સંજય કપૂરના અંતિમ સંસ્કાર ગુરુવારે દિલ્હીના લોધી રોડ સ્મશાનગૃહમાં થયા
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ અને બિઝનેસમૅન સંજય કપૂરનું ૧૨ જૂને ઇંગ્લૅન્ડમાં હાર્ટ-અટૅકથી નિધન થયું હતું. કહેવાય છે કે ૫૩ વર્ષના સંજય પોલો રમતી વખતે મધમાખી ગળી જતાં એન ડંખને કારણે હાર્ટ-અટૅકનો ભોગ બન્યા હતા. મૃત્યુના ૭ દિવસ બાદ ૧૯ જૂને તેમના અંતિમ સંસ્કાર દિલ્હીના લોધી રોડ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. સંજય કપૂરના પરિવારે જાહેર કર્યું છે કે સંજયની પ્રાર્થનાસભા બાવીસમી જૂને સાંજે ચારથી ૫ વાગ્યા સુધી દિલ્હીની તાજ પૅલેસ હોટેલમાં યોજાશે.
પ્રાર્થનાસભાની નોંધના અંતે સંજય કપૂરનાં માતા-પિતા, પત્ની પ્રિયા તેમ જ તેમનાં ચાર બાળકો સમાયરા, સફીરા, કિયાન અને અઝારિયસનાં નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંજયના અંતિમ સંસ્કાર પૂર્વે કરિશ્મા અને તેનાં બાળકો સમાયરા અને કિયાને પુષ્પાંજલિ આપી હતી. કરીના સાથે બહેન કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ અંતિમવિધિ માટે દિલ્હી પહોંચ્યાં હતાં. ભૂતપૂર્વ પતિ સંજયનાં અંતિમ દર્શન કર્યા પછી કરિશ્મા થોડી મક્કમ રહી શકી હતી, પણ બાળકો સમાયરા અને કિયાન ભાંગી પડ્યાં હતાં.
ADVERTISEMENT
સંજય કપૂરે સૌથી પહેલાં નંદિતા મહતાની સાથે લગ્ન કર્યાં હતાં, પણ એ લગ્નથી તેમને કોઈ સંતાન નથી. એ પછી સંજયે ૨૦૦૩માં કરિશ્મા કપૂર સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી તેમને બે બાળકો હતાં - પુત્રી સમાયરા અને પુત્ર કિયાન. જોકે ૨૦૧૬માં સંજય અને કરિશ્માએ પરસ્પર સંમતિથી ડિવૉર્સ લઈ લીધા હતા અને કરિશ્માને બાળકોની કસ્ટડી મળી હતી. કરિશ્માથી ડિવૉર્સ લીધા પછી સંજયે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યાં હતાં. આ પ્રિયાના બીજાં લગ્ન હતાં. તેને પહેલાં લગ્નથી સફીરા નામની દીકરી છે. એ ઉપરાંત સંજય અને પ્રિયાને એક પુત્ર અઝારિયસ પણ છે.


