આ આદેશ આજના સમયમાં ઝડપથી વધી રહેલી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેક ટેક્નૉલૉજીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે
અલ્લુ અર્જુનની ફાઇલ તસવીર
તેલુગુ સિનેમાના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને દિલ્હી હાઈ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે તેના પક્ષમાં ચુકાદો આપીને અનેક કંપનીઓ અને પ્લૅટફૉર્મ્સને તેના નામ, ચહેરો, અવાજ અને ઓળખ સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુનો તેની મંજૂરી વગર ઉપયોગ કરવા પર રોક લગાવી છે. આ આદેશ આજના સમયમાં ઝડપથી વધી રહેલી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેક ટેક્નૉલૉજીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે.
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે અલ્લુ અર્જુન દેશનો જાણીતો અને સન્માનિત કલાકાર છે, જેણે વર્ષોની મહેનતથી પોતાની અલગ ઓળખ બનાવી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અલ્લુ અર્જુનની ઓળખ સાથે જોડાયેલી દરેક બાબત તેની અનોખી ઓળખ છે અને તેનો અનુમતિ વગર ઉપયોગ કરવો ગેરકાયદેસર છે.
ADVERTISEMENT
કોર્ટના આદેશ મુજબ, કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા અલ્લુ અર્જુનની ઓળખનો ઉપયોગ વ્યક્તિગત કે વ્યાપારિક લાભ માટે કરી શકશે નહીં. આ પ્રતિબંધ ડિજિટલ તેમ જ ઑફલાઇન બન્ને પ્રકારનાં પ્લૅટફૉર્મ્સ પર લાગુ રહેશે જેમાં AI, જનરેટિવ AI, મશીન લર્નિંગ, ડીપફેક અને ફેસ મૉર્ફિંગ જેવી ટેક્નૉલૉજીનો સમાવેશ થાય છે. આ સાથે જ કોર્ટે આદેશ આપ્યો કે આવું કન્ટેન્ટ ધરાવતી તમામ વેબસાઇટ્સ અને લિંક્સને ૭૨ કલાકની અંદર હટાવવામાં આવે.
