Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વરસાદ નથી જોઈતો એવી પ્રાર્થના આ લોકો શું કામ કરે છે?

વરસાદ નથી જોઈતો એવી પ્રાર્થના આ લોકો શું કામ કરે છે?

14 August, 2022 04:32 PM IST | Mumbai
Prakash Bambhrolia

દિવસો સુધી ચારથી પાંચ ફુટ પાણી ભરાઈ રહેતું હોવાથી ચોમાસાનું નામ પડતાં જ મુંબઈને અડીને આવેલા વસઈ-વિરારમાં ચાલીસેક લાખ લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય છે

વરસાદ નથી જોઈતો એવી પ્રાર્થના આ લોકો શું કામ કરે છે?

મુંબઈ લાઇવ

વરસાદ નથી જોઈતો એવી પ્રાર્થના આ લોકો શું કામ કરે છે?


નરક જેવી પરિસ્થિતિમાં રહેતા લાખો લોકોની સુધરાઈને કંઈ પડી નથી. સમિતિઓ અને યોજનાઓ બનાવીને આજેય તેઓ ઘોર નિદ્રામાં જ રાચ્યા કરે છે અને લોકોના પૈસે પોતાનાં ગજવાં ભરવા સિવાય કોઈ કામ ન કરી રહ્યા હોય એવું આ ટ‍્વિન સિટીની દયનીય હાલત પરથી સ્પષ્ટ થાય છે

