Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલીવુડમાં અચાનક સળવળાટ, દિલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થી-આંદોલન વિશે આખરે નિવેદનો આવવા માંડ્યાં

બૉલીવુડમાં અચાનક સળવળાટ, દિલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થી-આંદોલન વિશે આખરે નિવેદનો આવવા માંડ્યાં

Published : 24 July, 2026 12:21 PM | Modified : 24 July, 2026 12:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને લઈને હવે બૉલીવુડમાં પણ હલચલ જોવા મળી રહી છે. ઘણા કલાકારો સોશિયલ મીડિયા અને જાહેર નિવેદનો દ્વારા વિદ્યાર્થીઓના સમર્થનમાં આગળ આવી રહ્યા છે અને શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા તથા ન્યાયની માંગ કરી રહ્યા છે.

કમલ હાસન, ટ્‌વિન્કલ ખન્ના, ઈમરાન ખાન, રણવીર સિંહ

કમલ હાસન, ટ્‌વિન્કલ ખન્ના, ઈમરાન ખાન, રણવીર સિંહ


બાળકોને જવાબના બદલે બૅરિકેડ્સ અને લાઠીઓ મળે ત્યારે સમજવું જોઈએ કે દેશ નિષ્ફળ ગયો છે : કમલ હાસન

સોશ્યલ મીડિયામાં લાંબી પોસ્ટ શૅર કરતાં કમલ હાસને લખ્યું હતું કે હાલની વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગઈ છે. તેમણે લખ્યું હતું કે ‘જ્યારે એક બાળક રડ્યું હતું ત્યારે જ આપણે તેની વાત સાંભળવી જોઈતી હતી. તેના બદલે આપણે ત્યાં સુધી રાહ જોઈ જ્યાં સુધી આપણાં અનેક બાળકોના જીવ ન ગયા. જે વ્યવસ્થામાં ભણતરનું સ્થાન કોચિંગ લઈ લે, જિજ્ઞાસાનું સ્થાન ચિંતા લઈ લે અને લાયકાતનું સ્થાન ગેરરીતિ લઈ લે એવી વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગઈ છે. જ્યારે કોઈ દેશમાં બાળકોને જવાબના બદલે બૅરિકેડ્સ અને લાઠીઓ મળે ત્યારે સમજવું જોઈએ કે એ દેશ નિષ્ફળ ગયો છે. સોનમ વાંગચુક, આગળની સફર માટે દેશને તમારા અંતરાત્માના અવાજની જરૂર છે. કૃપા કરીને તમારું અનશન સમાપ્ત કરો.’
આ પછી કમલ હાસને દેશના યુવાનોને સંબોધતાં વધુમાં લખ્યું હતું કે ‘તમે આપણા બધામાં સૌથી શ્રેષ્ઠ છો. તમે તમારી ફરજ નિભાવી છે. હવે દેશની ફરજ છે કે એ તમારા પ્રત્યે પોતાની જવાબદારી નિભાવે. તમારાં સપનાં હંમેશાં અમારી નિષ્ફળતાઓ કરતાં મોટાં રહે.’



ટ્‌વિન્કલને  કેમ ગર્વ થઈ રહ્યો છે આ દેશના નાગરિક હોવાનો ?


લેખિકા અને ભૂતપૂર્વ ઍક્ટ્રેસ ટ્‌વિન્કલ ખન્નાએ દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી-આંદોલન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ની સંસદકૂચ દરમ્યાન દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યા પછી હવે ટ્‌વિન્કલે સોશ્યલ મીડિયા પર વિદ્યાર્થીઓના સમર્થનમાં એક ઇમોશનલ પોસ્ટ શૅર કરી હતી.
ટ્‌વિન્કલે પોતાની પોસ્ટમાં દિલ્હી અને મુંબઈમાં ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનની અનેક તસવીરો શૅર કરી હતી. આ તસવીરો સાથે ટ્‌વિન્કલે લખ્યું હતું કે ‘મને ગર્વ છે કે હું એવા દેશની નાગરિક છું જ્યાં આપણા યુવાનોમાં આજે પણ અસહમતી વ્યક્ત કરવાની, અન્યાય સામે ઊભા રહેવાની અને ટિયર ગૅસ તેમ જ લાઠીચાર્જનો સામનો કરવાની હિંમત છે. દુઃખની વાત માત્ર એટલી છે કે તેમને આવું કરવું પડી રહ્યું છે.’

વિદ્યાર્થીઓના સમર્થન માટે મુંબઈના રસ્તાઓ પર ઊતર્યો ઇમરાન ખાન


કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિદ્યાર્થી-આંદોલનને સોશ્યલ મીડિયા પર સમર્થન આપ્યા બાદ ઍક્ટર ઇમરાન ખાન મુંબઈના રસ્તાઓ પર પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં ઊતર્યો હતો. દિલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થી-આંદોલનને ટેકો આપવા માટે તે મુંબઈમાં યોજાયેલી વિરોધ-માર્ચમાં જોડાયો હતો. પ્રદર્શન દરમ્યાન ઇમરાન ખાને એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘સાચી કળામાં હંમેશાં કલાકારનો વ્યક્તિગત દૃષ્ટિકોણ સમાયેલો હોય છે. માનવસ્વભાવ મુજબ આપણા દરેકના પોતાના વિચારો અને અભિપ્રાયો હોય છે. જો તમે તમારા વિચારોની સાથે ઊભા રહી શકતા નથી અને તમારી કળામાં તમારું દિલનું ઊંડાણ નથી તો તમારી કળાનું કોઈ મૂલ્ય નથી.’

 ફૅન્સને સતાવતો સવાલ : અમિતાભ બચ્ચન, આમિર ખાન, શાહરુખ ખાન અને રણવીર સિંહ કેમ કંઈ નથી બોલતા?

દિલ્હીના જંતરમંતર ખાતે ચાલી રહેલા વિદ્યાર્થી-આંદોલનને હવે દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને સંસદકૂચ દરમ્યાન દિલ્હી પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થયો અને ટિયર ગૅસનો ઉપયોગ કરાયો હોવાના વિડિયો વાઇરલ થયા બાદ આ મુદ્દે ચર્ચા વધુ તેજ બની છે. અગાઉનાં દેશવ્યાપી આંદોલનોથી અલગ આ વખતે બૉલીવુડના અનેક કલાકારોએ મોડેમોડે પણ વિદ્યાર્થીઓને સમર્થન આપવાનું શરૂ કર્યું છે. સારો એવો સમય ચૂપ રહ્યા બાદ સલમાન ખાન, આલિયા ભટ્ટ, વરુણ ધવન જેવા અનેક સ્ટાર્સે વિદ્યાર્થીઓના આંદોલનના સમર્થનમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. જોકે ઘણા સ્ટાર્સે આ મુદ્દે ન બોલવાનો અભિગમ અપનાવ્યો છે અને ફૅન્સને આના કારણે આશ્ચર્ચ થઈ રહ્યું છે. 
આંદોલન વિશે કંઈ ન કહેવાનું પસંદ કરનારા સ્ટાર્સમાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, આમિર ખાન, રણવીર સિંહ, અક્ષય કુમાર, રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, જાહ્‌નવી કપૂર અને કૅટરિના કૈફ જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. તાજેતરમાં કૅટરિનાની ચુપકીદીથી નિરાશ થયેલા એક ચાહકે તો ૭૦,૦૦૦થી વધુ ફૉલોઅર્સ ધરાવતા ફૅન-પેજને બંધ કરવાની પણ જાહેરાત કરી હતી. આ પહેલાં ૨૦૨૦માં દીપિકાએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું, પણ આ વખતે તેણે વિવાદથી દૂર રહેવાનું પસંદ કર્યું છે.

શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન એ લોકશાહીનો અધિકાર, પણ આશા રાખું છું કે આ આંદોલન વિદ્યાર્થીઓનું જ રહે : વરુણ

ધવન

વરુણે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને લખ્યું હતું કે ‘વિદ્યાર્થીઓ આપણા દેશનું ભવિષ્ય છે. જ્યારે કોઈ વિદ્યાર્થીનું સપનું તૂટી જાય છે ત્યારે માત્ર એક વ્યક્તિનું નહીં પણ આખા પરિવારનું સપનું તૂટી જાય છે. જ્યારે વિદ્યાર્થીઓને લાગે કે વ્યવસ્થાએ તેમની સાથે ન્યાય કર્યો નથી ત્યારે તેમને પ્રશ્ન પૂછવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમના અવાજને સાંભળવો જોઈએ, તેમની સુરક્ષા કરવી જોઈએ અને તેમની ચિંતાઓનો નિષ્ઠાપૂર્વક ઉકેલ લાવવો જોઈએ.’
વરુણે પોતાની પોસ્ટમાં ભારપૂર્વક જણાવ્યું કે આ આંદોલન દરમ્યાન કેન્દ્રબિંદુ માત્ર વિદ્યાર્થીઓ અને તેમની માગણીઓ જ હોવી જોઈએ. વિદ્યાર્થીઓનો પક્ષ રજૂ કરીને વરુણ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘હું સંબંધિત સત્તાધીશોને અપીલ કરું છું કે તેઓ વિદ્યાર્થીઓની ચિંતાઓને ગંભીરતાથી સાંભળે અને ન્યાયસંગત, પારદર્શક તથા અર્થપૂર્ણ ઉકેલ તરફ આગળ વધે, જેથી જવાબદારી પણ નિશ્ચિત થઈ શકે. આ સાથે જ હું દિલથી આશા રાખું છું કે આ આંદોલન વિદ્યાર્થીઓનું જ રહે. ધ્યાન માત્ર વિદ્યાર્થીઓને અસર કરતા મુદ્દાઓ અને તેમને મળવા જોઈએ એવા ઉકેલો પર જ કેન્દ્રિત રહેવું જોઈએ. શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન કરવું એ લોકશાહીનો અધિકાર છે અને દરેક વિદ્યાર્થીને આ અધિકારનો ઉપયોગ કરવાની સંપૂર્ણ છૂટ હોવી જોઈએ. જય હિંદ.’

નવી પેઢી માત્ર એટલું જ ઇચ્છે છે કે ન્યાય અપવાદ નહીં પણ મૂળભૂત અધિકાર બને

અનન્યા પાંડે જેન-ઝીનાં વખાણ કરતાં કહ્યું કે તેઓ કોઈ શૉર્ટ-કટ નથી ઇચ્છતા

નવી જનરેશનની ઍક્ટ્રેસ ગણાતી અનન્યા પાંડેએ દિલ્હીમાં જંતરમંતર ખાતે ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપીને જેન-ઝીનાં વખાણ કર્યાં છે. આ મામલે પોતાનો વિચાર વ્યક્ત કરતાં અનન્યાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે કે ‘જેન-ઝીનાં હંમેશાં અનેક પ્રકારના લેબલ લગાવવામાં આવ્યાં છે... અને એમાંના બધાં જ સકારાત્મક નહોતાં, પણ કદાચ આ ક્ષણ આપણને યાદ અપાવી રહી છે કે આ પેઢી ખરેખર કેવી છે. આ એવી પેઢી છે જે હવે ‘હંમેશાંથી આવું જ થતું આવ્યું છે’ કહીને બધું સ્વીકારવા તૈયાર નથી. તેઓ કોઈ શૉર્ટ-કટ નથી ઇચ્છતા. તેઓ માત્ર એટલું જ ઇચ્છે છે કે ન્યાય અપવાદ નહીં પણ મૂળભૂત અધિકાર બને. પ્રશ્ન પૂછવો એ કોઈનું અપમાન નથી. પોતાનો અવાજ ઉઠાવવો એ બળવો નથી. એ તો આશા છે. એ વિશ્વાસ છે કે પરિસ્થિતિ વધુ સારી બની શકે છે અને પરિવર્તનની શરૂઆત પણ આવી જ રીતે થાય છે. મને મારા દેશ અને દેશના લોકો પ્રત્યે ખૂબ પ્રેમ છે. જય હિંદ.’

આશાવાદી દેશપ્રેમી તરીકે મને પૂરો વિશ્વાસ છે કે આપણી સરકાર વિદ્યાર્થીઓને ન્યાય આપશે : સારા અલી ખાન

સારા અલી ખાને વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપતાં કહ્યું છે કે તેમનો વિરોધ દેશપ્રેમની સાચી ભાવનાની યાદ અપાવે છે. સારાએ સોશ્યલ મીડિયામાં ઇમોશનલ નોંધ શૅર કરીને લખ્યું હતું કે ‘આપણા વિદ્યાર્થીઓ જ આપણું ભવિષ્ય છે અને તેમનું ભવિષ્ય આપણા દેશના હૃદય સાથે સીધું જોડાયેલું છે. તેમનો અડગ સંકલ્પ એક એવી શાંત પણ ક્યારેય ન બુઝાતી જ્યોતની જેમ પ્રગટે છે જે મારી આંખોમાં આંસુ લાવી દે છે. એ આપણને યાદ અપાવે છે કે સાચો દેશપ્રેમ તો એવા બહાદુર લોકોના હૃદયમાં ધબકે છે જેઓ પોતાના વિશ્વાસ માટે નિર્ભયતાથી ઊભા રહેવાની હિંમત રાખે છે. વધુ સારું અને સુરક્ષિત ભવિષ્ય મેળવવા માટે તેમની હિંમત અને દૃઢ નિશ્ચય પ્રેરણાદાયક પણ છે અને અંતરાત્માને હલાવી નાખે એવો પણ છે. આ આપણા સૌની સામૂહિક જાગૃતિનો શક્તિશાળી સંદેશ છે. આપણે ખુલ્લા હૃદયથી તેમની વાત સાંભળવી જોઈએ, તેમની ચિંતા કરવી જોઈએ અને તેમની સાથે ખભેખભા મિલાવીને ચાલવું જોઈએ. તેમનાં સપનાં આપણાં સપનાં સાથે ગૂંથાયેલાં છે અને આપણાં સપનાં તેમનાં સપનાંમાં જીવંત છે. એક આશાવાદી દેશપ્રેમી તરીકે મને પૂરો વિશ્વાસ છે કે આપણી સરકાર વિદ્યાર્થીઓને ન્યાય આપશે. જય હિંદ.’

મેં તો તેની કૉન્સર્ટની ટિકિટ જ કૅન્સલ કરાવી દીધી

પેપર લીક અને શિક્ષણપ્રધાનના રાજીનામાની માગણી સાથે ચાલી રહેલા વિદ્યાર્થી-આંદોલનને જ્યાં બૉલીવુડના અનેક કલાકારો હવે ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે ત્યાં સોનુ નિગમનું તાજેતરનું નિવેદન ટીકાનું કારણ બન્યું. એક કાર્યક્રમમાં સોનુ નિગમને પણ આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો હતો. જોકે સોનુએ આ સવાલનો જવાબ આપવાને બદલે સવાલ અધવચ્ચે જ અટકાવીને માત્ર એટલું જ કહ્યું હતું કે ‘હું અહીં શા માટે આવ્યો છું... બસ, બસ.’
આ પછી સોનુને જ્યારે આગળ વધુ સવાલ પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેણે ફરી કહ્યું હતું કે ‘હવે બસ... પૂરતું થયું.’ તેના આ જવાબ બાદ સોશ્યલ મીડિયા પર અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી અને ઘણા લોકો તો કહી રહ્યા છે કે ‘મેં તો તેની કૉન્સર્ટની ટિકિટ જ રદ કરાવી દીધી.’ આ સિવાય કેટલાક લોકોએ તેને બૉયકૉટ કરવાની ડિમાન્ડ પણ ઉઠાવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2026 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK