અનુપમ ખેરે NEET-UG પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સમર્થન આપતાં કહ્યું કે તેમને અવાજ ઉઠાવવાનો સંપૂર્ણ અધિકાર છે. જોકે તેમણે અપીલ કરી કે વિદ્યાર્થીઓ પોતાના આંદોલનને કોઈ રાજકીય એજન્ડાનો ભાગ ન બનવા દે.
અનુપમ ખેર
વિરોધ-પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા અનુપમ ખેર
અનુપમ ખેરે નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પેપર-લીકના આરોપોને લઈને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું છે. જોકે સાથે તેમણે વિદ્યાર્થીઓને અપીલ પણ કરી કે તેઓ પોતાના આંદોલનને કોઈ રાજકીય એજન્ડાનો હિસ્સો બનવા ન દે. ગઈ કાલે સોશ્યલ મીડિયા પર શૅર કરેલા એક વિડિયોમાં અનુપમ ખેરે કહ્યું કે વિદ્યાર્થીઓને પોતાનો અવાજ ઉઠાવવાનો સંપૂર્ણ અધિકાર છે, પણ આંદોલનનો મૂળ મુદ્દો ભુલાઈ ન જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ.
અનુપમ ખેરે પોતાના વિડિયોમાં કહ્યું હતું કે ‘કોઈ પણ વિદ્યાર્થીએ પોતાની વાત કહેવા માટે આવી પરિસ્થિતિમાંથી પસાર થવું ન જોઈએ. હું પણ એક વખત વિદ્યાર્થી હતો. મારા પણ સપનાં હતાં, મેં પણ પ્રશ્નો પૂછ્યા હતા અને અસંતોષ વ્યક્ત કર્યો હતો. આજે પણ મારી સંસ્થામાં સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એટલે હું તમારી ચિંતા, તમારો ગુસ્સો અને તમારી આશાઓને સમજી શકું છું. મારા મતે વિદ્યાર્થી-આંદોલન સમાજનો સૌથી સાચો અવાજ છે. વિદ્યાર્થીઓનો કોઈ વ્યક્તિગત સ્વાર્થ હોતો નથી. તેઓ પોતાના ભવિષ્યની ચિંતા કરે છે, પોતાના અધિકારોની વાત કરે છે અને દેશને વધુ સારો બનાવવા ઇચ્છે છે અને એટલે જ હું દિલથી તમારી સાથે છું. જોકે જ્યારે કોઈ આંદોલનમાં બહારના લોકો અથવા રાજકીય તકવાદીઓ પ્રવેશ કરે છે ત્યારે સાવચેત રહેવાની જરૂર હોય છે. શરૂઆતમાં તમને લાગશે કે જેટલા વધુ લોકો જોડાશે એટલા તમે વધુ મજબૂત બનશો, પણ હંમેશાં એવું હોતું નથી. કેટલાક લોકોનો હેતુ તમારા મુદ્દા માટે લડવાનો નથી, પરંતુ પોતાના એજન્ડાને આગળ વધારવાનો હોય છે. તમારો સંઘર્ષ તમારો જ રહે, એને કોઈ બીજા વ્યક્તિના એજન્ડાનો મંચ ન બનવા દો. લોકશાહીમાં પ્રશ્ન પૂછવાનો, વિરોધ કરવાનો અને પોતાના વિચારો વ્યક્ત કરવાનો તમને સંપૂર્ણ અધિકાર છે; પણ એટલું જ મહત્ત્વનું છે કે તમારો અવાજ કોઈ બીજાના હાથમાં ન જાય. વિદ્યાર્થીઓ કોઈ પણ દેશની સૌથી મોટી સંપત્તિ છે. તમારી ઊર્જા, તમારી ઈમાનદારી અને તમારા આદર્શો જ તમારી સાચી તાકાત છે. તેમને કોઈનું હથિયાર બનવા ન દો. હું આજે પણ તમારી સાથે છું અને આવતી કાલે પણ રહીશ. તમે તમારી પોતાની સમજ, આત્મસન્માન અને શરતો પર પોતાની વાત કહો. ભગવાન તમને સ્વસ્થ રાખે, સુરક્ષિત રાખે અને હંમેશાં સત્યની સાથે ઊભા રહેવાની શક્તિ આપે.’
