અક્ષયકુમારનો કેમ આભાર માન્યો રેણુકા શહાણેએ?
રેણુકા શહાણેએ હાલમાં જ અક્ષયકુમારનો આભાર માન્યો છે. તેણે ઍક્ટ્રેસ નૂપુર અલંકારને મમ્મીની ટ્રીટમેન્ટ માટે નાણાકીય મદદ કરી હોવાથી રેણુકાએ તેને એન્જલ કહી આભાર વ્યક્ત કર્યો હતો. ૨૦૧૯માં પી.એમ.સી. બૅન્ક ક્રૅશ થવાથી નૂપુરના તમામ પૈસા પાણીમાં ગયા હતા. નૂપુરને હાલમાં તેની મમ્મીની ટ્રીટમેન્ટ માટે નાણાકીય મદદની જરૂર હોવાથી રેણુકાએ એ વિશે વિનંતી કરી હતી. આ વિશે મદદ મળ્યા બાદ રેણુકા શહાણેએ ટ્વીટ કર્યું હતું કે ‘ પી.એમ.સી. બૅન્ક ક્રૅશ, મમ્મીની ખરાબ તબિયત અને લૉકડાઉનને કારણે મારી ફ્રેન્ડ નૂપુર અલંકારની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને તેને મદદ કરવા માટે જે પણ વ્યક્તિ આગળ આવી છે તેમનો હું આભાર માનું છું. આ માટે હું દરેકનો આભાર માનું છું અને આ માટે વધુ પૈસાની જરૂર નથી એ પણ હું કહેવા માગું છું. અમારી ઇન્ડસ્ટ્રીમાંથી એક એન્જલે અમને મદદ કરી છે જેને કારણે નૂપુરની મમ્મીને બેસ્ટ ટ્રીટમેન્ટ મળી રહેશે. આ એન્જલ દ્વારા ઇન્ડસ્ટ્રીના ઘણા ઍક્ટર્સ અને વર્કર્સને મદદ કરવામાં આવી છે અને રિટર્નમાં તેણે થૅન્ક યુની પણ આશા નથી રાખી. તે એન્જલે ફેસબુક પર મારી પોસ્ટ વાંચી હતી. મેં જે શૅર કર્યું હતું એ વિશે તેણે રાણાજીને ફોન કરીને ડીટેલ માગી હતી. તેણે પૂછ્યું હતું કે નૂપુરને કેટલા પૈસાની જરૂર છે. મને નૂપુરે જે રકમ કહી હતી એ મેં કહી, પરંતુ મને એનાથી વધુ રકમ તેણે મોકલી હતી.’
રેણુકાએ જ્યારે તેનો આભાર માન્ય હતો ત્યારે તેણે એક જ વાક્ય કહ્યું હતું. આ વિશે રેણુકાએ કહ્યું હતું કે ‘મેં તેનો ભાર માન્યો હતો અને તેણે મરાઠીમાં એક જ વાક્ય કહ્યું કે મલા ધન્યવાદ નકો, તિચી આઈ બરી વ્હાયલા પાહિજે, બસ. જેમની સાથે કોઈએ ક્યારે કામ ન કર્યું હોય, મળ્યા ન હોય એવી વ્યક્તિને જરૂરિયાત સમયે પણ કોણ મદદ કરે? આ નમ્ર અને હંમેશાં લોકોની મદદ માટે તૈયાર રહેનાર વ્યક્તિની હું હંમેશાં આભારી રહીશ. આ એન્જલ કોઈ નહીં, પરંતુ સુપરસ્ટાર અક્ષયકુમાર છે. તેનું દિલ સોનાનું છે. હું તમારી કેટલી આભારી છું એના માટે થૅન્ક યુ ખૂબ જ નાનું લાગે છે. તારી ઉદારતા જોઈને હું ગદ્ગદ થઈ ગઈ છું. પ્રાર્થના કરું છું કે તમારી ફૅમિલી હંમેશાં ખુશ રહે અને સફળતાનો સ્વાદ ચાખતી રહે. હું ખરેખર તમારી આભારી છું.’