Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નાપાક પહલગામ અટૅકની આજે પહેલી વરસી

નાપાક પહલગામ અટૅકની આજે પહેલી વરસી

Published : 22 April, 2026 07:22 AM | Modified : 22 April, 2026 09:40 AM | IST | Pahalgam
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશે બદલો તો લીધો, પણ હુમલામાં સ્વજનને ગુમાવનારા લોકોના ઘા હજી સુકાયા નથી

ગઈ કાલે પહલગામમાં લિદર નદીના કાંઠે તસવીરો ખેંચાવી રહેલા સહેલાણીઓ.

ગઈ કાલે પહલગામમાં લિદર નદીના કાંઠે તસવીરો ખેંચાવી રહેલા સહેલાણીઓ.


આજે પહલગામ હુમલાની પહેલી વરસી છે અને આજે કાશ્મીરના તમામ ટૂરિસ્ટ-સ્પૉટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષા-એજન્સીઓ અલર્ટ મોડમાં છે. ૨૦૨૫માં આજના દિવસે શ્રીનગરથી લગભગ ૯૫ કિલોમીટર દૂર બૈસરન વૅલીમાં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને ૨૬ લોકોની હત્યા કરી હતી. ત્યારથી બૈસરન વૅલી બંધ છે. અહીં કોઈને ચોક્કસ મર્યાદાથી આગળ મુસાફરી કરવાની મંજૂરી નથી. હાલમાં પહલગામનાં અન્ય પર્યટનસ્થળો, બેતાબ વૅલી અને ચંદનવાડી સુધી પહોંચવા પર કોઈ પ્રતિબંધ નથી.

પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતીય ઍરફોર્સે ૨૦૨૫માં ૬ અને ૭ મેની રાતે પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં હવાઈ હુમલા કર્યા હતા અને ફક્ત ૨૫ મિનિટ ચાલેલા આ ઑપરેશનમાં ૭ શહેરોમાં ૯ આતંકવાદી ઠેકાણાંઓનો નાશ કરવામાં આવ્યો હતો અને એનું નામ ઑપરેશન સિંદૂર રાખવામાં આવ્યું હતું.



ટૂરિસ્ટ ઘટી ગયા


છેલ્લા એક વર્ષમાં સુરક્ષાના કારણસર ટૂરિસ્ટોની સંખ્યામાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો થયો છે અને મહત્ત્વનું એ છે કે બૈસરન વૅલી ખોલવામાં આવી ન હોવાથી સ્થાનિક લોકોમાં ગુસ્સો છે. ટૂરિસ્ટો પર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે એથી તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે.

સેનાનો સ્પષ્ટ સંદેશ


ભારતીય સેનાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર આતંકવાદીઓ અને તેમના હૅન્ડલરોને ચેતવણી આપતો સંદેશ પોસ્ટ કર્યો હતો અને આ પોસ્ટમાં ઑપરેશન સિંદૂર અને ભારતનો નકશો દર્શાવવામાં આવ્યો છે. સેનાએ લખ્યું હતું કે ‘ક્યારેય ચોક્કસ મર્યાદાઓ ઓળંગવી ન જોઈએ. ભારત કંઈ ભૂલ્યું નથી. જ્યારે માનવતાની મર્યાદાઓ ઓળંગવામાં આવે છે ત્યારે યોગ્ય જવાબ આપવામાં આવે છે. ન્યાય મળ્યો છે. ભારત એકજૂટ છે.’

હવે મજબૂત સુરક્ષા

પહલગામની મુલાકાત લેતા પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે ઘણાં પગલાં લેવામાં આવ્યાં છે. દરેક સર્વિસ-પ્રોવાઇડરની ચકાસણી કરવામાં આવે છે, તેમનું રજિસ્ટ્રેશન થાય છે અને એની વ્યક્તિગત માહિતી અને અન્ય વિગતો ધરાવતો એક અનોખો ક્વિક રિસ્પૉન્સ (QR) કોડ આપવામાં આવે છે. બૈસરન વૅલી જેવા પહાડી વિસ્તારોમાં પંદરથી ૨૦ સૈનિકોની ટીમ તહેનાત કરવામાં આવી છે. પોની ગાઇડથી લઈને ટૅક્સી-ડ્રાઇવરો સુધી, ત્યાં કામ કરતા દરેકને ઓળખવા માટે ‘સ્કૅન મી’ સુવિધા લાગુ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૭૦૦૦ લોકો ઉમેરવામાં આવ્યા છે.

એકનાથ શિંદેએ ઘર બાંધી આપ્યું બલિદાન આપનારા આદિલના પરિવારને

પોની ગાઇડ આદિલ હુસેન શાહે બાવીસમી એપ્રિલના હુમલામાં એક આતંકવાદીને પકડવાનો પ્રયાસ કરતાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આદિલના પિતા હૈદરને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ૧૦ લાખ રૂપિયાની સહાય આપી હતી જેમાંથી તેમણે એક નવું ઘર બનાવ્યું છે. આદિલની પત્નીને સરકારી નોકરી મળી છે. તેનો એક ભાઈ નોકરી કરે છે. 

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પહલગામ હુમલામાં જીવ ગુમાવનારા પોનીવાલા આદિલ હુસૈન શાહના પિતા સૈયદ હૈદર શાહને ગઈ કાલે ઘર સોંપ્યું હતું અને ઉદ‍્ઘાટનમાં ઑનલાઇન ભાગ લીધો હતો.

પહલગામના અટૅક માટે ભારતે ‘ઑપરેશન સિંદૂર’ થકી બદલો તો લઈ લીધો, પરંતુ એક વર્ષ પછી હજીયે સ્વજન ગુમાવનારા પરિવારોના ઘા સુકાયા નથી 

સરકારે પ્રૉમિસ પૂરાં કર્યાં છે, પણ આઘાતમાંથી બહાર આવવું અઘરું છે

એક વર્ષ પસાર થઈ ગયું, પરંતુ હું હજીયે ૨૦૨૫ની ૨૨ એપ્રિલમાં જ અટકેલી છું. મારી આંખો ખુલ્લી હોય કે બંધ, મને તેમનો ચહેરો અને ગોળીઓથી વીંધાઈને લોહીથી લથબથ તેમનું પાર્થિવ શરીર જ દેખાયા કરે છે. આપણી સરકારે ખરેખર અમારી પીડા સમજીને ઑપરેશન સિંદૂર હાથ ધર્યું, જોકે હું સરકારને કહીશ કે આવી ઘટના ફરી ક્યારેય ન બને એ સુનિશ્ચિત કરે. અમે આ ઘટના પછી ખૂબ ખરાબ સમયમાંથી પસાર થયા, સરકારે આપેલાં પ્રૉમિસ પૂરાં કર્યાં છે, એ પછી પણ આ આઘાતમાંથી બહાર આવવું અઘરું છે.  - પુણેના સંતોષ જગદાળેનાં પત્ની પ્રગતિ જગદાળે

મારી જિંદગી એ જ દિવસે ખતમ થઈ ગઈ હતી, હવે હું માત્ર શ્વાસ લઈ રહ્યો છું

પહેલાંની જિંદગીમાં અમે ખુશ હતા, ભગવાનની કૃપા હતી. પરંતુ ગયા વર્ષે એક પળમાં અમારી જિંદગી સાવ જ ઊલટપુલટ થઈ ગઈ. પગ તળેથી ધરતી સરકી ગઈ છે અને હજીયે મારી જાતને સંભાળવાનું મુશ્કેલ છે. મનમાં એટલો ભાર છે કે કોઈને કહી નથી શકતો, કેમ કે પત્ની અને પરિવારને સાચવાનો છે. દીકરાને ગુમાવ્યાના સમાચાર સાંભળ્યા ત્યારે જ મારી જિંદગી ખતમ થઈ ગઈ હતી, હવે હું માત્ર શ્વાસ લઈ રહ્યો છું. - હરિયાણાના કર્નાલના ભારતીય નેવી ઑફિસર લેફ્ટન્ટ વિનય નરવાલના પિતા રાજેશ નરવાલ

વળતર અને નોકરી આપવી એ સરકારની જવાબદારી છે, હું માગવા નથી જવાની

પહલગામમાં ધર્મ પૂછીને લોકોનો નરસંહાર થયો હતો. આ ભયાવહ હુમલાથી પ્રભાવિત કેટલાક પરિવારોના હું સંપર્કમાં છું. કોઈકની પત્ની, કોઈના પતિ તો કોઈનો દીકરો જતો રહ્યો. અમારી માગણી છે કે આ તમામ પીડિતોને શહીદનો દરજ્જો આપવામાં આવે. મારા માટે તો મારા પતિ હંમેશાં શહીદ શુભમ દ્વિવેદી જ રહેશે. મને દેશની બેટી કહેવામાં આવી હતી, હવે વળતર અને નોકરી આપવી એ સરકારની જવાબદારી છે. હું માગવા નથી જવાની. આપણી સેના લગાતાર આતંક સામે કડક કાર્યવાહી કરી રહી છે. જોકે આ ઊંડો ઘા ભરાવામાં ખબર નહીં કેટલો સમય લાગશે. - કાનપુરના શુભમ દ્વિવેદીની પત્ની એશન્યા દ્વિવેદી

મારી લાગણીઓ સુકાઈ ગઈ છે, ચાર વર્ષના દીકરા માટે જીવું છું

એ દિવસે અચાનક જ મારું બધું જ છીનવાઈ ગયું. મારો ઇમોશનલ આધારસ્તંભ છીનવાઈ ગયો. મારા સાડાચાર વર્ષના દીકરાએ તેના પપ્પાને લોહીમાં લથબથ જોયા ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો હતો. હવે તેમનો ફોટો મારી ક્લિનિકમાં છે, તેમની મૂક હાજરી મને જીવવાનું બળ આપે છે. એ આઘાતને જીરવી શકું એ માટે હું આખો દિવસ મારી જાતને કામમાં વ્યસ્ત રાખું છું. સહેજ નવરી પડું તો નજર સામે એ દૃશ્યો તરવરવા લાગે છે. મારો દીકરો પણ શાંત અને ગંભીર છે, હવે મારી જિંદગી તેના માટે જ છે. - બૅન્ગલોરના ભારત ભૂષણનાં પત્ની ડૉ. સુજાતા ભૂષણ 

Whatsapp-channel Whatsapp-channel

22 April, 2026 09:40 AM IST | Pahalgam | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK