કોઈ પરવાનગી કે સુરક્ષા વગર ચાલતી આવી ફૅક્ટરીઓ બંધ કરાવવા રહેવાસીઓની અપીલ
આગ બાદ આખી ફૅક્ટરીનો માત્ર કાટમાળ જ બચ્યો હતો.
વાડા તાલુકામાં ગેરકાયદે રીતે કાર્યરત એક ફટાકડાની ફૅક્ટરીમાં આજે બ્લાસ્ટ થતાં એક કામદારે જીવ ગુમાવ્યો છે અને પાંચ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ફૅક્ટરીમાં કુલ ૩૨ કામદારો કામ કરે છે.
વિસ્ફોટની તીવ્રતા એટલી જોરદાર હતી કે થોડા સમય માટે વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. પ્રાથમિક માહિતી મુજબ આ ફૅક્ટરી ગેરકાયદે રીતે કાર્યરત હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ ફૅક્ટરીમાં સૂતળીબૉમ્બ તેમ જ અન્ય ફટાકડા બનાવવામાં આવતા હતા. ફટાકડા બનાવવાનું કામ કોઈ પણ સલામતીનાં પગલાં કે પરવાનગી વિના ચાલી રહ્યું હતું એને કારણે કામદારોના જીવ સામે મોટું જોખમ ઊભું થયું છે.
ADVERTISEMENT
નાગરિકો તરફથી એવી જોરદાર માગણી ઊઠી છે કે દોષીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વાડા તાલુકામાં કાર્યરત તમામ અનધિકૃત ફટાકડાની ફૅક્ટરીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને એને બંધ કરવામાં આવે.
