આ દુર્ઘટનાના સમાચાર મળતાં જ સલમાન ખાને મુંબઈમાં પોતાનો કાર્યક્રમ રદ કરી દીધો છે; બીજી તરફ અક્ષય કુમાર અને પ્રોડ્યુસર વિષ્ણુ માંચુએ પણ ઇન્દોરમાં ફિલ્મ ‘કનપ્પા’નો ટ્રેલર-લૉન્ચ કાર્યક્રમ રદ કર્યો છે
સલમાન ખાન, અક્ષય કુમાર
અમદાવાદમાં ઍર ઇન્ડિયાના વિમાનના ક્રૅશની દુર્ઘટના બાદ આખા ભારતમાં શોકનું વાતાવરણ સર્જાઈ ગયું છે અને બૉલીવુડ પણ આમાં સહભાગી બન્યું છે. આ દુર્ઘટનાના સમાચાર મળતાં જ સલમાન ખાને મુંબઈમાં પોતાનો કાર્યક્રમ રદ કરી દીધો છે. બીજી તરફ અક્ષય કુમાર અને પ્રોડ્યુસર વિષ્ણુ માંચુએ પણ ઇન્દોરમાં ફિલ્મ ‘કનપ્પા’નો ટ્રેલર-લૉન્ચ કાર્યક્રમ રદ કર્યો છે. હકીકતમાં સલમાન ઇન્ડિયન સુપરક્રૉસ રેસિંગ લીગ (ISRL)નો નવો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બન્યો છે. આ કારણે આજે મુંબઈમાં એક પ્રેસ-કૉન્ફરન્સ યોજાવાની હતી, પરંતુ સલમાનને આ વિમાન-દુર્ઘટનાની માહિતી મળતાં જ તેણે આ કાર્યક્રમ રદ કરી દીધો છે અને સૂચના જાહેર કરવામાં આવી છે કે આ અકસ્માતથી પ્રભાવિત પરિવારો સાથે અમારી સંવેદના અને પ્રાર્થના છે. અમે સામૂહિક રીતે નિર્ણય લીધો છે કે આ કાર્યક્રમ હવે પછીથી યોજાશે.
આ સિવાય અક્ષય કુમારને મહત્ત્વના રોલમાં ચમકાવતી ફિલ્મ ‘કન્નપ્પા’નું ટ્રેલર ૧૩ જૂને લૉન્ચ થવાનું હતું. એ જ દિવસે ઇન્દોરમાં એક પ્રી-રિલીઝ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અકસ્માતને કારણે આ ઇવેન્ટ પણ રદ કરવામાં આવી છે. ફિલ્મના પ્રોડ્યુસરે ટ્રેલર-રિલીઝ એક દિવસ પોસ્ટપોન કર્યું હોવાની માહિતી આપી છે.

