ભંગડા પાલે, ૩૦ સપ્ટેમ્બરે ચંડીગઢમાં રિસેપ્શન રાખ્યું પરિણીતીએ અને અન્ય સમાચાર
શિલ્પા શેટ્ટી
ભંગડા પાલે
શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ ગઈ કાલે તેની ‘સુખી’નું ટ્રેલર લૉન્ચ કર્યું હતું. મુંબઈમાં યોજવામાં આવેલી ઇવેન્ટમાં તે ભાંગડા કરતી પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે કુશા કપિલા, ડેલનાઝ ઈરાની, પવલીન ગુજરાલ, ચૈતન્યા ચૌધરી અને અમિત સાધે કામ કર્યું છે. આ ફિલ્મ ૨૨ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે, જેને ટી-સિરીઝ અને અબુન્દંતિયા એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. શિલ્પાના ડાન્સની સાથે તેણે પહેરેલાં ચંપલ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ADVERTISEMENT
૩૦ સપ્ટેમ્બરે ચંડીગઢમાં રિસેપ્શન રાખ્યું પરિણીતીએ
પરિણીતી ચોપડા અને આપ પાર્ટીના રાઘવ ચઢ્ઢાએ ૩૦ સપ્ટેમ્બરે ચંડીગઢમાં રિસેપ્શન રાખ્યું છે. તેઓ ઉદયપુરમાં હોટેલ લીલા પૅલેસ અને ઉદયવિલાસમાં ૨૩ અને ૨૪ સપ્ટેમ્બરે લગ્ન કરવાનાં છે. આ લગ્ન બાદ તેઓ ચંડીગઢમાં રિસેપ્શન રાખવાનાં છે. એનો ફોટો પણ વાઇરલ થયો છે. તેમણે ચંડીગઢની હોટેલ તાજમાં રિસેપ્શન રાખ્યું છે અને બપોરે એક વાગ્યાથી એ શરૂ થશે. આ રિસેપ્શન પહેલાં ગુરુગ્રામમાં રાખવામાં આવશે એવી ચર્ચા હતી. એમાં મોટા ભાગની પૉલિટિકલ પર્સનાલિટી જોવા મળશે. જોકે તેઓ મુંબઈમાં પણ બૉલીવુડ માટે રિસેપ્શન રાખશે એવી ચર્ચા છે.
૫૦ વર્ષ જૂના ફ્રેન્ડ જિતેન્દ્ર સાથે બર્થ-ડે સેલિબ્રેટ કર્યો રાકેશ રોશને
રાકેશ રોશને તેની ૭૪મી વરસગાંઠ તેના ૫૦ વર્ષ જૂના ફ્રેન્ડ જિતેન્દ્ર સાથે મળીને સેલિબ્રેટ કરી છે. આ પાર્ટીમાં જિતેન્દ્રની સાથે પ્રેમ ચોપડા અને અન્ય ફ્રેન્ડ્સે પણ હાજરી આપી હતી. રાકેશ રોશને ઇન્સ્ટાગ્રામ પર તેના આ સેલિબ્રેશનનો વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં તેના ફ્રેન્ડ્સ તેને ‘તુમ જિયો હઝારોં સાલ’ ગીત ગાઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યાર બાદ રાકેશ રોશન કેક કટ કરી રહ્યા છે. આ વિડિયો શૅર કરીને રાકેશ રોશને કૅપ્શન આપી હતી કે ‘પચાસ વર્ષની ભાગ્યે જ જોવા મળતી ફ્રેન્ડશિપને સેલિબ્રેટ કરી રહ્યા છીએ. મારી બર્થ-ડે સેલિબ્રેટ કરવા માટે જિતુ અને ફ્રેન્ડ્સનો આભાર.’
બેબો કી અદા
કરીના કપૂર ખાને હાલમાં જ તેના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. આ ફોટોમાં તે વાઇન કલરના બ્રાલેટ, સ્કર્ટ અને શીઅર બ્લેઝરમાં જોવા મળી રહી છે. આ ડ્રેસની કિંમત ૨૭,૯૭૫ રૂપિયા છે. આ ફોટો તેની ‘જાને જાં’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટ દરમ્યાનના છે. આ ફિલ્મમાં તેની સાથે વિજય વર્મા અને જયદીપ અહલાવત પણ જોવા મળશે. આ ફોટો શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી કે ‘જાને જાં’ રેડી છે. તમે ટ્રેલર જોયું કે નહીં?’
કરીનાની ‘ધ બકિંન્ઘમ મર્ડર્સ’ના પ્રીમિયરની ટિકિટ ૬૦ મિનિટમાં વેચાઈ ગઈ
કરીના કપૂર ખાનની ‘ધ બકિંન્ઘમ મર્ડર્સ’નું પ્રીમિયર બીએફઆઇ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મને ૧૪ ઑક્ટોબરે સ્ક્રીન કરવામાં આવી રહી છે અને એ માટે ઑનલાઇન ટિકિટ બુકિંગ ઓપન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની ટિકિટ ફક્ત ૬૦ મિનિટની અંદર વેચાઈ ગઈ હતી. આ ફિલ્મને હંસલ મહેતા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે, જેમાં કરીના ડિટેક્ટિવ બની છે. આ ફિલ્મની ટિકિટના બુકિંગ માટે ખૂબ જ પડાપડી હતી અને એથી જ બુકિંગમાં પણ વધુ સમય લાગી રહ્યો હતો. આ ફિલ્મના પ્રીમિયરમાં કરીના અને હંસલ મહેતા હાજર રહેશે એવું લાગી રહ્યું છે. કરીના હાલમાં તેની ‘જાને જાં’ની રિલીઝની તૈયારી કરી રહી છે. આ ફિલ્મ ૨૧ સપ્ટમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. એમાં જયદીપ અહલાવત અને વિજય વર્મા પણ લીડ રોલમાં છે.