મહાનગર મુંબઈમાં ૨૬ જુલાઈ, ૨૦૦૫ના રોજ એટલે કે આજથી ૧૭ વર્ષ પહેલાં ક્લાઉડ બર્સ્ટ થવાથી ૨૪ કલાકમાં ૩૭ ઇંચ જેટલો અત્યંત ભારે વરસાદ થયો હતો, જેને પગલે મુંબઈ જળબંબાકાર થવાની સાથે જનજીવન અમુક દિવસ ઠપ થઈ ગયું હતું. એ દિવસને યાદ કરીને મુંબઈગરાઓ આજેય ધ્રૂજી જાય છે. એક જ દિવસમાં મુંબઈમાં આવી હાલત થઈ હતી ત્યારે મુંબઈને અડીને આવેલા વસઈ-વિરારના મોટા ભાગના વિસ્તારોમાં એક-બે વર્ષ નહીં, એક દાયકાથી ચોમાસામાં જળબંબાકાર થાય છે ત્યારે અહીં રહેતા ચાલીસેક લાખ લોકોની કેવી હાલત થતી હશે એ વિચારીને જ કંપારી છૂટી જાય. ચોમાસાના ચાર મહિનામાં અહીં ચારે તરફ પાણી ભરાય છે, જેથી મોટા ભાગે સ્કૂલ, કૉલેજ બંધ થઈ જવાની સાથે લોકો કામકાજના સ્થળે પહોંચી નથી શકતા. બીજા શબ્દોમાં કહીએ તો ચોમાસાના ચાર મહિનામાં અનેક દિવસ તેમનું જનજીવન રીતસરનું અસ્તવ્યસ્ત થઈ જાય છે. આ ગંભીર સમસ્યાને કારણે અહીંના રહેવાસીઓ દર વર્ષે ભગવાનને પ્રાર્થના કરે છે કે ચોમાસામાં અહીં વરસાદ નહીં મોકલતા, કારણ કે તેમની મુશ્કેલી સમજવા કે સાંભળવા કોઈ નથી.
ચોમાસું આમ તો જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનાનું હોય છે, પણ વસઈ-વિરાર માટે જુલાઈ અને ઑગસ્ટ મહિનો ભારે રહ્યો છે. આ વર્ષે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો ત્યારે વસઈના એવરશાઇન સિટી, નાલાસોપારાના આચોલે રોડ અને વિરારના અગાસી રોડ, વીવા કૉલેજ, એમ. બી. એસ્ટેટ, બોળીંજ સહિતના અનેક ભાગોમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ ગયાં હતાં. સામાન્ય રીતે વરસાદ બંધ થઈ ગયા બાદ વરસાદનું પાણી ઓસરી જતું હોય છે, પરંતુ અહીં ચોંકાવનારી અને આઘાતજનક વાત એ છે કે પાંચ-સાત દિવસ સુધી પાણી ભરાયેલું રહેતું હોવાથી લોકોનું જીવવું મુશ્કેલ બની જાય છે.
ઘર, દુકાન અને ઑફિસોની સાથે રસ્તાઓમાં કમર સુધી પાણી ભરાઈ જવાથી જાણે મોટા ભાગનો વિસ્તાર સમુદ્રમાં ફેરવાઈ ગયો હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. કાર, બાઇક કે ઑટોરિક્ષા આટલા પાણીમાં ચાલી શકે એમ ન હોવાથી વિરાર સ્ટેશનેથી અગાસી તરફ અને વસઈ-નાલાસોપારા રેલવે-સ્ટેશનેથી એવરશાઇન સિટી આવવા-જવા માટે  ટ્રૅક્ટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. ખેતરને બદલે મુંબઈ જેવા શહેરમાં લોકોની અવરજવર માટે ટ્રૅક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કોઈ કહે તો નવાઈ લાગે, પણ આ હકીકત છે.
મહત્ત્વની અને રસપ્રદ વાત એ છે કે વસઈ-વિરારમાં રહેતા લોકો લગભગ બે દાયકાથી આખું વર્ષ પીવાના પાણી માટે ટળવળે છે. અરે, ચોમાસામાં પણ તેમને પૂરતું પાણી નથી મળતું. કેવી વિચિત્રતા! ચોમાસામાં અહીંના મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકાર થાય છે, પણ લોકોને પીવાનું પાણી નથી મળતું. એની પાછળનું કારણ એ છે કે આ વિસ્તારમાં મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ દ્વારા વીજળીનું વિતરણ કરાય છે. ભારે વરસાદ અને પવનને લીધે સૂર્યા સહિતના ડૅમોમાંથી અહીં પીવાનું પાણી પહોંચાડાય છે ત્યાં સાવચેતીનાં પગલાંરૂપે વીજળી કાપી નાખવામાં આવે છે. આથી પમ્પિંગ બંધ થઈ જાય છે અને લોકોને દિવસો સુધી પાણી નથી મળતું. 
છેલ્લા બે દાયકામાં મુંબઈમાં રહેતા લોકો અને બહારગામથી આવતા લોકોનો વસઈ-વિરારમાં મોટા પ્રમાણમાં વસવાટ થયો છે, જેને લીધે અહીં વસ્તીનો વિસ્ફોટ થયો છે, પરંતુ એની સામે રસ્તા અને પાણી સહિતની માળખાકીય સુવિધામાં થવો જોઈએ એટલો સુધારો થયો નથી. સ્થાનિક પ્રશાસન અને રાજ્ય સરકારના માધ્યમથી અહીં જરૂરિયાત મુજબનું પાણી પૂરું પાડવા માટેના વર્ષોથી પ્રયાસ કરાય છે, પરંતુ એમાં જોઈએ એવી સફળતા નથી મળી રહી. આને લીધે પીવાના પાણીની અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગંભીર સમસ્યા ઊભી થઈ છે.
આમ જોવા જઈએ તો અહીં લગભગ એક દાયકાથી ચોમાસામાં જળબંબાકાર થાય છે, પરંતુ સૌથી ગંભીર અસર ૨૦૧૭માં થઈ હતી. એ સમયે અહીંના અનેક વિસ્તારમાં એક માળ સુધી પાણી ભરાયાં હતાં, જેનો નિકાલ થતાં દિવસો લાગ્યા હતા. આવી સ્થિતિમાં રહેવાનું મુશ્કેલ બનતાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. આ પૂરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હજારોની સંખ્યામાં લોકોએ અમુક દિવસો સુધી બધું મૂકીને સ્થળાંતર કરવું પડ્યું હતું. 
પાંચ વર્ષ પહેલાં આવેલાં આ પૂર બાદ વસઈ-વિરાર મહાનગરપાલિકાએ અહીં ફરી પૂરની પરિસ્થિતિ ન સર્જાય એ માટે નિરી નામની સમિતિ બનાવીને શા માટે અહીં ચોમાસામાં પાણી ભરાય છે એની તપાસ કરવાનો નિર્ણય લીધો હતો. નિરી સમિતિએ અભ્યાસ કરીને પાણી ભરાવા માટે જવાબદાર બાબતોનો અહેવાલ સ્થાનિક સુધરાઈને સોંપ્યો હતો. સુધરાઈ આ અહેવાલની અમલબજાવણી કરશે એવી આશા રખાતી હતી. જોકે મહાનગરપાલિકાએ એના પર ધ્યાન ન આપતાં ૨૦૧૮માં ફરી મોટા પાયે પાણી ભરાવાની સમસ્યા અહીં ઊભી થઈ હતી. આ વર્ષે પણ આ મહિનાના પહેલા અઠવાડિયામાં અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતાં.
નિરી સમિતિના અહેવાલમાં અહીં વરસાદનાં પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થવા માટે અહીંનાં કુદરતી નાળાંઓ પર કરવામાં આવેલા અતિક્રમણ કે આખેઆખાં નાળાં જ પૂરી દેવાને જવાબદાર ગણાવ્યાં છે. નાયગાંવથી લઈને છેક વિરાર સુધીના વિસ્તારમાં પૂર્વમાં મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઈવે આવેલો છે. એની પાછળના ભાગમાં પહાડો અને જંગલ છે, જ્યારે પશ્ચિમના ભાગમાં અમુક કિલોમીટરના અંતરે સમુદ્ર આવેલો છે. પાણીનું કુદરતી વહેણ પૂર્વ દિશાથી પશ્ચિમ તરફ છે. અહીં પહેલાં અઢીસોથી વધુ કુદરતી નાળાં હતાં, જેમાં વરસાદનું પાણી વહીને સમુદ્ર તરફ જતું હતું. છેલ્લા દાયકામાં અહીં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ થયાં છે, જેને લીધે કુદરતી નાળાંઓને કાં તો પૂરી દેવામાં આવ્યાં છે અથવા તો નાળાંઓ પર અતિક્રમણ કરવામાં આવ્યું છે. આથી જ્યારે બેથી ચાર ઇંચ જેટલા વરસાદ વખતે પણ પાણીનો જળબંબાકાર થાય છે. વસઈ-વિરાર બીએમસીના કમિશનર અનિલકુમાર પવારે થોડા સમય પહેલાં સ્થાનિક રહેવાસીઓની મદદથી કુદરતી નાળાંઓને શોધવાના પ્રયાસ હાથ ધર્યા છે. જોકે, તેઓ કેટલા સફળ થાય છે એ તો સમય જ કહેશે.
કુદરતી નાળાંને બંધ કરી દેવાની સાથે શહેરમાં મોટા પ્રમાણમાં નવાં બાંધકામ થયાં છે એની સાથે ગટરવ્યવસ્થા ઊભી કરવામાં પણ સ્થાનિક પ્રશાસન ઊણું ઊતર્યું છે. બાંધકામના પ્રોજેક્ટમાં નવા રસ્તા અને ગટર બાંધવાનું ફરજિયાત હોવાની સાથે પાણીનો નિકાલ કુદરતી નાળાં સુધી થાય એના પર કોઈ ધ્યાન નથી આપતું. પરિણામે નવી સોસાયટીઓ મોટી સંખ્યામાં બની ગઈ છે, પરંતુ ચોમાસામાં આ સોસાયટી અને વરસાદના પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી. ચોંકાવનારી વાત તો એ છે કે દર વર્ષે મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ થવાની સાથે કુદરતી નાળાંઓ પર અતિક્રમણ થતું હોવા છતાં સ્થાનિક પ્રશાસન કે જનપ્રતિનિધિ દ્વારા એના પર ધ્યાન નથી અપાતું. સ્થાનિક રહેવાસીઓથી માંડીને અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચોમાસાની સમસ્યા બાબતે ફરિયાદ કે રજૂઆત કરવામાં આવતી હોવા છતાં કોઈના પેટનું પાણી પણ હલતું નથી.
ચોમાસા પહેલાં દર વર્ષે સુધરાઈ દ્વારા કરોડો રૂપિયાને ખર્ચે નાળાંસફાઈ કરવામાં આવે છે. આ વર્ષે વસઈ-વિરાર મહાનગરપાલિકાએ ૯૫ ટકા નાળાંની સફાઈ કરી હોવાનો દાવો કર્યો હતો. વીવીએમસીના કમિશનર અનિલકુમાર પવારે તો છાતી ઠોકીને લોકોને આહ્‌વાન કર્યું હતું કે નાળાંની સફાઈ ન થઈ હોવાનું કોઈ કહી નહીં શકે. જોકે, નાળાંસફાઈનું કામ એટલી બેદરકારીથી કરવામાં આવે છે કે એમાંથી નીકળતો ગાળ નાળાના કિનારા પર જ છોડી દેવામાં આવે છે. નાળાંની આસપાસ રહેતા લોકોએ દિવસો સુધી આ ગાળની દુર્ગંધ સહન કરવી પડે છે અને જ્યારે વરસાદ આવે છે ત્યારે આ ગાળ ફરી નાળામાં પડી જાય છે. આથી નાળાં સાફ કરવા માટે દર વર્ષે વાપરવામાં આવતા કરોડો રૂપિયા નાળાંમાં જ જાય છે. 
કોઈ પણ શહેરમાં વરસાદનું પાણી  ભરાવું કે બીજી કોઈ કુદરતી આપત્તિ આવે ત્યારે સ્થાનિક પ્રશાસનની ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સિસ્ટમ કામે લાગે છે. વસઈ-વિરારમાં આવી કોઈ સિસ્ટમ જ કામ ન કરતી હોય એવું લાગી રહ્યું છે. વસઈ-વિરારમાં અનેક સ્થળે ભરાયેલા પાણીનો નિકાલ ચાર-પાંચ દિવસ સુધી નથી થતો. વીવીએમસીએ પાણી કાઢવા માટે દરેક વૉર્ડમાં સ્વતંત્ર પમ્પ વસાવ્યા છે, પણ દશેરાએ જ ઘોડું ન દોડે એવી હાલત આ પમ્પોની છે. ખરે સમયે જ એ બંધ થઈ જાય છે. આથી આ યંત્રણાનો કોઈ મતલબ જ નથી રહેતો. ચોમાસા પહેલાં જોખમી ઇમારતોથી માંડીને વૃક્ષોની છાટણી કરવાની સુધરાઈની ફરજ હોય છે. આ વર્ષે આનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે નિયોજનને અભાવે વૃક્ષોની સમયસર છાટણી ન થતાં અનેક વૃક્ષ તૂટી પડ્યાં. જોખમી ઇમારતોને પણ ખાલી નથી કરાવાઈ. એવું લાગી રહ્યું છે કે તેઓ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે. વસઈમાં ભેખડ ધસી પડવાને લીધે ગેરકાયદે બનાવવામાં આવેલી રૂમમાં રહેતા પરિવારના બે જણનો આ મહિનાની શરૂઆતમાં પડેલા વરસાદે ભોગ લીધો એ વાત હજી લોકો ભૂલ્યા નથી. 
ચોમાસાના ચાર મહિના નાયગાંવથી વિરાર સુધીના વિસ્તારોમાં પૂર્વ અને પશ્ચિમ તરફ દૂર-દૂર સુધી રહેતા લોકો પાણી ભરાવાને લીધે રેલવે-સ્ટેશને પહોંચી ન શકતા હોવાથી તેમના કામકાજને ગંભીર અસર પહોંચે છે. એક દાયકા કરતાં વધુ સમયથી લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયથી આટલી ગંભીર સમસ્યા હોવા છતાં સ્થાનિક પ્રશાસન અને જનપ્રતિનિધિઓની ઊંઘ ઊડતી નથી એટલે લોકોએ તેમના પરનો વિશ્વાસ ગુમાવી દીધો છે અને તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી અત્યારે તો ભગવાનભરોસે જીવી રહ્યા છે.



નાલાસોપારામાં ૬૫ એકર જમીનમાં પાણીનો સંગ્રહ કરવા માટે એક તળાવ બનાવવામાં આવશે. આથી નીચાણવાળા વિસ્તારમાં જમા થતું વરસાદનું પાણી અહીં સ્ટોર થઈ શકશે અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઘટશે.
અનિલ પવાર, કમિશનર, 
વસઈ-વિરાર મહાનગરપાલિકા


કમિશનરની શું યોજના છે?
ભવિષ્યમાં ચોમાસામાં કોઈ જગ્યાએ પાણી ન ભરાય એ માટે કેટલીક યોજના બનાવાઈ છે એ વિશે વસઈ-વિરાર મહાનગરપાલિકાના કમિશનર અનિલકુમાર પવાર કહે છે કે ‘નાલાસોપારામાં ૬૫ એકર જમીનમાં પાણીનો સંગ્રહ કરવા માટે એક તળાવ બનાવવામાં આવશે. આથી નીચાણવાળા વિસ્તારમાં જમા થતું વરસાદનું પાણી અહીં સ્ટૉર થઈ શકશે અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઘટશે. આવી જ રીતે અત્યારે જે ગટરલાઇન છે એમાંથી માત્ર ૩૫ ટકા જેટલું જ પાણી વહી શકે છે. પાઇપની અંદર કચરા-ગાળ ભરાઈ ગયા છે જે સપ્ટેમ્બર મહિના બાદ અમે ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સાફ કરીશું. ત્રીજું, અહીં અઢીસો જેટલાં કુદરતી નાળાં છે, જેના પર ગેરકાયદે બાંધકામ કે અતિક્રમણ કરવામાં આવ્યાં છે એનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. બાદમાં પાણીનું વહેણ પહેલાંની જેમ જ થાય એ માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે. આ સિવાય પણ ચોમાસામાં વરસાદના પાણીનો ઝડપથી નિકાલ થાય એ માટેની યોજના પર અમે કામ કરી રહ્યા છીએ.’

મીરા-ભાઈંદરની સમસ્યાનો ઉકેલ કંઈક આમ આવ્યો


મુંબઈ અને વસઈ-વિરારની વચ્ચેના ભાગમાં આવેલા મીરા-ભાઈંદરમાં પણ એક સમયે ચોમાસામાં રેલવે-સ્ટેશનની નજીકના વિસ્તારોમાં એક માળ સુધી પાણી ભરાતાં હતાં. જોકે અહીં શહેરના વિકાસની સાથે સ્થાનિક પ્રશાસને નાળાં અને ગટરની યોજનાને પ્રાધાન્ય આપીને એમાં સુધારો કર્યો છે. આથી અમુક નીચાણવાળા ભાગને છોડીને છેલ્લાં ઘણાં વર્ષોથી અહીં પાણી ભરાવાની સમસ્યાથી લોકોને છુટકારો મળ્યો છે. મીરા રોડમાં રેલવે-સ્ટેશન નજીક આવેલા શાંતિનગરમાં આવેલા માર્કેટના મુખ્ય રસ્તામાં આવેલી દુકાનો અને ગ્રાઉન્ડ ફ્લોરમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચોમાસામાં મોટા પ્રમાણમાં પાણી ભરાતાં હતાં, જેને લીધે લોકોનું રહેવાનું મુશ્કેલ બની જતું હતું અને દુકાનદારોને દર વર્ષે મોટું નુકસાન થતું હતું. મીરા-ભાઈંદર સુધરાઈએ અહીંની ઝાફરી ખાડીને કનેક્ટ કરતા નાળાને પહોળું અને ઊંડું કર્યું છે. આથી વરસાદનું પાણી એમાં સરળતાથી વહી જાય છે. આ જ બતાવે છે કે જો મન હોય તો ચોક્કસ માળવે જવાય.

મુંબઈમાં રાહત માટેના પ્રયત્નો

વસઈ-વિરારની જેમ જ મુંબઈના હિન્દમાતા, દાદર, ભાંડુપ, કુર્લા, કલિના સહિતના કેટલાક નીચાણવાળા વિસ્તાર તેમ જ મલાડ, અંધેરી અને સાંતાક્રુઝ સબવેમાં એકાદ ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જતાં અને જનજીવનને વર્ષો સુધી અસર પહોંચતી હતી. જોકે સમયાંતરે મુંબઈ બીએમસીએ સમસ્યાની ગંભીર નોંધ લઈને ઉપાયો શોધી કાઢ્યા હોવાથી પાણી ભરાવાની મુશ્કેલીમાંથી લોકોનો મોટા ભાગે છુટકારો થયો છે. દક્ષિણ-મધ્ય મુંબઈના હિન્દમાતા વિસ્તારમાં ગયા વર્ષે ગાર્ડનની નીચે વરસાદનું કરોડો લિટર પાણી સમાય એવી ટાંકીઓ બનાવીને અહીં જળબંબાકાર ન થાય એ માટેના પ્રયાસ મુંબઈ બીએમસીએ કર્યા છે. આ વર્ષ એનાં પૉઝિટિવ પરિણામ જોવા મળ્યાં છે. 

Whatsapp-channel Whatsapp-channel

14 August, 2022 04:32 PM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK