Bomb Scare in Mumbai: બોમ્બે હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા ટેન્શન; મુંબઈની બાંદ્રા અને એસ્પ્લેનેડ કોર્ટ પણ ખાલી કરાવવામાં આવી; નાગપુર ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટને પણ આજે બોમ્બની ધમકી મળી
બાંદ્રા કોર્ટને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા માહોલ ગરમાયો (તસવીરો : શાદાબ ખાન)
ગુરુવારે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) માં બોમ્બ હોવાની ધમકી (Bomb Scare in Mumbai) થી ગભરાટ ફેલાયો હતો, જેના કારણે માત્ર હાઈકોર્ટ જ નહીં પરંતુ મુંબઈ (Mumbai) ની અન્ય કોર્ટ પણ ખાલી કરાવવામાં આવી હતી.
મુંબઈ પોલીસ (Mumbai Police) એ દક્ષિણ મુંબઈના ફોર્ટ (Fort) વિસ્તારમાં સ્થિત બોમ્બે હાઈકોર્ટમાં બોમ્બ ડિટેક્શન યુનિટ ઝડપથી તૈનાત કર્યું હતું. સંપૂર્ણ તપાસ કર્યા પછી, અધિકારીઓએ પુષ્ટિ આપી કે પરિસરમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.
ADVERTISEMENT
બોમ્બે હાઈકોર્ટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ કરવામાં આવેલી કાર્યવાહીમાં મુંબઈ પોલીસે ધમકીભર્યા ઈમેલના સ્ત્રોતને શોધવા અને ધમકી પાછળની વ્યક્તિની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસ આ આ સંદેશ પાછળનો હેતુ જાણવા માટે કામ કરી રહી છે.
મુંબઈ પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, શહેરની અનેક કોર્ટ અને બેંકોને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી. એક નિવેદનમાં, કમિશનરે જનતાને ખાતરી આપી હતી કે, ‘ગભરાવાની કોઈ જરૂર નથી. કારણ કે પોલીસ ટીમો પહેલાથી જ અસરગ્રસ્ત વિસ્તારોનું ચોક્કસ અને સંપૂર્ણ નિરીક્ષણ કરી ચૂકી છે.’
અધિકારીઓએ સ્થળોને સુરક્ષિત કરવા માટે ઝડપથી કાર્યવાહી કરી, અને વ્યાપક તપાસ કર્યા પછી, પુષ્ટિ કરી કે ધમકી મળી છે પણ બોમ્બ જેવી કોઈ સામગ્રી નથી. ધમકીના મૂળની તપાસ ચાલુ છે.
બાંદ્રા કોર્ટને મળી બોમ્બની ધમકી
ઈમેલ દ્વારા બોમ્બ ધમકી મળ્યા બાદ ગુરુવારે બાંદ્રા કોર્ટ (Bandra Court) અને એસ્પ્લેનેડ કોર્ટ (Esplanade Court) ને હાઈ એલર્ટ પર રાખવામાં આવી હતી. મુંબઈ પોલીસે તાત્કાલિક સુરક્ષા તપાસ શરૂ કરી હતી અને પરિસરમાં સાવચેતીના પગલાં વધુ તીવ્ર બનાવ્યા હતા.
સ્થાનિક પોલીસ ટીમો અને બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સાવચેતીના પગલા તરીકે, કોર્ટની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી અને વકીલો, સ્ટાફ અને મુલાકાતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે અસરગ્રસ્ત કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું.
વધુમાં, પોલીસ અધિકારીઓએ વિસ્તારોને ઘેરી લીધા છે અને સુરક્ષા કડક બનાવી દીધી છે જ્યારે સાયબર ટીમો ધમકીભર્યા ઈમેલના સ્ત્રોતને શોધવા માટે કામ કરી રહી છે.
આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યારે, બાંદ્રા કોર્ટમાં અંદરથી કોઈને બહાર જવાની મંજૂરી નથી અને બહારથી કોઈને પ્રવેશવાની મંજૂરી નથી. આ જોતા લાગે છે કે, પરિસરની પરિસ્થિતિ ચિંતાજનક છે.
નાગપુર કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગુરુવારે નાગપુર જિલ્લા અને સત્ર અદાલત (Nagpur District and Sessions Court) ને પણ એક ઇમેઇલ મળ્યો જેમાં ઇમારતની અંદર બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ધમકીને કારણે પોલીસે પરિસરની તપાસ શરૂ કરી.
બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને સંબોધતા એક અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હજી સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી.
ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન (District Bar Association) ના પ્રમુખ રોશન બાગડે (Roshan Bagde) ના જણાવ્યા અનુસાર, સવારે કોર્ટના ઈમેલ આઈડી પર ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલી ઈમારતમાં ટૂંક સમયમાં બે RDX આધારિત વિસ્ફોટક ઉપકરણો ફૂટશે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા કોર્ટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડના કર્મચારીઓ પરિસરનું નિરીક્ષણ કરી રહ્યા છે.


