અનુરાગ કશ્યપની ‘કેનેડી’નું આ ફેસ્ટિવલમાં પ્રીમિયર થવાનું છે

વિક્રમાદિત્ય મોટવા અને અનુરાગ કશ્યપ
ફિલ્મમેકર અનુરાગ કશ્યપ અને ડિરેક્ટર વિક્રમાદિત્ય મોટવાણી સાથે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા. બન્ને બ્લૅક આઉટફિટમાં પહોંચ્યા હતા. તેમણે એ ફેસ્ટિવલમાં માર્ટિન સ્કૉસેઝીની ફિલ્મ ‘કિલર્સ ઑફ ધ ફ્લાવર મૂન’ના પ્રીમિયરમાં હાજરી આપી હતી. એ ફિલ્મમાં લિયોનાર્ડો ડિકૅપ્રિયો અને રૉબર્ટ દ નીરો લીડ રોલમાં છે. તો અનુરાગ કશ્યપની ‘કેનેડી’નું આ ફેસ્ટિવલમાં પ્રીમિયર થવાનું છે. વિક્રમાદિત્ય સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુરાગ કશ્યપે કૅપ્શન આપી હતી, ‘વિક્રમાદિત્ય મોટવાણી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મારી ફિલ્મ ‘કેનેડી’ માટે આવ્યો છે. મેં મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલો આ બ્લૅક સૂટ પહેર્યો હતો. અમારી સાથે અમારો નવોદિત પ્રોડ્યુસર કબીર આહુજા પણ હાજર હતો. માર્ટિન સ્કૉસેઝીની ફિલ્મ ‘કિલર્સ ઑફ ધ ફ્લાવર મૂન’ અદ્ભુત હતી. તે કેવી રીતે આવી અતુલનીય ફિલ્મો ફરી-ફરી બનાવી શકે છે?’
ચિયાં વિક્રમને ધ્યાનમાં રાખીને ‘કેનેડી’ની સ્ટોરી લખાઈ હતી : અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપે જણાવ્યું છે કે તેની આગામી ફિલ્મ ‘કેનેડી’ માટે તેની પહેલી પસંદ ચિયાં વિક્રમ હતો. ચિયાં વિક્રમનું નિક નેમ કેનેડી છે. આ ફિલ્મનું અગાઉ ટાઇટલ ‘કેનેડી પ્રોજેક્ટ’ હતું. આ ફિલ્મ માટે ચિયાં વિક્રમ સાથે તેણે સંપર્ક પણ કર્યો હતો, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં. એથી આ ફિલ્મમાં રાહુલ ભટ્ટ, સની લીઓની અને અભિલાષ થપલિયાલ લીડ રોલમાં છે. ચિયાં વિક્રમ વિશે અનુરાગ કશ્યપે કહ્યું કે ‘હું જ્યારે ફિલ્મની સ્ટોરી લખું ત્યારે મારા દિમાગમાં કોઈ ચોક્કસ ઍક્ટર હોય છે. આ જ કારણ છે આ ફિલ્મનું ટાઇટલ ‘કેનેડી’ છે, કારણ કે એ ઍક્ટરનું નિક નેમ કેનેડી છે. એ ફિલ્મને ‘કેનેડી પ્રોજેક્ટ’ નામ આપવામાં આવ્યું હતું. એ બીજું કોઈ નહીં પરંતુ ચિયાં વિક્રમ છે. મેં તેનો સંપર્ક કર્યો, પરંતુ તેણે કદી પ્રતિક્રિયા ન આપી. એથી હું રાહુલ પાસે પહોંચ્યો. મેં તેને સ્ટોરી વાંચવા કહ્યું. તેનું રીઍક્શન, રિસ્પૉન્સ ઉત્સાહજનક હતાં. તેણે મને પૂછ્યું કે કોણ કરશે આ રોલ? મેં તેને પૂછ્યું કે કરેગા? તેણે હા પાડી તો મેં તેને જણાવ્યું કે આ રોલ માટે તારે યોગદાન આપવું પડશે. તે કોઈ ફિલ્મમાં કામ કરી રહ્યો હતો. જોકે તેણે ‘કેનેડી’ માટે પોતાની લાઇફના આઠ મહિના આપ્યા છે.’