Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક લગન, એક અગન : તેરે મેરે બીચ મેં... (પ્રકરણ ૩)

એક લગન, એક અગન : તેરે મેરે બીચ મેં... (પ્રકરણ ૩)

08 May, 2024 05:32 AM IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘મામા, તમે જીવ ન સંતાપો. મામી, તમે કહેશો ત્યાં હું પરણીશ, આમ મરવાની વાતો ન કરશો.’

ઇલસ્ટ્રેશન

વાર્તા સપ્તાહ

ઇલસ્ટ્રેશન


આજે કેટલાં વરસે અદ્વિતીયને જોયો!

રાત્રે પથારીમાં પડખાં ઘસતી રેવાની આંખોમાં નીંદર નથી.



બાળપણમાં ઘર-ઘર રમતાં એમાં હું મમ્મી ને તે પપ્પા બનતો. હજુય તે એટલો જ સરળ ને એવો જ નિષ્કપટ છે! કૉલેજમાં આવ્યા પછી તેનું મોસાળ આવવાનું ઘટ્યું ને વડીલોની વિદાય બાદ ગામને સાવ જ ભૂલી ગયો.


‘છોકરો મોટો થઈ ગયો. મને પૈસાનો હિસાબ કરવાનું કહેતો’તો!’

મામાના ઘરની સાફસફાઈ માટે નોકરનો ખર્ચ હું આપીશ એવી ટેલિટૉક પછી પપ્પા નારાજ થયેલા. ગામડિયો જીવ મારા-તારામાં શાનો માને.


‘તમેય રજનું ગજ કરો છો.’ માએ તેમને શાંત પાડેલા : ‘હું તો આમાં છોકરાનો સ્વમાનનો ગુણ જોઉં છું. બાકી તે સપનામાંય તમારી આમન્યા ન ઓળંગે. હું તો કહીશ, રેવાની મરજી હોય તો તેના બાળપણના ભેરુને જ આપણો જમાઈ કેમ ન બનાવીએ?

અજાણતાં જ કાને પડેલા સંવાદે એવું તો લજાઈ જવાયેલું. શોકના સમયમાં પોતે તેનો આધાર બની છે. મૈત્રીની સીમારેખા ઓળંગી હું તો ત્યારની પ્રણયપ્રદેશમાં પહોંચી ચૂકેલી, અદ્વિતીયને એ કળાય તેની એવી મનોસ્થિતિ જ ક્યાં હતી? પણ પપ્પા મારું કહેણ મૂકશે તો એ હા જ પાડશે ને...

પણ પિતાએ માગું નાખવાનું બન્યું જ નહીં.

હળવા નિસાસાભેર રેવાએ

કડી સાંધી :

છોકરો પાછો હિસાબનું પૂછશે એ વિચારે મદનભાઈએ મુંબઈ ફોન કરવાના બંધ કર્યા, પણ દીકરી માટે એ જચી ગયેલો. જોકે કહેણ મૂકવાની ઘડી આવે એ પહેલા ટૂંકી માંદગીમાં તેમને કાળ ભરખી ગયો. તેમને વળાવીને ડાઘુઓ આવે ત્યાં તો સાવિત્રીબહેનની શ્વાસડોર તૂટી.

હજુ માંડ ગ્રૅજ્યુએટ થયેલી રેવાના માથે દુ:ખના ખડકલા થવાની એ શરૂઆત હતી. એકઝાટકે માતાપિતાનું છત્ર ગુમાવી બેઠેલી રેવાને સૂધ નહોતી. ગામલોકોએ ખરખરે આવેલા તેનાં મામા-મામીને સલાહ આપી : તમારા સિવાય તેનું કોઈ સગુંવહાલું નથી, અનાથ ભાણીની જવાબદારી તમારી જ ગણાય.

ગામના મોભીઓ સામે સવિતામામીની જીભ ઝલાઈ ગઈ, પરાણે ભાણીને મોસાળ આણવી પડી.

સુરતના ચોકવિસ્તારમાં મામાનું અસલ ઢબનું ઘર હતું. બંને દીકરાઓ અમદાવાદની કૉલેજમાં હૉસ્ટેલમાં રહીને ભણે એટલે મોટા ઘરમાં મામા-મામી એકલાં જ, રેવાના આવવાથી વસતિ લાગશે એવું વિચારવા સવિતામામીની બુદ્ધિ ટેવાઈ નહોતી. રેવાના આવતાં જ તેમણે કામવાળીને છુટ્ટી આપી દીધી.

રેવાને કામનો વાંધો નહોતો, પણ મામી આડોશપાડોશમાં કે સગાંવહાલે ‘છોકરી તેનાં માબાપને ખાઈ ગઈ’ જેવો લવારો કરે એ શબ્દો દઝાડતા, પણ જતું કરતી. ગામ જવાનું મન થતું પણ મામા જીવ બાળશે ને ત્યાં માવતર વિના મને ઘર ખાવા ધાસે એમ વિચારી માંડવાળ કરતી.

તીવ્રપણે એ ઝંખતી અદ્વિતીયને. તેને મારી વીતકની જાણ નહીં હોય, નહીંતર મિત્રભાવેય આવ્યા વિના ન રહે. મારી પાસે તેનો નંબર કે મુંબઈનું સરનામુંય નથી. તેને ખબરે કેમ કરું?

વીતતા સમય સાથે એ તીવ્રતા પણ મંદ પડતી ગઈ. કદાચ અદ્વિતીયમાં ચાહતનો તણખો ફૂટ્યો જ નહીં હોય. મારા જેવી લગન તેને હોત તો ગામનું સરનામું તેણે કોને પૂછવું પડે એમ છે? સંભવ છે મુંબઈમાં તેને તેની પસંદનું પાત્ર મળી ગયું હોય ને તે પરણીયે ચૂક્યો હોય... એમ તો એમ. તે ખુશ રહે એટલું જ હું પ્રાર્થી શકું.

‘તારા મામામાં તો એટલીયે દુનિયાદારી નથી કે ઘરે કુંવારી કન્યા છે, જેને પરણાવાની છે. પાડ માન તારી મામીનો કે તારાં લગ્ન ગોઠવ્યાં છે.’

છ-એક મહિના અગાઉની વાત. બે-ત્રણ અઠવાડિયાંથી સવિતામામી વહાલ વરસાવતાં એમાં રેવાને બનાવટ ગંધાતી ને એક સાંજે અચાનક જ લગ્ન ગોઠવી દીધાનું કહેતાં ભડકી જવાયું. મામા પણ ચોંક્યા : ‘એમ તું અમને પૂછ્યામૂક્યા વિના બારોબાર નક્કી કરી આવી એ ન ચાલે.’

તેમના તેવરે સ્તબ્ધ બનેલાં મામી પછી ઊકળ્યાં : હાય... હાય, તમને તો મારી કદર જ નહીં. કાલ ઊઠીને આપણા છોકરાંવનાં લગ્ન લઈશું ત્યારે આ બુંદિયાળ મને મારા ઘરમાં નહીં જોઈએ. તેનું ભલું વિચારી લગ્નની જુબાન આપી છે. તમે નહીં જ માનવાના હો તો લો આ કાતર, કાપી નાખો મારી જીભ!

કહેતાં તે પોતે જ કાતર ચલાવવા ગયાં કે રેવાએ તેમનો હાથ પકડી લીધો, મામા ફસડાઈ પડ્યા, ‘ખરાં તારાં ત્રાગાં!’

‘મામા, તમે જીવ ન સંતાપો. મામી, તમે કહેશો ત્યાં હું પરણીશ, આમ મરવાની વાતો ન કરશો.’

મામીના ચહેરા પર વિજયસ્મિત ફરકી ગયું : ‘પાકું તો મેં આપણા તરફથી કર્યું છે. છોકરો ને તેની વિધવા મા કાલે તને જોવા આવશે. તેમને તું ગમી તો જ વાત આગળ વધશે.’

ત્યારે ક્યાં જાણ હતી કે છોકરો હા પાડવાનું નક્કી ઠેરવીને જ જોવા આવવાનો છે!

રેવાએ સંભાર્યું :

ના, છોકરો ભલે પરપ્રાંતી પરંતુ દેખાવડો તો હતો. સુશીલ પણ લાગ્યો. માતાજી પણ સાલસ જણાયાં.

‘વૈસે તો હમ બિહાર કે હૈં, પર સાલોં સે ગુજરાતમેં હૈં, મારા સત્યેનને તો ફાફડા-જલેબી ને ગાંઠિયાનો નાસ્તો બહુ ભાવે. બે મહિનાથી સુરતમાં છીએ. સત્યેનને હીરાનું કામકાજ છે. આર્થિક રીતે સધ્ધર છીએ. ભાઈસાહેબ, તમારી ભાણીને કોઈ વાતનું ઓછું નહીં આવે. હાલ તો હવેલીની બાજુમાં મકાન ભાડે રાખ્યું છે. સત્યેનનું કામ થોડું જામે કે ઘોડદોડ રોડ શિફ્ટ થવાના છીએ. ભલું થજો સવિતાબહેનનું કે તે હવેલીમાં ભાણીની ચિંતા કરતાં’તાં ને હું વહુ ખોળતી’તી. અમારો ભેટો ઠાકોરજીએ જ કરાવ્યો. એનાથી વિશેષ શુકન શું હોય?’

મામાનેય ભરોસો બેઠો. અંગત મુલાકાતમાં સત્યેન ઊર્મિશીલ લાગ્યો. કમસે કમ એને નકારવું પડે એવું કોઈ કારણ મળ્યું નહીં.

‘બોલો હવે તો ગોળધાણાનું પડીકું ફાડું ને?’ મામીએ ત્યાં સુધીની તૈયારી રાખી હતી!

એ ક્ષણે રેવાએ અદ્વિતીયના નામની હૈયાબારી સજ્જડપણે બંધ કરી દીધી. એકતરફા પ્રેમની કબૂલાતરૂપેય તે મારા-સત્યેન વચ્ચે કેમ આવવો જોઈએ? મારે હવે હૃદિયે સત્યેનનું નામ કોતરાય એવા યત્નો કરવાના!

‘ભાઈસાહેબ, તમને વાંધો ન હોય તો આવતા અઠવાડિયે શુભ મુહૂર્તમાં હવેલીમાં જ છોકરાંઓનાં લગ્ન લઈ લઈએ. સાદાઈથી જ પતાવીશું. અમારા તરફથી સત્યેનના બે મિત્રો આવશે.’

‘હા રે હા...’ નિર્ણય તો

મામીએ જ લેવાનો હતો. ‘તમે કહો એ મુહૂર્ત પાકું.’

અઠવાડિયું સડસડાટ વહી ગયું. સત્યેનનું ભાડાનું ઘર સુઘડ લાગ્યું. એકાંતમાં તે રેવાનાં રૂપની તારીફ કરતો, પણ સ્પર્શની મર્યાદા ઓળંગવાથી દૂર રહેતો. કેવો સંયમશીલ!

શુભ મુહૂર્તમાં ચૉરીના ચાર ફેરા ફરાયા, કોર્ટમાં નોંધણી ગોવાના હનીમૂનથી પરત થયા બાદ થવાની હતી.

‘તમે બેઉ ગોવા ફરીને આવો, હું વતનમાં ખુશી વહેંચી આઉં...’ સાસુમાએ ધનબાદની ટ્રેન પકડી, રેવા-સત્યેને ગોવાની ફ્લાઇટ.

સાઉથ ગોવાના રિસોર્ટમાં ચોથા માળે હનીમૂન સ્વીટ બુક હતો. રેવાને હવે રહી-રહીને કશુંક ખટકતું હતું. પત્નીમાં રસ લેવાને બદલે સત્યેન ફ્લાઇટમાં મોબાઇલ-ચૅટમાં વ્યસ્ત રહેલો, રૂમમાં ઊતરીને રોમૅન્ટિક થવાને બદલે ફ્રેશ થઈ જાણે ક્યાં

જતા રહ્યા?

મે બી, મારા માટે કોઈ લવલી સરપ્રાઇઝ પ્લાન કરવા જ ગયા હશે!

પણ સત્યેનને નીકળ્યાને પોણો કલાક થતાં અકળાઈ. હવે તો હદ થાય છે! પરણ્યાની પહેલી સાંજે આટલી બેપરવાહી કયો પતિ દાખવે?

સત્યેનની ખબર લેવાના ઇરાદે એ લૉબીમાં આવી. અહીંથી લાઉન્જમાં નજર નાખતાં ચમકી જવાયું. સત્યેન અમારા મૅરેજમાં હાજર રહેલા તેમના બે મિત્રો સાથે ગોઠવાઈ શરાબ પી રહ્યા છે?

કમાલ છે! રફીકભાઈ, સહદેવભાઈ અહીં શું કરે છે? પોતે ત્યાં જવું કે સત્યેનની અહીં જ રાહ જોવી?

રેવા અવઢવમાં રહી. છેવટે ત્રણે ઊભા થતા દેખાયા એટલે લિફ્ટમાં દાખલ થઈ : તેમને હાય-હેલ્લો તો કરતી જ આવું; નહીંતર સત્યેનને એવુંય થાય કે મારા મિત્રોને તારાથી આવકારે ન અપાયો!

ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાંથી નીકળી રેવાનું લાઉન્જના વળાંકે વળવું ને પિલરની આડશે ઊભેલા સત્યેનનું તેના મિત્રોને કહેવું, ‘રેવાને થોડી વારમાં હું ફરવા જવાને બહાને નૉર્થ ગોવાના તમારા ઉતારે મૂકી જઈશ. રસ્તામાં તેને બેહોશીવાળું પાણી પીવડાવી દઈશ એટલે તે બેભાન જ હશે. ત્યાંથી તેને ગલ્ફમાં  પહોંચાડી તેની વર્જિનિટીના દામ વસૂલો એ પહેલાં રેવાની ડિલિવરી સામે મને મારા બાકીના પચાસ ટકા, વીસ લાખ મળી જવા જોઈએ.’

રેવા સ્તબ્ધ. હું આ શું સાંભળું છું! મારો પતિ મને વેચી રહ્યો છે? ચિલ્લાઈને ત્રણે પુરુષોને એક્સપોઝ કરી દેવા હતા, પણ મારી પાસે પુરાવો ક્યાં છે? ઊલટું ત્રણે ચેતીને વાત ફેરવી નાખશે.

અંહ, પહેલા આંખમાં આંખ પરોવી સત્યેનને પૂછું તો ખરી કે સોદો કરવા તને હું જ મળી?

- અને કલાક પછી એ ઘડી પણ આવી પહોંચી.

રિસોર્ટની સેલ્ફ ડ્રિવન કારમાં પત્ની સાથે નૉર્થ ગોવા ફરવા નીકળેલા પતિએ એક તબક્કે આગ્રહ કર્યો, ‘મેડમ, કેમ કશું બોલતાં નથી? તરસ લાગી હોય તો પાણી પીઓ.’

પતિના હાથમાં ઝૂલતી બૉટલને રેવા પળ વાર તાકી રહી. આમાં ઘેન ભેળવાયાનું હું જાણતી ન હોત તો... ધ્રૂજી જવાયું.

‘સત્યેન, એક મિનિટ ગાડી ઊભી રાખો. મને કંઈ થાય છે.’

પાણી પીધા વિના! અચંબિત થતા સત્યેને બ્રેક દબાવી. નાનકડા પુલની મધ્યમાં કાર ઊભી રહી. નીચે ખાડીનાં પાણી પુરજોશમાં વહેતાં હતાં.

કારમાંથી ઊતરી રેવા બ્રિજનો કઠેરો પકડી હાંફતી ઊભી રહી. સામે સૂરજ ડૂબવાની તૈયારીમાં હતો. અહીં ભાગ્યે જ કોઈની અવરજવર હતી.

‘તમે કેટલા લાખમાં મારો સોદો કર્યો સત્યેન?’

‘તું જાણી ગઈ!’ સત્યેન ડઘાયો. રેવાએ તેનો કૉલર પકડ્યો. ‘દુષ્ટ!

મને વેચવા મારી સાથે પરણ્યો? મા જાણશે તો...’

અને સત્યેન હસ્યો... ખડખડાટ હસ્યો, ‘કેવી મા, રેવા?’

આથમતી સંધ્યાના સૂનકારમાં તેનું અટ્ટહાસ્ય બિહામણું લાગ્યુ. તેના પ્રશ્ને રેવાની સમજબારી ખૂલી ગઈ. સત્યેનનો ધંધો સમજાઈ ગયો. લૂંટેરી દુલ્હનના બહુ ગાજતા કિસ્સા જેવો જ આ બદમાશ દુલ્હાનો કિસ્સો છે. બનાવટી નામ, ભાડૂતી સગાં સાથે નવા શહેરમાં ગોઠવાઈ શિકાર તરાસવાનો, લગ્ન રચી હનીમૂનમાં પત્નીને હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા બદમાશોને હવાલે કરી દેવાનું આ ષડ્યંત્ર છે!

‘શિકાર ફસાવાના અમારી પાસે હજાર રસ્તા છે. તારા કિસ્સામાં મામીની લાલચનો લાભ લીધો. લગ્નનો કારસો ઝડપથી પાર પાડવા તારી મામીને ચાર લાખની રકમ ચૂકવી છે.’

મામીની લગ્ન પાછળની ઉતાવળ હવે સમજાઈ.

‘ચલ, બેસ ગાડીમાં છાનીમાની...’

સત્યેને બળજબરી આદરી. રેવા બચવા માટે જીવ પર આવી હતી. એક તબક્કે સત્યેને રેવાને દબોચી, પુલની રેલિંગ પર તેને પીઠના બળે વાંકી વાળી તેની ગરદન પર હાથ ભીંસતો ગયો.

રેવાને મોત તાંડવ કરતું દેખાયું, હતું એટલું જોર વાપરી તેણે ઘૂંટણની લાત સત્યેનના બે પગ વચ્ચે વીંઝી, કાળી ચીસ નાખતા સત્યેનને ધક્કો દઈ રેવા હજુ તો હાંફ ઉતારે ત્યાં બેવડ વળેલો તે લાલ કપડું જોઈ આખલો ભડકે એમ રેવા તરફ ધસ્યો. છેલ્લી ઘડીએ ચેતેલી રેવા બેસી પડીને હવામાં હાથ વીંઝતો સત્યેન રેલિંગ કુદાવી ખાડીમાં ખાબક્યો.

‘અને પછી?‘ અદ્વિતીયએ પૂછ્યું, રેવાએ નિ:શ્વાસ નાખ્યો,

‘પછી એનો કોઈ પત્તો નથી. સત્યેન ખાડીમાં ખાબક્યો, હું ત્યાંથી ભાગી. કઈ હામે બસસ્ટેન્ડ પહોંચી, ત્યાંથી મુંબઈ ને મુંબઈથી સુરતનું અંતર કેમ કાપ્યું એ મારું મન

જાણે છે...’

અદ્વિતીયને પોતાની વીતક કહેતી રેવાને જાણ નહોતી કે સત્યેન જીવે છે, સિક્કીમના લાચુંગમાં હોટલ મેનેજરના વેશમાં છુપાયો છે અને એને ચરણદાસ તરીકે ઓળખતી એક સ્ત્રી અત્યારે દરવાજે કાન માંડી ઊભી છે!

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 05:32 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK