પ્રિયંકા હાલમાં હૉલીવુડમાં ખૂબ બિઝી છે
પ્રિયંકા ચોપડા જોનસ (ફાઇલ તસવીર)
પ્રિયંકા ચોપડા જોનસ તેની દીકરી માલતી મૅરી ચોપડા જોનસ માટે દેશ અને કરીઅર પણ છોડવા તૈયાર છે. પ્રિયંકા હાલમાં હૉલીવુડમાં ખૂબ બિઝી છે. તેની સિરીઝ ‘સિટાડેલ’ હાલમાં જ રિલીઝ થઈ છે. ૨૦૧૮માં અમેરિકન સિંગર નિક જોનસ સાથે પ્રિયંકાએ રાજસ્થાનમાં શાહી ઢબે લગ્ન કરી લીધાં હતાં. તેઓ સરોગસીથી પેરન્ટ્સ બન્યા છે. પ્રિયંકાના પેરન્ટ્સ અશોક ચોપડા અને મધુ ચોપડા ઇન્ડિયન આર્મીમાં ફિઝિશ્યન્સ હતાં. તેમણે ઉત્તર પ્રદેશમાં હૉસ્પિટલ શરૂ કરી હતી. જોકે ફક્ત પ્રિયંકાની કરીઅર માટે તેઓ બધું છોડીને મુંબઈ શિફ્ટ થઈ ગયાં હતાં. એથી પ્રિયંકાને પણ પૂછવામાં આવ્યું હતું કે શું તે તેની દીકરીની કરીઅર માટે પોતાની કરીઅરનો ત્યાગ કરી શકશે? એનો જવાબ આપતાં પ્રિયંકાએ કહ્યું કે ‘જે સમયે મારા પેરન્ટ્સ પોતાની કરીઅર છોડીને મારી પાસે આવી ગયા ત્યારે મેં એના પર વધુ ધ્યાન ન આપ્યું. મને એમ લાગતું હતું કે પેરન્ટ્સ હોવાથી તેમની આ ફરજ છે. મારી કરીઅર અગત્યની છે. એ વસ્તુનો ખ્યાલ મને ત્યાં સુધી ન આવ્યો જ્યાં સુધી મેં બુક નહોતી લખી. ત્યારે મને એહસાસ થયો કે હું ૪૦માં પહોંચી ગઈ છું અને જો મને કરીઅર છોડવા અને અન્ય દેશમાં જવાનું કહેવામાં આવે તો મારી દીકરી માટે હું કોઈ પણ સવાલ કર્યા વગર એ બધું છોડવા તૈયાર છું.’