આવી પોસ્ટ કરીને અમિતાભે ઉડાડી દીધી ચાહકોની રાતની ઊંઘ
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન છેલ્લા ૬ દાયકાથી બૉલીવુડમાં ઍક્ટિવ છે. અમિતાભ હવે ૮૨ વર્ષના થઈ ગયા છે. જે ઉંમરે લોકો નિવૃત્તિ લઈને ઘરમાં આરામ કરે છે એ ઉંમરે તેઓ લોકોનું મનોરંજન કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન એવા ઍક્ટર છે જેઓ ગમે એટલી વ્યસ્તતા વચ્ચે પણ સોશ્યલ મીડિયા માટે સમય કાઢી જ લે છે. તેઓ રોજ પોતાના બ્લૉગ અને સોશ્યલ મીડિયા પર પોતાની લાગણીઓ વ્યક્ત કરતા રહે છે. જોકે હાલમાં તેમણે એવી પોસ્ટ કરી છે જે વાંચીને ફૅન્સ ચિંતામાં પડી ગયા છે. તેમણે રાતે કરેલી પોસ્ટ વાઇરલ થઈ ગઈ અને અડધી રાતે જ સોશ્યલ મીડિયામાં હાહાકાર મચી ગયો.
૮૨ વર્ષના અમિતાભે ૭ ફેબ્રુઆરીએ રાતે ૮.૩૪ વાગ્યે લખ્યુંઃ જવાનો સમય આવી ગયો છે. અમિતાભની આ પોસ્ટ જોઈને તેમના ફૅન્સને બિગ બીના સ્વાસ્થ્યની ચિંતા થઈ હતી. જોકે અમિતાભે પહેલી વાર આવી ગૂઢ પોસ્ટ શૅર નથી કરી. આ પહેલાં પણ તેઓ પોતાની પોસ્ટથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ચૂક્યા છે. પોસ્ટમાં ગણતરીના શબ્દો લખીને અમિતાભે પોતાના ચાહકોની ચિંતામાં વધારો કરી દીધો અને હવે બધા એ જાણવા તત્પર છે કે આખરે થયું છે શું?

