ત્રિમૂર્તિ ફિલ્મ્સે એના આઇકૉનિક ગીત ઓયે ઓયેના ગેરકાયદે ઉપયોગને લઈને કોર્ટમાં કેસ દાખલ કર્યો
વિવાદ ૧૯૮૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ત્રિદેવ’ના લોકપ્રિય ગીત ‘ઓયે ઓયે’ના હકોને લઈને છે
ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ જાણે સતત વિવાદોમાં ઘેરાઈ રહી છે. બૉક્સ-ઑફિસ પર મજબૂત કમાણી છતાં ફિલ્મને એક પછી એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હાલમાં ફિલ્મ કાયદાકીય મુસીબતમાં ફસાઈ ગઈ છે. હવે ત્રિમૂર્તિ ફિલ્મ્સે ‘ધુરંધર : ધ રિવેન્જ’માં તેમના આઇકૉનિક ગીત ‘ઓયે ઓયે’ના અનધિકૃત ઉપયોગને લઈને આદિત્ય ધરની કંપની બી62 સ્ટુડિયોઝ સામે કેસ દાખલ કર્યો છે.
એક રિપોર્ટ મુજબ આ સમગ્ર વિવાદ ૧૯૮૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ત્રિદેવ’ના લોકપ્રિય ગીત ‘ઓયે ઓયે’ના હકોને લઈને છે. ત્રિમૂર્તિ ફિલ્મ્સે આરોપ લગાવ્યો છે કે આદિત્ય ધરે આ ગીત અને એના જેવા જ વર્ઝનનો ઉપયોગ ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’માં કર્યો છે. કંપનીનો દાવો છે કે ગીતનો ઉપયોગ કરતાં પહેલાં તેમની પાસે કોઈ પરમિશન કે લાઇસન્સ લેવામાં આવ્યું નહોતું. આ ઉપરાંત કંપનીએ જણાવ્યું છે કે તેમના ગીત ‘તિરછી ટોપી વાલે’ની શરૂઆત પણ ‘ઓયે ઓયે’થી થાય છે અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ના મેકર્સે આ શરૂઆતના શબ્દો અને મ્યુઝિકનો ઉપયોગ ફિલ્મના ગીત ‘રંગ દે લાલ’ માટે કર્યો છે.
ADVERTISEMENT
ત્રિમૂર્તિ ફિલ્મ્સના દાવા પ્રમાણે આ ગીતના તમામ મ્યુઝિકલ રાઇટ્સ અને સાઉન્ડ રેકૉર્ડિંગના હકો ત્રિમૂર્તિ ફિલ્મ્સ પાસે જ છે અને તેઓ જ એના મૂળ માલિક છે. કંપનીએ આના ઉપયોગને કૉપીરાઇટ ઉલ્લંઘન ગણાવ્યું છે જેમાં ગીતને પરમિશન વગર ફરી બનાવવું અને જાહેર રીતે પ્રસારિત કરવું સામેલ છે. આ કેસમાં કંપનીએ કોર્ટ પાસે ગીતના આગળના ઉપયોગ પર રોક લગાવવાની, નુકસાનની ભરપાઈની અને અન્ય કાનૂની રાહતની માગણી કરી છે.
