‘ઝંજીર’ માટે અમિતાભને દોઢ લાખ રૂપિયામાં સાઇન કર્યા બાદ કોઈએ પ્રકાશ મેહરાને પૂછ્યું કે આવા ફ્લૉપ હીરોને લેવાનું કારણ શું? જવાબ મળ્યો,‘તે તેની આંખો દ્વારા અભિનય કરે છે.’
અમિતાભ બચ્ચન, પ્રકાશ મેહરા
ચાર ફિલ્મોમાં ડિરેક્શન કરીને સફળતા મેળવ્યા બાદ પ્રકાશ મેહરાએ પોતાની ફિલ્મોનું નિર્માણ શરૂ કર્યું એ વાત તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે.
‘સમાધિ’નું શૂટિંગ ચાલતું હતું ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે હવે મારે સ્વતંત્ર રીતે ફિલ્મો બનાવવી છે. ધર્મેન્દ્ર મારા કામથી ખુશ હતા. મેં તેમને વાત કરી તો કહે, ‘ચોક્કસ, હું તને સહકાર આપીશ.’ ફિલ્મ પૂરી થઈ એટલે મેં કહ્યું કે આપણે કામ શરૂ કરીએ. તેમણે કહ્યું કે મારી પાસે સલીમ-જાવેદની પોલીસ-ઇન્સ્પેક્ટર અને પઠાણની એક સ્ક્રિપ્ટ છે. એના પરથી આપણે ભાગીદારીમાં ફિલ્મ શરૂ કરીએ પણ તારે ૬ મહિના રાહ જોવી પડશે કારણ કે હું હમણાં બહુ બિઝી છું.’
ADVERTISEMENT
મેં સ્ક્રિપ્ટ વાંચી. મેં કહ્યું, ‘ હું રાહ જોવા નથી માગતો. તમે આશીર્વાદ આપો તો આ સ્ક્રિપ્ટ પરથી હું ફિલ્મ બનાવું.’
આમ ૫ હજાર રૂપિયા આપી મેં સ્ક્રિપ્ટ ખરીદી અને દેવ આનંદ પાસે ગયો. તે કહે, ‘આમાં હીરો માટે ત્રણ-ચાર ગીત હોવાં જોઈએ.’ મેં કહ્યું, ‘તમે કોઈ પોલીસ-ઇન્સ્પેક્ટરને ફિલ્મમાં ગીત ગાતાં જોયો છે?’ તો કહે, ‘તું કમર્શિયલ બનાવે છે, આર્ટ ફિલ્મ નહીં.’ મેં કહ્યું, ‘ના. મારી ફિલ્મમાં ગીત હશે પણ એ ઇન્સ્પેક્ટર નહીં ગાય.’ તેમણે God bless you કહી શુભેચ્છાઓ આપી. એ પછી મેં રાજકુમારનો સંપર્ક કર્યો. તેમને સ્ક્રિપ્ટ ગમી. કહે, ‘હમણાં મારી પાસે મદ્રાસની બે ફિલ્મો છે. એટલે ચાર મહિના હું ત્યાં જ છું. તું મદ્રાસ આવ. ત્યાં શૂટિંગ કરીશું.’ મેં કહ્યું, ‘ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મુંબઈનું છે. મદ્રાસમાં એ ક્યાંથી લાવવું. ફિલ્મમાં મુંબઈનું ક્રાઉડ જોઈએ. હું કોઈ બાંધછોડ કરવા નથી માગતો.’ એટલે ફરી પાછી હીરોની શોધ શરૂ થઈ.
પઠાણ તરીકે પ્રાણસા’બનો રોલ ફિક્સ હતો. એક દિવસ તેમના દીકરાએ કહ્યું, ‘તમે ‘બૉમ્બે ટુ ગોવા’માં અમિતાભને જોઈ આવો.’ હું અને જાવેદ અખ્તર ફિલ્મ જોવા ગયા. એમાં એક સીન છે. અમિતાભ હોટેલમાંથી સૅન્ડવિચ ખાતાં-ખાતાં બહાર આવે છે અને શત્રુઘ્ન સાથે તેની લડાઈ થાય છે. એ એક જ સીન જોઈ અમે નક્કી કર્યું કે હીરો તરીકે અમિતાભ બચ્ચન એકદમ યોગ્ય છે. એ દિવસોમાં તેમની કરીઅર હજી એસ્ટાબ્લિશ નહોતી થઈ. હિરોઇન તરીકે અમે મુમતાઝને પસંદ કરી હતી પણ અમિતાભનું નામ આવ્યું એટલે તેણે ના પાડી. બહાનું કાઢ્યું કે થોડા સમય બાદ મયૂર માધવાણી સાથે લગ્ન થવાનાં છે એટલે નવી ફિલ્મ હાથમાં નથી લેવી. છેવટે જયા ભાદુરીને એ રોલ આપ્યો.’
