અમિતાભ બચ્ચને ફૅને મૂકેલા આ આક્ષેપનો જાહેરમાં જવાબ આપ્યો
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તેઓ ક્યારેક લોકોના સવાલો અને કમેન્ટ્સના જવાબ પણ આપે છે. અમિતાભ સોશ્યલ મીડિયા પર દીકરા અભિષેકની ફિલ્મોનું જોરશોરથી પ્રમોશન કરે છે અને જાહેરમાં તેનાં વખાણ પણ કરે છે. જોકે તેઓ ક્યારેય પોતાની પત્ની જયા, વહુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા સાથે જોડાયેલી પોસ્ટ કરતા નથી. અમિતાભના આ વર્તન વિશે હાલમાં એક યુઝરે સવાલ કર્યો હતો ત્યારે અમિતાભે આ સવાલનો જવાબ આપ્યો હતો અને તેમના આ વર્તન પાછળનું કારણ પણ જણાવ્યું હતું.
હાલમાં અમિતાભે દીકરા અભિષેકની ફિલ્મ ‘કાલીધર લાપતા’નું પ્રમોશન કર્યું હતું જે બદલ તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ ટ્રોલિંગનો જવાબ આપતાં અમિતાભે બીજી એક પોસ્ટ કરી હતી કે ‘હા, હું અભિષેકની પ્રશંસા કરું છું. તો?’
ADVERTISEMENT
તેમની આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું, ‘તો તમારે તમારી દીકરી, પુત્રવધૂ અને પત્નીની પણ એ જ રીતે પ્રશંસા કરવી જોઈએ.’ આ પછી અમિતાભે યુઝરને ટૅગ કરીને જવાબ આપતાં લખ્યું, ‘હા, હું તેમની હૃદયથી પ્રશંસા કરીશ પણ જાહેરમાં નહીં. હું મહિલાઓનું સન્માન કરું છું.’
અમિતાભ બચ્ચને જીવનમાં સમજાવ્યું ‘સંસ્કાર’નું મહત્ત્વ
હાલમાં અમિતાભ બચ્ચને તેમનાં માતા-પિતા તેજી બચ્ચન અને હરિવંશ રાય બચ્ચન દ્વારા આપવામાં આવેલા સંસ્કારો માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેમનાં માતા-પિતાએ તેમને જે સારી શીખ અને મૂલ્યો શીખવ્યાં એ તેમના માટે અમૂલ્ય વારસો છે. અમિતાભ માને છે કે આ સંસ્કારોને કારણે જ તેઓ આજે સફળતા મેળવી શક્યા છે. અમિતાભે હાલમાં તેમના બ્લૉગમાં સંસ્કાર વિશે વાત કરી. તેમણે લખ્યું છે, ‘હિન્દુ પરંપરામાં સંસ્કારનો અર્થ એવા ખાસ રીતરિવાજો અને વિધિઓ થાય છે જે મનુષ્યના જીવનમાં વિવિધ પ્રસંગો પર કરવામાં આવે છે. આનો હેતુ મનુષ્યના શરીર, મન અને વિચારોને શુદ્ધ કરવાનો અને તેમના સારા ચરિત્ર અને વ્યક્તિત્વનું નિર્માણ કરવાનો હોય છે. સંસ્કાર કોઈ વ્યક્તિના સ્વભાવ, વિચાર અને વર્તનને ઘડવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ સંસ્કાર તેમને સાચા માર્ગે ચાલવા, સાચું અને ખોટું વચ્ચેનો ભેદ સમજવા અને પ્રામાણિકતાથી જીવવાની શીખ આપે છે. સંસ્કાર એક એવી રીત છે જેના દ્વારા આપણાં સાંસ્કૃતિક મૂલ્યો, પરંપરાઓ અને વિશ્વાસ એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચે છે. આનાથી સમાજમાં એકતા જળવાઈ રહે છે અને આપણી પરંપરાઓ આગળ વધે છે. સંસ્કારોને કારણે ડર ઓછો થાય છે, મન મજબૂત બને છે અને જીવનને હિંમત અને આત્મવિશ્વાસ સાથે જીવવાની શક્તિ મળે છે. અમારા જીવનમાં, ખાસ કરીને બાળપણના દિવસોમાં મમ્મી અને બાબુજીએ હંમેશાં સંસ્કારોને ખૂબ મહત્ત્વ આપ્યું છે. આ એક સુંદર ગુણ છે જે આપણામાં બાળપણથી રેડવામાં આવ્યો છે. સંસ્કાર આપણા માટે સૌથી મોટી સંપત્તિ છે જે આપણને આપણા વડીલો અને પેઢીઓ પાસેથી શીખના રૂપમાં મળી છે. આપણે બધા આ સંસ્કારોને ખૂબ સંભાળીને રાખીએ છીએ, જાણે કોઈ અમૂલ્ય ભેટ હોય.’

