી માતાનું મંદિર અહીંથી ફક્ત ૧૫ કિલોમીટરના અંતરે છે. મુખ્ય હાઇવેથી માત્ર ૧૦૦ મીટર અંદર આવેલા આ તીર્થનાં દર્શને ૩૬૫ દિવસ આવી શકાય છે. સ્થાનિક લોકો તો આવે જ છે. આ ઉપરાંત શિવરાત્રિ, અચલા સપ્તમી અને વૈકુંઠ ચતુર્દશીએ શ્રીનગર પ્રશાસન દ્વારા અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં પણ હજારો શ્રદ્ધાળુઓ સામેલ થાય છે.
યોગનગરી હૃષીકેશથી ૧૦૫ કિલોમીટરના અંતરે આવેલું શ્રીનગર રાજ્યનું મોટું શહેર છે. કમનીય અલકનંદાના કિનારા પર ૧૮૦૦ ફુટની ઊંચાઈએ આવેલું આ નગર પ્રાકૃતિક સંપદાઓથી તો ભરપૂર છે. આ ઉપરાંત ચારધામ યાત્રાના રૂટ પર આવેલું હોવાથી અહીં રહેવા માટે હોટેલો, ગેસ્ટહાઉસો તથા હોમ-સ્ટેની સગવડો પણ ભરપૂર છે. ઉપરાંત હાઇવેની બેઉ સાઇડ ઢાબાં, રેસ્ટોરાં, ટપરીઓ તથા મૉડર્ન કૅફે પણ ખરાં. મુંબઈથી હરિદ્વાર-હૃષીકેશ જવા ડાયરેક્ટ ટ્રેનો છે અને દેહરાદૂનથી ડાયરેક્ટ ફ્લાઇટ પણ છે. આ ત્રણેય ટાઉનથી શ્રીનગર જવા સરકારી બસ-સર્વિસ, શૅર-અ-ટૅક્સી તથા પ્રાઇવેટ પરિવહન ઉપલબ્ધ રહે છે.
મંદિરના પરિસરમાં પંચમુખી હનુમાન, મા ભવાની, ગણેશજી, મા અન્નપૂર્ણાનાં અર્વાચીન મંદિરો છે અને પંચધાતુના સુંદર નંદીબાબા પણ છે. કમલેશ્વર મહાદેવનું મંદિર પણ પ્રાચીન નથી, પણ કેસરી-સાદા મંદિરની અપ્રતિમ ભવ્યતાની અનુભૂતિ ચોક્કસ થાય છે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
પહાડી દેવાલયોમાં ઘંટ બાંધવાની પરંપરા બહુ પ્રચલિત છે. અહીં પણ આવા સેંકડો નાના ઘંટ બાંધેલા જોવા મળે છે.
એક માન્યતા અનુસાર આ શિવાલય આદિ ગુરુ શંકરાચાર્યની પ્રાર્થનાઓ બાદ દેવો દ્વારા બનાવાયેલાં ૧૦૦૦ મંદિરોમાંનું એક છે. જોકે એ મંદિર તો ગોરખાઓના આક્રમણથી ધ્વસ્ત થઈ ગયું હતું, પણ હાલનું મંદિર ઈસવીસન ૧૯૬૦માં બિરલા પરિવાર દ્વારા નિર્માણ કરાયું છે.
મંદિરમા પરિસરમાં એક ઓટલા પર અનેક પદચિહનોની જોડીઓ જોવા મળે છે. આ પગલાંઓ આ મંદિરના ભૂતપૂર્વ મહંતોનાં છે.
- શ્રીનગરની આજુબાજુના વિસ્તારમાં વિષ્ણુ મોહિની મંદિર, કિલકિલેશ્વર મહાદેવ, ધારીદેવી મંદિર, કંસમર્દિની મંદિર, ગુરુ ગોરખનાથ, કેશોરાય મઠ, શંકર મઠ જેવાં ધાર્મિક સ્થાનો છે.
ખડા દિયા પૂજા શું છે?
આ પૂજા કરવા ઇચ્છતાં યુગલો કારતક સુદ ચતુર્દશીએ આખો દિવસ ઉપવાસ કરે છે અને ગોધૂલિ વેળાથી આ મંદિરમાં ઘીનો દીવો હાથમાં લઈ ઊભાં રહે છે. અહીંના મહંત સ્ત્રીઓને પેટ પર બાંધવા એક પોટલી આપે છે. એમાં લીંબુની જોડ, શ્રીફળ, ચોખા તથા પાંચ પ્રકારના સૂકા મેવા રાખેલાં હોય છે. એ લાલ કપડામાં બાંધીને સ્ત્રીઓ હાથમાં દીપક લઈને સંપૂર્ણ રાત ઊભી રહે છે અને પ્રાત: સમયે એ દીપક મંદિરમાં અથવા અલકનંદા નદીમાં પધરાવીને, સ્નાન કરીને, ગૌદાન કરીને ઉપવાસનાં પારણાં કરે છે. એ દિવસે મંદિર તરફથી ભંડારો હોય છે અને પૂર્ણિમાના દિવસે હવન પણ થાય છે. સાંજે બારથી ૧૫ ડિગ્રીનું તાપમાન મધરાત્રે માઇનસમાં જાય છે છતાં સંતાન ઇચ્છતી મહિલાઓ ૧૪થી ૧૫ કલાક અહીં થાક્યા વગર ઊભી રહે છે. અમુક કિસ્સામાં પતિ અને પત્ની વારાફરતી પણ ઊભાં રહે છે, પણ શરત એટલી કે એક સેકન્ડ પણ દીવો નીચે મૂકવાનો નહીં કે દીપક પકડનાર વ્યક્તિએ બેસવાનું નહીં. અનેક સ્ત્રી જેમના પતિ સૈન્યમાં હોય કે વિદેશમાં હોય, જેમના માટે પૂજા વખતે આવવું શક્ય ન હોય તેઓ પણ અહીં એકલી આવીને આ પૂજા કરી શકે છે. બસ, દરેકે એ માટે મંદિરમાં પ્રી-રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે.
કહે છે કે અઢારમી સદીમાં ગોરખાઓએ આ મંદિરની મહત્તા જોઈને ધનની ખોજમાં આ સ્વયંભૂ શિવલિંગને ઉખાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ૧૨૨ કે ૧૪૪ ફુટ ખોદ્યા પછી પણ આ પાવન લિંગનો છેડો ગોતી શક્યા નહોતા. એ પછી ગોરખા
સેનાપતિએ માફી માગીને એ ખાડો ભરી નાખ્યો અને એની મરમ્મત પણ કરાવી હતી.
અચલા સપ્તમીએ અહીં થાય છે ઘૃતકમલ પૂજા
મહા સુદ સપ્તમીના દિવસે આ શિવલિંગ પર દેશી ઘીનો લેપ કરીને હજાર કમળનાં પુષ્પો ચડાવવામાં આવે છે અને ભગવાનને બાવન પ્રકારના ભોગ ચડે છે. મંદિરના મહંત માત્ર એક પોતડી પહેરીને પરિક્રમા સહિત આ બધી વિધિ કરે છે. કહે છે કે મા સતીના નિધન બાદ શિવજી વિરક્ત થઈ ગયા હતા અને તારકાસુરનો વધ કરવા શશાંક શેખરના પુત્રની જરૂર હતી ત્યારે દેવતાઓએ ભગવાન શિવને વિવાહ માટે મનાવવા આ વિશેષ પૂજા કરી હતી. એ તરજ પર આજે પણ આ પરંપરા નિભાવવામાં આવે છે અને ભક્તો તથા સમસ્ત સંસારની સુખાકારીની કામના કરવામાં આવે છે.
