તે બાળકો, બહેન અને બનેવી સાથે દિલ્હી પહોંચી : ભાવુક વાતાવરણ સર્જાયું
સંજય કપૂરની પ્રાર્થનાસભા રવિવારે દિલ્હીની તાજ પૅલેસ હોટેલમાં યોજાઈ હતી
કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ અને જાણીતા ઉદ્યોગપતિ સંજય કપૂરની પ્રાર્થનાસભા રવિવારે દિલ્હીની તાજ પૅલેસ હોટેલમાં યોજાઈ હતી. આ પ્રાર્થનાસભામાં કરિશ્મા પોતાનાં બાળકો સમાયરા અને કિયાન સાથે હાજર રહી હતી. તેમની સાથે કરિશ્માની બહેન કરીના કપૂર ખાન અને બનેવી સૈફ અલી ખાન પણ હાજર હતાં. સંજય કપૂરનું અવસાન ૧૨ જૂને ઇંગ્લૅન્ડમાં પોલો મૅચ દરમ્યાન હૃદયરોગના હુમલાથી થયું હતું અને તેના અંતિમ સંસ્કાર ૧૯ જૂને દિલ્હીના લોધી રોડ સ્મશાન ઘાટ પર કરવામાં આવ્યા હતા.
સંજય કપૂરની પ્રાર્થનાસભાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં સંજય કપૂરનો પરિવાર ભાવુક દેખાઈ રહ્યો છે. આ વિડિયોમાં સંજયની માતા રાણી સુરિન્દર કપૂર, તેની પત્ની પ્રિયા સચદેવ અને તમામ બાળકો ઉદાસ અને ભાવુક દેખાય છે. બધા લોકો હાથ જોડીને પ્રાર્થનાસભામાં ઊભા હતા અને વાતાવરણમાં ગહન શોક હતો. આ પ્રાર્થનાસભામાં સંજયની તસવીરને ફૂલોથી શણગારવામાં આવી હતી, જ્યાં લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા હતા.
ADVERTISEMENT
વાઇરલ વિડિયોમાં કરિશ્મા બાળકો સમાયરા અને કિયાનને સંભાળતી દેખાય છે. આ બન્ને બાળકો પોતાના પિતાના અવસાનથી ગહન આઘાતમાં હતાં અને કરિશ્મા તેમને ભીડની વચ્ચેથી હાથ પકડીને બહાર લઈ જતી જોવા મળી. આ પ્રાર્થનાસભામાં કરિશ્મા, કરીના, અને સૈફ ખૂબ ભાવુક દેખાયાં. આ પ્રાર્થનાસભામાં સંજય કપૂરની મિત્ર નેહા ધુપિયા પણ જોવા મળી હતી અને પરિવારને સધિયારો આપ્યો હતો.


