અનુરાગ કશ્યપ ફિલ્મને લઈને પબ્લિસિટી કરી રહ્યો છે એવું પણ કહેવામાં આવ્યું હતું.

અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપને હાલમાં જ ટ્વીટ પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યો છે. અનુરાગ કશ્યપે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ કે તેની ફિલ્મ ‘કેનેડી’ તેણે ચિયાન વિક્રમને ધ્યાનમાં રાખીને બનાવી હતી, પરંતુ તેણે જ્યારે તેનો સંપર્ક કર્યો હતો ત્યારે તેને કોઈ રિસ્પૉન્સ નહોતો મળ્યો. ચિયાન વિક્રમનું ઓરિજિનલ નામ કેનેડી છે અને એથી આ ફિલ્મનું નામ પણ એ રાખવામાં આવ્યું હતું. આ સમાચાર જ્યારે ખૂબ જ ફેલાયા ત્યારે વિક્રમે ટ્વીટ કર્યું કે ‘ડિયર અનુરાગ કશ્યપ, આપણા ફ્રેન્ડ્સ અને સોશ્યલ મીડિયા પર જેટલા શુભેચ્છકો છે એ માટે હું એક વર્ષ પહેલાંની આપણી વાતચીતને ફરી યાદ કરી રહ્યો છું. મને અન્ય ઍક્ટર પાસેથી જ્યારે જાણવા મળ્યું કે તેં એક ફિલ્મ માટે મારો સંપર્ક કરવાની કોશિશ કરી અને તને લાગ્યું કે મેં રિસ્પૉન્સ નહોતો આપ્યો ત્યારે મેં સામેથી ફોન કરીને તને સમજાવ્યું હતું કે તેં જે ઈ-મેઇલ આઇડી પર મેસેજ કર્યો હતો એ ઍક્ટિવ નથી અને જે મોબાઇલ-નંબર પર ટેક્સ્ટ કર્યું હતું એ બે વર્ષ પહેલાં બંધ થઈ ગયો હતો. મેં એ ફોન કૉલમાં એમ પણ કહ્યું હતું કે હું તારી ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહી છું, કારણ કે તારી ફિલ્મનું નામ કેનેડી છે, જે મારું નામ છે. તને ઘણીબધી શુભેચ્છા. તને ઘણોબધો પ્રેમ. ચિયાન વિક્રમ, જેને કેનેડી પણ કહેવામાં આવે છે.’
વિક્રમના આ ટ્વીટ બાદ સોશ્યલ મીડિયા પર તેના ફૅન્સ અનુરાગ કશ્યપ પર તૂટી પડ્યા હતા. તે ફિલ્મને લઈને પબ્લિસિટી કરી રહ્યો છે એવું પણ કહેવામાં આવ્યું હતું. વિક્રમના આ ટ્વીટ બાદ અનુરાગ કશ્યપે ટ્વીટ કર્યું હતું કે ‘બૉસ સર, તમારી વાત એકદમ સાચી છે. લોકેની માહિતી માટે હું એ જણાવવા માગું છું કે તેમને અન્ય ઍક્ટર પાસેથી જ્યારે જાણવા મળ્યું ત્યારે તેમણે સામેથી મને કૉલ કર્યો હતો અને મને જણાવ્યું હતું કે તેમનો વૉટ્સઍપ નંબર અલગ છે. તેમણે ત્યાર બાદ તેમનો કૉન્ટૅક્ટ કરવા માટે ડીટેલ્સ આપી હતી અને મારી સ્ક્રિપ્ટ વાંચવા પણ તેમણે ઇન્ટરેસ્ટ દેખાડ્યો હતો. જોકે ત્યાં સુધી બધું ફાઇનલ થઈ ગયું હતું અને શૂટિંગ શરૂ કરવામાં એક મહિનો જ બાકી હતો. ‘કેનેડી’ નામનો ઉપયોગ કરવા માટે તેમણે તેમના આશીર્વાદ પણ આપ્યા હતા. મેં જ્યારે ઇન્ટરવ્યુમાં આ સ્ટોરી કહી હતી એ ફિલ્મ ‘કેનેડી’ નામ કેવી રીતે રાખવામાં આવ્યું એ વિશે મેં જણાવ્યું હતું. કોઈ પણ ઓવરરીઍક્શન આપવાની જરૂર નથી. તેમ જ હું અથવા તો ચિયાન સર બેમાંથી એક પણ અમે સાથે કામ ન કરીએ ત્યાં સુધી રિટાયર્ડ નથી થવાના. લોકોની જાણકારી માટે કે અમે ૧૯૯૯માં આવેલી ‘સેતુ’ પહેલાંથી એકમેકને ઓળખીએ છીએ.’