Entertainment Updates: ઇક્કીસ હવે પહેલી જાન્યુઆરીએ રિલીઝ થશે; અનુષ્કા અને વિરાટે ઍરપોર્ટ પર દિવ્યાંગ ફૅન સાથે કર્યું ગેરવર્તન અને વધુ સમાચાર
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
લગ્ન પહેલાં રશ્મિકા મંદાનાએ ગર્લગૅન્ગ સાથે શ્રીલંકામાં માણ્યું વેકેશન

ADVERTISEMENT
રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડાની સગાઈ થઈ ગઈ છે અને તેઓ ૨૬ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં લગ્ન કરવાનાં છે એવા રિપોર્ટ છે. જોકે લગ્ન પહેલાં રશ્મિકાએ તેની ખાસ ગર્લગૅન્ગ સાથે શ્રીલંકામાં જબરદસ્ત વેકેશન માણ્યું છે અને તેણે આ વેકેશનની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. આ તસવીરો સાથે રશ્મિકાએ કૅપ્શન લખી છે કે ‘મને તાજેતરમાં બે દિવસની રજા મળી અને મેં મારી ગૅન્ગ સાથે ફરવાની તક ઝડપી. અમે શ્રીલંકામાં એક ખૂબ જ સુંદર જગ્યાએ ગયાં. ગર્લ્સ ટ્રિપ ભલે ગમે એટલી નાની હોય એ શ્રેષ્ઠ હોય છે.’
ઇક્કીસ હવે ૨૫ ડિસેમ્બરને બદલે પહેલી જાન્યુઆરીએ રિલીઝ થશે

હાલમાં બૉક્સ-ઑફિસ પર ‘ધુરંધર’ ધમાલ મચાવી રહી છે અને ૨૫ ડિસેમ્બરે કાર્તિક આર્યન-અનન્યા પાંડેની ‘મૈં તેરા તૂ મેરી, તૂ મેરી મૈં તેરા’ પણ રિલીઝ થવાની છે. આ સંજોગોમાં અગસ્ત્ય નંદાને લીડ રોલમાં ચમકાવતી દિવંગત અભિનેતા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’ની રિલીઝ પાછી ઠેલવામાં આવી છે. હવે મેકર્સ દ્વારા આ ફિલ્મ ૨૫ ડિસેમ્બરના બદલે પહેલી જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. સોશ્યલ મીડિયામાં મેકર્સે જે પોસ્ટ શૅર કરી છે એમાં લખ્યું છે કે ‘ઇક્કીસ – ૧ જાન્યુઆરી ૨૦૨૬. સાહસના વર્ષની શરૂઆત.’ આ પોસ્ટની કૅપ્શનમાં લખ્યું છે કે ‘આ વર્ષે પોતાને સાહસની ભેટ આપો. આ વીક-એન્ડમાં ‘ઇક્કીસ’નું ટ્રેલર સિનેમાઘરોમાં આવી રહ્યું છે. દિગ્ગજ ડિરેક્ટર શ્રીરામ રાઘવનની પહેલી વૉર ફિલ્મ સાથે એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. ભારતના સૌથી ઓછા ઉંમરના પરમવીર ચક્ર વિજેતા, સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલની સાચી વાર્તા. કેટલાક હીરો નાની ઉંમરમાં જ શહીદ થઈ જાય છે. સિનેમાઘરોમાં સાહસનો અનુભવ કરો. ‘ઇક્કીસ’ ૧ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.’
આલિયા ભટ્ટે જાહેરમાં કરી અનન્યા પાંડેને ઇગ્નૉર?

સોમવારે જુહુમાં આવેલી જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલમાં ફિલ્મફેર OTT અવૉર્ડ્સ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં આલિયા ભટ્ટ અને અનન્યા પાંડેએ હાજરી આપી હતી અને હવે તેમનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આલિયાએ અનન્યાને ઇગ્નૉર કરી હતી. આલિયા ફંક્શનમાં વિકી કૌશલ સહિત બધાને મળી, પણ બાજુમાં બેઠેલી અનન્યાથી હાથ પણ મિલાવ્યો નહીં. અનન્યા જ્યારે આલિયાને સામેથી મળવા ગઈ ત્યારે આલિયાએ તેને ઇગ્નૉર કરી હતી અને તેના કારણે અનન્યાના ચહેરા પર નારાજગી દેખાઈ રહી હતી.
અનુષ્કા અને વિરાટે ઍરપોર્ટ પર દિવ્યાંગ ફૅન સાથે કર્યું ગેરવર્તન

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ મંગળવારે વૃંદાવન પહોંચીને પ્રેમાનંદ મહારાજનાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. આ મુલાકાત પછી અનુષ્કા અને વિરાટ મુંબઈ પહોંચ્યાં હતાં અને અહીં ઍરપોર્ટ પર તેઓ દિવ્યાંગ ફૅન સાથે ગેરવર્તન કરતાં ઝડપાઈ જતાં ટ્રોલ થઈ રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે મુંબઈ ઍરપોર્ટ પર પહોંચેલાં અનુષ્કા અને વિરાટ પાસે એક દિવ્યાંગ ફૅને તસવીર ક્લિક કરવાની વિનંતી કરી, પણ સ્ટાર-કપલે તેની સામે જોયું પણ નહીં અને સીધાં પોતાની ગાડી તરફ આગળ વધી ગયાં. આ પછી તેમના બૉડીગાર્ડે ફૅનને હટાવી દીધો. અનુષ્કા અને વિરાટનું આ વલણ યુઝર્સને બિલકુલ પસંદ આવ્યું નથી અને લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.


