Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કોને સાધર્મિક ભક્તિ ન કહેવાય એ જાણી લો આજે

કોને સાધર્મિક ભક્તિ ન કહેવાય એ જાણી લો આજે

Published : 06 September, 2023 07:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‍ કોઈ પણ સાધર્મિક પ્રત્યે કોઈના અંતરમાં હીનભાવના ન હોવી જોઈએ. દરેક પ્રત્યે હૃદયમાં એકસરખો બહુમાન ભાવ ધારણ કરવો જોઈએ. જાહેરમાં લાઇનમાં ઊભા રાખીને અનાજની કિટ અપાય છે એમાં સાધર્મિક પ્રત્યે ભક્તિભાવ નહીં, દયાભાવ આવી જતો હોય છે

પ્રતીકાત્મક તસવીર

જૈન વાણી

પ્રતીકાત્મક તસવીર


‍ કોઈ પણ સાધર્મિક પ્રત્યે કોઈના અંતરમાં હીનભાવના ન હોવી જોઈએ. દરેક પ્રત્યે હૃદયમાં એકસરખો બહુમાન ભાવ ધારણ કરવો જોઈએ. જાહેરમાં લાઇનમાં ઊભા રાખીને અનાજની કિટ અપાય છે એમાં સાધર્મિક પ્રત્યે ભક્તિભાવ નહીં, દયાભાવ આવી જતો હોય છે

સાધર્મિક ભક્તિની ગઈ કાલે અધૂરી રહી ગયેલી વાતને આજે આગળ ધપાવીએ. એક સમયે સમાનધર્મીને સાધર્મિક ગણવાનો રિવાજ પ્રચલિત હતો. આજે લગભગ સાધર્મિકની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. જે દીન હોય, લાચાર હોય, ગરીબ હોય, જેની સમાજમાં કોઈ વૅલ્યુ ન હોય એ સાધર્મિક.



અલબત્ત, આ વ્યાખ્યા ગલત છે. કોઈ પણ સાધર્મિક પ્રત્યે કોઈના અંતરમાં હીનભાવના ન હોવી જોઈએ. દરેક પ્રત્યે હૃદયમાં એકસરખો બહુમાન ભાવ ધારણ કરવો જોઈએ.


જોકે સાધર્મિક પ્રત્યે તુચ્છ નજરે જોવાનું જે ચાલુ થયું છે એની પાછળ મારા હિસાબે વર્તમાનમાં જે રીતે સાધર્મિકને સહાય આપવાની ચાલુ થઈ છે એ હોઈ શકે. શ્રી સંઘોમાં 200-300 સાધર્મિકને જાહેરમાં લાઈનમાં ઊભા રાખી ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયાના અનાજની કિટ પકડાવી દઈને શ્રેષ્ઠીઓ સાધર્મિકને સહાય કર્યાનો આત્મસંતોષ માની લે છે. હકીકતમાં આ સાધર્મિકભક્તિ નથી. આ તો સાધર્મિકની આબરૂનું છડેચોક લીલામ છે. ભૂલમાં પણ લાલચ કે લાચારીને લીધે એક જ સાધર્મિક બીજી વખત આવી જાય તો એને જે રીતે હડધૂત કરવામાં આવે છે એ જોતાં સાધર્મિક પ્રત્યે ભક્તિભાવ નહીં, દયાભાવ આવી જતો હોય છે. અસ્તુ.

મુંબઈ, સુરત, અમદાવાદ વગેરે સંઘોમાં સાધર્મિક ફાઉન્ડેશન દ્વારા જે બહુમાનથી દર વર્ષે પદ્મભૂષણ આ. શ્રી. રત્નસુંદરસૂરીશ્વરજી મા.સા.ની પ્રેરણાથી લાખો રૂપિયા સાધર્મિક બંધુઓના એજ્યુકેશન, મેડિકલ વગેરેમાં વપરાય છે એ લાજવાબ છે.


યાત્રાત્રિકઃ શ્રાવકે વર્ષમાં એક વાર ત્રણ પ્રકારની યાત્રા કરવી જોઈએ. ત્રણ યાત્રા આ પ્રમાણે છે. 

જિનયાત્રાઃ દર વર્ષે શ્રાવકોએ છ અઠ્ઠાઈમાં કે મોટા દિવસોમાં આઠ દિવસનો પ્રભુભક્તિનો ઉત્સવ કરવો જોઈએ.

રથયાત્રાઃ વર્ષમાં એક વાર સુવર્ણ કે રજતના રથમાં પ્રભુજીને બિરાજમાન કરી વિવિધ વાજિંત્રોના નાદ સાથે રાજમાર્ગ ઉપરથી જાજરમાન રથયાત્રા કાઢવી. હા, આજના ટ્રાફિકપ્રધાન યુગમાં કોઈને અભાવ - દુર્ભાવ ન થાય એનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ.

તીર્થયાત્રાઃ જેનાથી સંસાર સમુદ્ર તરી જવાય એનું નામ તીર્થ. આપણા પુણ્યોદયે આજે પણ ભારતભરમાં સેંકડો પ્રાચીન તીર્થો સચવાયેલાં છે. આવાં પ્રભાવક તીર્થોની ‘છરી’ના પાલનપૂર્વક તીર્થયાત્રા કરવી જોઈએ. ગુરુભગવંતની નિશ્રામાં સેંકડો - હજારો શ્રાવક-શ્રાવિકાઓને લઈને ઉદારતાપૂર્વક તીર્થયાત્રા કરવાથી લાભાર્થીને સંઘપતિ કે સંઘવીનું બિરુદ પ્રાપ્ત થાય છે. નજીકના કાળમાં કે. પી. સંઘનો રાણકપૂરનો સંઘ અને જૂના કાળમાં નગીનદાસ કરમચંદે કઢાવેલો ભદ્રેશ્વરતીર્થનો સંઘ આજે પણ ઇતિહાસમાં અમર થઈ ગયો છે.

હા, આજે જે રીતે ટ્રેન કે બસમાં જેઓ યાત્રા કરવા શ્રાવકોને લઈ જાય છે એમણે અમે સંઘ કઢાવેલો એવો શબ્દપ્રયોગ ન કરતાં અમે યાત્રા પ્રવાસ કરાવેલો એવો પ્રયોગ કરવો જોઈએ.

સ્નાત્ર મહોત્સવઃ ત્રિલોકપતિ પરમાત્માનો સ્નાત્ર મહોત્સવ શ્રાવકોએ બને તો રોજ ઊજવવો જોઈએ. નહીં તો વર્ષમાં એક વાર ખૂબ ઠાઠથી - આખા સંઘને ભેગો કરી સ્નાત્રોત્સવ મનાવવો જોઈએ. ઉત્કૃષ્ટ ફળ, ફૂલ, નૈવેદ્ય, ઢાંકવા દ્વારા પ્રભુ પ્રત્યેનું બહુમાન વ્યક્ત કરવું જોઈએ.

 
શ્રાવકે વર્ષમાં એક વાર ત્રણ પ્રકારની યાત્રા કરવી જોઈએ. આ ત્રણ યાત્રા એટલે જિનયાત્રા, રથયાત્રા અને તીર્થયાત્રા.

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2023 07:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK