સ્ટોરી પર વધુ ધ્યાન આપવામાં નથી આવ્યું, પરંતુ ડિટેઇલને ચોક્કસ રાખવામાં આવી છે: રાજકુમાર રાવ, દુલ્કર સલમાન, આદર્શ ગૌરવ અને ગુલશન દેવૈયાએ સારું કામ કર્યું છે
ગન્સ ઍન્ડ ગુલાબ્સ
ગન્સ ઍન્ડ ગુલાબ્સ
કાસ્ટ : રાજકુમાર રાવ, દુલ્કર સલમાન, આદર્શ ગૌરવ, ગુલશન દેવૈયા, સતીશ કૌશિક, શ્રેયા ધન્વંતરિ, ટીજે ભાનુ
ડિરેક્ટર : રાજ નિદિમોરુ, ક્રિષ્ણા ડીકે
ADVERTISEMENT
3/5
રાજ નિદિમોરુ અને ક્રિષ્ણા ડીકે દ્વારા બનાવવામાં આવેલી ‘ગન્સ ઍન્ડ ગુલાબ્સ’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. ૭ એપિસોડના આ શોમાં રાજકુમાર રાવ, દુલ્કર સલમાન, આદર્શ ગૌરવ, ગુલશન દેવૈયા, સતીશ કૌશિક, શ્રેયા ધન્વંતરિ અને ટીજે ભાનુ જેવા ઘણા ઍક્ટર્સ છે.
આ શોની સ્ટોરી ૧૯૯૦ના દાયકાની છે અને એક ફિક્શન ગામની છે, જ્યાં અફીણની ખેતી થાય છે. આ અફીણના કારોબાર પર ડ્રગ-કાર્ટેલ સતીશ કૌશિકનો કબજો હોય છે. ત્યાર બાદ જુગનૂ એટલે કે આદર્શ ગૌરવ પર એની જવાબદારી આવે છે. આ ગેરકાયદે કામની વચ્ચે સોસાયટીમાં બૅલૅન્સ કરવા પોલીસ ઑફિસર અર્જુન એટલે કે દુલ્કર સલમાનની એન્ટ્રી થાય છે. આ તમામની વચ્ચે એક ગૅન્ગસ્ટરનું મૃત્યુ ચાર કટ આત્મારામ એટલે કે ગુલશન દેવૈયા દ્વારા કરવામાં આવે છે. આ ગૅન્ગસ્ટરનો દીકરો મેકૅનિક ટીપુ એટલે કે રાજકુમાર રાવ હોય છે. તે એક સ્કૂલટીચરને પ્રેમ કરતો હોય છે, પણ ટીચર તેને પસંદ નથી કરતી. જોકે ટીપુ દ્વારા અજાણતાં એક એવું કામ થાય છે એને કારણે ટીચર તેના પ્રેમમાં પડે છે. એટલે આ સ્ટોરી જુગનૂ, ચાર કટ આત્મારામ, અર્જુન અને ટીપુની આસપાસ ફરે છે અને દરેકના રસ્તા એકબીજા સાથે ક્રૉસ થાય છે.
રાજ અને ડીકે દ્વારા આ સ્ટોરી ૯૦ના દાયકાને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે. તેમણે દરેક ફિલ્મી મસાલાનો આ સિરીઝમાં ઉપયોગ કર્યો છે. આ શો જોઈને એક અલગ જ દુનિયામાં ચાલી જવાય છે; એ સમયનાં ગીત, એ સમયનાં ડ્રિન્ક, એ સમયનાં કપડાં, એ સમયનાં વાહનો જેવી દરેક વાત. રાજ અને ડીકેએ ડિટેઇલમાં કામ કર્યું છે. જોકે એમ છતાં તેમણે અમુક પાત્રોની ડિટેઇલ નથી આપી, જેવી કે આત્મારામ અને જુગનૂ. એને કારણે તેમની રાઇટિંગમાં લેઝીનેસ દેખાઈ આવે છે. આ સાથે જ અર્જુનની પર્સનલ લાઇફને પણ એક સમય બાદ નજરઅંદાજ કરવામાં આવી છે. શોની શરૂઆત અને ક્લાઇમૅક્સ જોરદાર છે, પરંતુ વચ્ચેના કેટલાક એપિસોડ થોડા નબળા છે. રાજ અને ડીકે ફરી તેમના શોમાં ગાળને લઈને ચર્ચાનો વિષય બની શકે છે, પરંતુ આ એક એવી દુનિયા છે જ્યાં ગાળ હોવાની જ, હા, એને થોડી ઓછી જરૂર કરી શકાઈ હોત. આ સાથે જ
કેટલાક ડાયલૉગ પણ થોડા ફિલ્મી
લાગે છે અને કેટલાંક દૃશ્યો જરૂર કરતાં વધુ ખેંચવામાં આવ્યાં હોય એવું લાગે છે. છેલ્લા બે એપિસોડમાં દરેક સવાલના જવાબ આપવાની અને વધુ ટ્વિસ્ટ અને ટર્ન લાવવાની કોશિશ કરવામાં આવી છે એથી કેટલાક દર્શકોને આ બે એપિસોડ થોડા કૉમ્પ્લેક્સ લાગી શકે છે.
રાજકુમાર રાવ કયું કામ નહીં કરી શકે એ એક સવાલ છે. તેને માટે આ ‘ગૅન્ગ ઑફ વાસેપુર’ની દુનિયા હતી, પરંતુ અહીં તે બાપ કા બદલા પોતે લે છે. તેણે તેના પાત્ર અને તેના પાત્રની જર્નીને જે સહજતાથી ટ્રાન્સફૉર્મ કરી છે એ કાબિલેદાદ છે. તેને જોઈને લાગે છે કે તે એકદમ ઑર્ગેનિક છે, પરંતુ શોનાં કેટલાંક દૃશ્યો એવાં પણ છે કે ઑર્ગેનિક નથી લાગતાં. દુલ્કર સલમાને અગાઉ ઘણાં કૉમ્પ્લેક્સ પાત્રો ભજવ્યાં છે અને તેને માટે આ પાત્ર ભજવવું એટલું મુશ્કેલ નહોતું. જોકે રાઇટરે અર્જુનના પાત્રને સારી રીતે લખવાની જરૂર હતી. ગુલશન દેવૈયા લુકમાં સંજય દત્ત અને ઍક્ટિંગમાં વિવિધ વિલન જેવો લાગે છે. તેણે અગાઉ ઇન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે તેણે આ પાત્ર માટે કોની પાસેથી પ્રેરણા લીધી છે. તેની બૅકસ્ટોરી ડિટેઇલમાં નથી, પરંતુ તેને જે પાત્ર ઑફર કરવામાં આવ્યું છે એને તેણે ઇન્ટરેસ્ટિંગ બનાવવાની કોશિશ ૧૦૦ ટકા કરી છે. આદર્શ ગૌરવે ખૂબ સારું કામ કર્યું છે. તેનો ટ્વિસ્ટ જોરદાર છે. આ એક એવું પાત્ર છે જેના વિશે વાત કરવી યોગ્ય નથી, કારણ કે એક સ્પોઇલર તરીકે કામ કરી શકે છે. જોકે આ પણ એક એવું પાત્ર છે જેને આ સીઝનમાં પૂરતું એક્સપ્લોર કરવામાં નથી આવ્યું. રાજ અને ડીકેએ ફરી તેમના શોમાં મહિલાઓને મહત્ત્વ નથી આપ્યું. તેમની આ માટે ઘણી વાર ટીકા થાય છે. શ્રેયા અને ટીજે ભાનુને ટ્વિસ્ટ લાવવા માટે રાખવામાં આવી છે અને તેમણે એ સારી રીતે કર્યું છે, પરંતુ એ સિવાય તેમનું કોઈ કામ નથી. સતીશ કૌશિકને જોઈને હજી પણ નથી લાગતું કે તેઓ આ દુનિયામાં હવે નથી. તેમનું પાત્ર લિમિટેડ છે, પરંતુ તેમને જોવાની મજા આવે છે.
આ શોમાં ગાળ પ્રૉબ્લેમ ઊભો કરી શકે છે, પરંતુ આ શોની થીમ એટલી જ અસરકારક છે. રાજ અને ડીકે તેમના શો દ્વારા અલગ દુનિયામાં દર્શકોને લઈ જવામાં સફળ થયા છે અને તેમના શોના એપિસોડની એન્ડ ક્રેડિટ પણ ખૂબ ક્રીએટિવ છે.


