અનુપમ ખેરને થયું પચાસ કરોડ રૂપિયાનું નુકસાન : આ ફિલ્મ રિલીઝના પાંચ દિવસમાં બે કરોડ સુધી પણ પહોંચી શકી નથી
‘તન્વી ધ ગ્રેટ’
અનુપમ ખેરે તાજેતરમાં ડિરેક્ટર તરીકે તેમની બીજી ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ રિલીઝ કરી. તેમણે આ ફિલ્મનો જોરદાર પ્રચાર કર્યો હતો. આમ છતાં આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર ખાસ સફળતા નથી મળી. આ ફિલ્મને ‘સૈયારા’ સાથે રિલીઝ કરવામાં આવી હતી અને ‘સૈયારા’ના વાવાઝોડામાં ‘તન્વી ધ ગ્રેટ’ ઊડી ગઈ છે. આ ફિલ્મ રિલીઝના પાંચ દિવસમાં બે કરોડ રૂપિયા સુધી પણ પહોંચી શકી નથી. અનુપમ ખેરે પોતે સ્વીકાર્યું કે આ ફિલ્મ બનાવવામાં તેમને ૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો અને આ રકમ તેમણે તેમના મિત્રો-પરિચિતોની મદદથી ભેગી કરી હતી. હવે આ ફિલ્મ નિષ્ફળ જતાં અનુપમ ખેરને ૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
પોતાની પરિસ્થિતિ વિશે વાત કરતાં અનુપમ ખેરે જણાવ્યું હતું કે ‘આ ફિલ્મની શરૂઆત કરતી વખતે જે વ્યક્તિએ શરૂઆતમાં આ ફિલ્મ માટે પૈસા આપવાની સંમતિ દર્શાવી હતી તેણે શૂટિંગ શરૂ થવામાં માત્ર થોડાં અઠવાડિયાં બાકી હતાં ત્યારે પીછેહઠ કરી હતી. જોકે આમ છતાં મેં આગળ વધવાનો નિર્ણય લીધો અને મારા પરિચિત ડૉક્ટરો અને વેપારીઓ પાસેથી પૈસા માગ્યા. આ ફિલ્મના ૧૦ નિર્માતા છે અને એને બનાવવામાં ઘણા લોકોએ પૈસા રોક્યા છે. હું આ પ્રોજેક્ટ પર કોઈ સ્ટુડિયો સાથે કામ કરવા માગતા નહોતો, કારણ કે હું એની સર્જનાત્મકતા જાળવી રાખવા માગતો હતો.’
ADVERTISEMENT
દિલ્હીમાં પણ ટૅક્સ-ફ્રી
અનુપમ ખેરની ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ ૧૮ જુલાઈએ થિયેટરમાં રિલીઝ થઈ હતી. બુધવારે દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ દિલ્હીમાં આ ફિલ્મને ટૅક્સ-ફ્રી જાહેર કરી છે. આ પહેલાં મધ્ય પ્રદેશમાં પણ ફિલ્મને ટૅક્સ-ફ્રી કરવામાં આવી હતી.
રેખા ગુપ્તાએ તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક પોસ્ટ શૅર કરીને લખ્યું હતું કે ‘મને એ જણાવતાં આનંદ થાય છે કે દિલ્હી સરકારે રાજ્યમાં ‘તન્વી ધ ગ્રેટ’ને ટૅક્સ-ફ્રી જાહેર કરી છે. દમદાર વાર્તા ધરાવતી આ ફિલ્મ એક યુવાન ‘સ્પેશ્યલ’ છોકરી તન્વીની પ્રેરણાદાયી કહાની છે જે અનેક મુશ્કેલીઓ છતાં પોતાનાં સપનાંઓને સાકાર કરવા માટે દૃઢ રહે છે. તન્વીની વાર્તા ભાવનાત્મક અને પ્રેરણાદાયી છે. અમે એવી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ જે રાષ્ટ્રસેવાની ભાવનાને મજબૂત કરે છે, દેશભક્તિની ભાવના જગાડે છે અને રાષ્ટ્રના આંતરાત્માને જાગૃત કરે છે. ફિલ્મની આખી ટીમને શુભેચ્છાઓ.’
કોઈ ઍક્ટરે ફી નથી લીધી : અનુપમ ખેર
‘તન્વી ધ ગ્રેટ’ના બૉક્સ-ઑફિસ કલેક્શન વિશે અનુપમ ખેરે કહ્યું હતું કે ‘આ ફિલ્મનું બજેટ ૫૦ કરોડ રૂપિયા છે અને કોઈ પણ ઍક્ટરે એના માટે કોઈ ફી લીધી નથી. આ ફિલ્મે જબરદસ્ત કલેક્શન નથી કર્યું. દુર્ભાગ્યે સિનેમા એટલો મોટો ધંધો બની ગયો છે કે આપણે એવું વિચારીએ છીએ કે જો કોઈ ફિલ્મ સારું પ્રદર્શન નથી કરતી તો એનો અર્થ એ છે કે એ સારી ફિલ્મ નથી. હું ફિલ્મનો કોઈ બચાવ નથી કરી રહ્યો. હું પણ બિઝનેસની દુનિયાનો ભાગ છું. આ ફિલ્મમાં અમારા ૧૦ સહનિર્માતા છે. આ એક ક્રાઉડ-ફન્ડિંગવાળી ફિલ્મ છે. મેં કહ્યું કે ફિલ્મ રિલીઝ થયા પછી હું પૈસા પાછા આપીશ, પરંતુ એમાંથી કોઈએ પણ પૈસા માગ્યા નથી. મારા તમામ ઍક્ટર્સે નક્કી કર્યું છે કે જ્યાં સુધી મારી પાસે પૈસા ન આવે ત્યાં સુધી તેઓ મારી પાસેથી પૈસા નહીં લે. હું અરવિંદ સ્વામી, જૅકી શ્રોફ, પલ્લવી જોશી અને બમન ઈરાની પાસે ગયો અને કહ્યું કે હું તમને પૈસા આપી દઈશ. ત્યારે તેમણે કહ્યું કે તેઓ ત્યારે જ પૈસા લેશે જ્યારે મારી પાસે આવી જશે.’


