લડવાની, જીતવાની અને આગળ વધવાની મજા ત્યારે જ આવે જ્યારે દુનિયાઆખી તમારી હારની રાહ જોઈને બેઠી હોય અને તમે સહેજ પણ અકળાયા વિના, સહેજ પણ વિચલિત થયા વિના તમારી જીત તરફ આગળ વધો અને જીત હાંસલ કરો
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
ફાઇલ તસવીર
એવું જ હતું શનિ અને રવિવાર દરમ્યાન. એક એવા દેશમાં ફાઇનલ મૅચ રમાવાની હતી જે મૅચની ઑડિયન્સ તમારી હતી. વિકેટ તમારી હતી અને સૌથી અગત્યનું એ કે ભારતીય ક્રિકેટ ટીમનો પર્ફોર્મન્સ પણ આલા દરજ્જાનો હતો. દેશ જ નહીં, લગભગ અડધી દુનિયા અને ક્રિકેટ રમતા તમામ દેશોનું માનવું એ જ હતું કે ભારત જીતશે. દેશમાં તો રીતસરનો દેકારો મચી ગયો હતો. સવા લાખથી પણ વધુ ઑડિયન્સ એક જ એનર્જી સાથે આવી હતી કે ભારત વિશ્વવિજેતા બની ગયું છે અને એ બધા વચ્ચે ઑસ્ટ્રેલિયન ટીમ મેદાનમાં ઊતરે છે, મેદાનમાં ઊતરે છે અને ઑલમોસ્ટ વિશ્વવિજેતા બની ચૂકેલી ભારતીય ટીમ પાસેથી ટ્રોફી ઝૂંટવીને વર્લ્ડની બેસ્ટ વન-ડે ટીમનો પોતાનો ખિતાબ અકબંધ રાખે છે.
સિમ્પલી હૅટ્સ ઑફ.
ADVERTISEMENT
લડવાની, જીતવાની અને આગળ વધવાની મજા ત્યારે જ આવે જ્યારે દુનિયાઆખી તમારી હારની રાહ જોઈને બેઠી હોય અને તમે સહેજ પણ અકળાયા વિના, સહેજ પણ વિચલિત થયા વિના તમારી જીત તરફ આગળ વધો અને જીત હાંસલ કરો. ઑસ્ટ્રેલિયા-ભારતની મૅચની સૌથી મોટી બ્યુટી જો કોઈ હોય તો એ આ સંદેશ છે. ભૂલી જાઓ, ભારતની હારને. ભારતની હારથી પણ જો વિશાળ કંઈ હોય તો એ ઑસ્ટ્રેલિયાની જીત છે. ઑડિયન્સમાં તાળીઓ નહોતી પડતી, જ્યારે ઑસ્ટ્રેલિયા કંઈક સારું કરતું હતું ત્યારે. અરે કોઈ ચિયર નહોતું કરતું જ્યારે ઑસ્ટ્રેલિયા જીત તરફ આગળ વધતું હતું અને એની સામે, ઑસ્ટ્રેલિયા સહેજ પણ મૂંઝાયા વિના પોતાનું એક જ ધ્યેય હોય એ રીતે મેદાનમાં લડતું રહ્યું અને જીત તરફ આગળ વધતું રહ્યું.
જરા વિચારો કે આવું તમારી સાથે જીવનમાં બને તો? જરા વિચારો કે આ માહોલમાં તમે મુકાયા હો તો? જરા વિચારો કે સઘળી દિશાએથી તમારો વિરોધ થતો હોય એવા સમયે તમારે જીત માટે મેદાનમાં ઊતરવાનું હોય તો? સાહેબ, હાંજા ગગડી જાય અને મોતિયા મરી જાય. ઑસ્ટ્રેલિયા પાસેથી એ જ શીખવાનું છે અને રવિવારની મૅચનો સૌથી મોટો આ જ પદાર્થપાઠ છે. દુનિયાઆખી તમારી વિરુદ્ધમાં ઊભી હોય, જગતઆખું તમારી હારની રાહ જોઈને બેઠું હોય અને એ સમયે તમે કશું પણ જોયા વિના, સહેજ પણ નાસીપાસ થયા વિના આગળ વધતા રહો અને તમારો ગોલ હાંસલ કરો.
ઑફિસમાં પણ આવું વાતાવરણ હશે અને પારિવારિક જીવનમાં પણ આવું વાતાવરણ હોઈ શકે. બિઝનેસમાં પણ હોઈ શકે અને પ્રોફેશનમાં પણ આવી પરિસ્થિતિ આવી શકે. જ્યાં પણ આવે અને જ્યારે પણ આવે ત્યારે એક વાત યાદ કરજો કે વર્લ્ડ કપની આ ફાઇનલ મૅચ અને તમારી જાતને ઑસ્ટ્રેલિયા સાથે સરખાવીને આખી ઘટનાને જોજો. તમને ખાતરી સાથે કહું છું કે તમે હિંમત નહીં હારો અને તમે તમારા ધ્યેય તરફ આગળ વધી શકશો. ફરીથી મૅચની વાત કરીએ તો ભારતે અફસોસ કરવાની જરૂર નથી. સિંહનો શિકાર એક એવા સિંહે કર્યો છે જે એનાથી ચડિયાતો હતો અને સાહેબ, હાર જ્યારે ચડિયાતા દ્વારા મળે ત્યારે અફસોસ કર્યા વિના સમય અને સંજોગને શિરઆંખો પર ચડાવી લેવામાં જ ખુદ્દારી છે.