‘ઝંજીર’ માટે અમિતાભને દોઢ લાખ રૂપિયામાં સાઇન કર્યા બાદ કોઈએ પ્રકાશ મેહરાને પૂછ્યું કે આવા ફ્લૉપ હીરોને લેવાનું કારણ શું? જવાબ મળ્યો, ‘તે તેની આંખો દ્વારા અભિનય કરે છે.’
આ હતી ‘ઝંજીર’ના કાસ્ટિંગની પડદા પાછળની રોચક કહાની. અંગ્રેજી ફિલ્મ ‘ડેથ રાઇડ્સ અ હૉર્સ’ પર આધારિત આ ફિલ્મની અઢળક સફ્ળતાએ અમિતાભ બચ્ચન અને પ્રકાશ મેહરાની દશા અને દિશા બદલાવી નાખી. આ ફિલ્મથી પ્રકાશ મેહરાની અમિતાભ બચ્ચન અને સંગીતકાર કલ્યાણજી–આણંદજીની નિકટતાની શરૂઆત થઈ. પ્રકાશ મેહરાની સફળ કારકિર્દીમાં આ બન્નેનો મહત્ત્વનો ફાળો છે. તેમને યાદ કરતાં આણંદજીભાઈ કહે છે, ‘‘ઝંજીર’નું શૂટિંગ પૂરું થયું ત્યારે એ ૧૯,૦૦૦ ફીટ લાંબી ફિલ્મ હતી. એક તો સ્ટ્રગલિંગ હીરો અને ઉપરથી આટલી લાંબી ફિલ્મ એટલે કોઈ વિતરક ફિલ્મને હાથમાં લેવા તૈયાર નહોતો. મેં કહ્યું, ‘ફિલ્મને એડિટ કરવી પડશે.’ પ્રકાશ મેહરા કહે, ‘હવે એડિટ કરીશું તો ફિલ્મની મજા જતી રહેશે.’ મેં કહ્યું, ‘આટલી લાંબી ફિલ્મ પૂરી થાય એ પહેલાં ઑડિયન્સ જતી રહેશે.’ મારી વાત તેમને ગળે ઊતરી. ત્યાર બાદ ફિલ્મને એડિટ કરી લગભગ ૧૨,૦૦૦ ફીટની બનાવી.
તે હંમેશાં ફરિયાદ કરતા, ‘તમારે જલસા છે. ઍર-કન્ડિશન્ડ રૂમમાં બેસી ગીતો બનાવો છો. અમે પ્રોડ્યુસર-ડિરેક્ટર રાત-દિવસ ટાઢ-તડકામાં શૂટિંગ કરીએ અને ફિલ્મ જો હિટ થાય તો અમારું નામ પણ કોઈને ખબર ન હોય. તમને સૌ યાદ કરે.’
મેં સલાહ આપી, ‘તમે ગીતકાર બની જાઓ. ફિલ્મ હિટ કે ફ્લૉપ, ગીત વાગે ત્યારે રેડિયો પર તમારું નામ આવશે અને લોકોને ખબર પડશે.’ અને સાચે જ તેમણે ગીતો લખવાની શરૂઆત કરી.’
આણંદજીભાઈની સલાહ માની પ્રકાશ મેહરાએ વર્ષો જૂની ટૅલન્ટને ધાર આપીને થોડાં ગીતો લખ્યાં, જેમાંનાં અમુક અત્યંત લોકપ્રિય થયાં જેવાં કે ‘ઓ દિલબર જાનિએ, તેરે હૈં હમ તેરે (‘હસીના માન જાએગી’), જહાં ચાર યાર મિલ જાએ વહીં રાત હો ગુલઝાર’ (‘શરાબી’), ‘અપની તો જૈસે તૈસે, થોડી ઐસે યા વૈસે, કટ જાયેગી’ [લાવારિસ ], ‘લોગ કહેતે હૈં મૈં શરાબી હૂં’ (‘શરાબી’), ‘ઔર ઇસ દિલ મેં ક્યા રખ્ખા હૈ’ (‘ઈમાનદાર’) અને બીજાં.
પ્રકાશ મેહરા માટે એક સરસ ઑબ્ઝર્વેશન કરતાં આણંદજીભાઈ કહે છે, ‘તેમનામાં રહેલો પ્રોડ્યુસર હંમેશાં ડિરેક્ટર પર હાવી થઈ જાય. એનું મુખ્ય કારણ એ હતું કે તેમની પાસે અમિતાભ બચ્ચન જેવો હીરો હતો. આના કારણે બીજાં પાત્રો ગૌણ બની જતાં. એ સિવાય સેટ પર નાની-નાની વાતોમાં અમુક સમયે ભૂલો થાય. જેમ કે એક સીનમાં પડદાનો જે કલર હોય એની કન્ટિન્યુઇટીમાં એ જ સીનમાં પડદાનો કલર બીજો હોય. કોઈ તેમનું ધ્યાન દોરે તો કહે, ‘અરે યાર, જબ સ્ક્રીન પર અમિતાભ બચ્ચન હોતા હૈ તો લોગોં કા પૂરા ધ્યાન ઉનકે ઉપર રહતા હૈ, આજુબાજુ કોઈ નહીં દેખતા.’
મસાલા ફિલ્મોના માસ્ટર પ્રોડ્યુસર-ડિરેક્ટર મનમોહન દેસાઈ અને પ્રકાશ મેહરાની સફળતામાં કૉમન ફૅક્ટર એટલે અમિતાભ બચ્ચન. એમ કહેવાતું કે આ કારણે બન્ને વચ્ચે એક કોલ્ડ વૉર ચાલતી હતી. બન્નેના શૂટિંગની ડેટ્સ માટે અમિતાભ બચ્ચને બૅલૅન્સિંગ કરવાનું અઘરું કામ કરવું પડતું. પ્રકાશ મેહરાની બૉક્સ-ઑફિસ પર સદંતર નિષ્ફળ ગયેલી ‘જાદુગર’માં અમિતાભ બચ્ચન જે રોલ કરતા હતા એવા જ પ્રકારનો (પ્રમાણમાં નાનો રોલ) તેમણે મનમોહન દેસાઈની (ડિરેક્ટર કેતન દેસાઈ) ‘તુફાન’માં સ્વીકાર્યો. (‘તુફાન’ પણ સુપરફ્લૉપ હતી) કહેવાય છે એ દિવસથી બન્નેના સંબંધમાં કડવાશ આવી ગઈ.
થોડા સમય પહેલાં પ્રકાશ મેહરાના પુત્ર પુનિતે એક ઇન્ટરવ્યુમાં અફવાને રદિયો આપતાં કહ્યું હતું કે બન્નેને એકમેક માટે માન હતું. તેઓ મિત્રો હતા અને પોતાની ફિલ્મો વિશે ચર્ચા કરતા હતા. ‘તુફાન’નો રોલ કરતા સમયે અમિતાભ બચ્ચને પાપાને જાણ કરી હતી. હકીકતમાં બન્ને એ વાત પર હસતા હતા કે દુનિયા આપણી વચ્ચે મનમેળ નથી એવી અફવા ઉડાડે છે તો આપણે એ નાટક ચાલુ રાખવું જોઈએ.’
પ્રકાશ મેહરા એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘લોકો એમ કહે છે કે મેં અમિતાભને ‘ઍન્ગ્રી યંગ મૅન’ બનાવીને સુપરસ્ટાર બનાવ્યો. હું એ શ્રેય નથી લેતો. તે સારા અભિનેતા છે. હું એક સફળ પ્રોડ્યુસર-ડિરેક્ટર છું. અમે બન્ને ઈમાનદારીથી અમારું કામ કરીએ છીએ. થોડા સમય પહેલાં મેં ફોન પર તેમની સાથે વાત કરી અને કહ્યું, ‘લાંબા સમયથી આપણે સાથે કામ નથી કર્યું. મારી પાસે એક સારી સ્ટોરી છે, ક્યારે મળવા આવું?’ તો કહે, ‘તમે નહીં, હું મળવા આવીશ.’ ‘કૌન બનેગા કરોડપતિ’નું શૂટિંગ પતાવી રાતે ૧૧ વાગ્યે તે ઘરે આવ્યા. મેં કહ્યું, ‘આજકાલ તમે શું ચાર્જ કરો છો?’ તો કહે, ‘મારે સ્ટોરી સિવાય બીજી કોઈ વાત નથી સાંભળવી, તમે હુકમ કરો.’ તેમને સ્ટોરી ગમી. સ્ક્રિપ્ટ તૈયાર થઈ એટલે ફોન કર્યો તો કહે, ‘મોકલાવી આપો.’ મેં કહ્યું, ‘હાથોહાથ આપવી છે. ક્યારે આવું?’ તો કહે, ‘હું લેવા આવીશ.’ આમ બીજી વાર તે ઘરે આવ્યા.’
પ્રકાશ મેહરાનું એ સપનું અધૂરું રહી ગયું. બૉક્સ-ઑફિસ પર ‘ઝંજીર’, ‘હાથ કી સફાઈ’, ‘હેરાફેરી’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘લાવારિસ’, ‘નમકહલાલ’ જેવી હિટ ફિલ્મો આપનાર પ્રકાશ મેહરાએ ૨૦૦૯ની ૧૭ મેના દિવસે વિદાય લીધી. તે કહેતા, ‘અમારા જેવા ફિલ્મમેકર્સ હકીકત નહીં, સપનાં દેખાડતા. અમે પાંચ-દસ રૂપિયામાં પ્રેક્ષકોને સ્વર્ગના સુખની અનુભૂતિ કરાવતા. એ નાનીસૂની વાત નથી.’
આ હકીકતનો ઇનકાર વિવેચકો સિવાય બીજું કોઈ નહીં કરે.

