૧૦૧મા વર્ષમાં પ્રવેશેલા કીર્તિભાઈ દોશીનાં સાદગી, ધૈર્ય અને નક્કરતા ભલભલાને તેમના પ્રત્યે માન જગાવે એવાં છે. આખી જિંદગી ખુમારી અને સત્ય, અહિંસા અને કરુણાના જૈન ધર્મના સિદ્ધાંતો સાથે જીવેલા આ અંકલે આજે પણ પોતાના રૂટીન કાર્યમાંથી બ્રેક નથી લીધો
કીર્તિભાઈ દોશી
જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના તેઓ ફાઉન્ડર મેમ્બર રહી ચૂક્યા છે અને ૧૯૭૧માં એના ચૅરમૅન હતા અને તેમણે શિક્ષણથી લઈને કુદરતી વિપદાના રિલીફ ફન્ડ જેવા અનેક પ્રકારના સોશ્યલ વર્કમાં પણ સતત અગ્રણી ભૂમિકા ભજવી છે.
પૈસા બનાવવા હોય કે જીવનમાં આગળ વધવું હોય તો સિદ્ધાંતો સાથે બાંધછોડ તો કરવી જ પડે એવું માનનારા લોકોએ પેડર રોડ પર રહેતા ૧૦૦ વર્ષના કીર્તિભાઈ દોશીને અચૂક મળવું જોઈએ. ભારતની સૌથી કીમતી ઇન્ડસ્ટ્રી એવી ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ વધારવામાં અને એના રૂટ્સને ઊંડાં કરવામાં આ મહાનુભાવે બહુ જ સક્રિય ભાગ ભજવ્યો છે. ૨૦૨૨ની ૧૨ ઑક્ટોબરે તેમણે ૧૦૧મા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને જીવનના અનેક બદલાવોને જોયા જ નથી પણ એને આત્મસાત કરીને એના પર ભરપૂર મનન-ચિંતન કર્યું છે. એટલે જ વેપારી હોવા છતાં ફિલોસૉફીને જીવંત કરનારા કીર્તિભાઈને મળ્યા પછી તમારી પોતાની પણ લાઇફ માટેની ડેફિનિશન ઘણા અંશે બદલાઈ જશે અને જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ વધારે પ્રૅક્ટિકલ બનશે તો સાથે હકારાત્મક અને મૂલ્યનિષ્ઠ પણ બનશે. તેમની સાથે થયેલી રોચક મુલાકાતની રોમાંચક વાતો પ્રસ્તુત છે અહીં.
ADVERTISEMENT
શરૂઆતથી જ સભાન
વ્યવસાયિક રીતે સંપન્ન થવાની યાત્રામાં કીર્તિભાઈએ તેમના પિતા સાથે કદમથી કદમ મિલાવીને હસતાં-હસતાં સંઘર્ષ કર્યો છે. પિતા કાલિદાસ સાંકળચંદ દોશી ૧૯૦૬માં મુંબઈ આવ્યા અને બ્રિટિશ કંપનીમાં હીરાના એજન્ટ તરીકે કામની શરૂઆત કરી. કીર્તિભાઈ કહે છે, ‘પાલનપુરથી માત્ર છ રૂપિયા અને ૧૪ આના લઈને મારા પિતાજી મુંબઈ આવ્યા હતા, જે એ સમયે ટ્રેનનું ભાડું હતું. અહીં આવીને ફેલિક્સ વૉક નામની કંપનીમાં એજન્ટ તરીકે જોડાયા. ૧૯૦૬માં મુંબઈ આવ્યા ત્યારે ૪૫ રૂપિયામાં પાંચ જણના કુટુંબનો ઘર ખર્ચ નીકળતો હતો. એ સમયે હાર્ડલી સત્તર-અઢાર ફૉરેનની કંપની ભારતમાં કામ કરતી હતી. પિતાજીનું અંગ્રેજી એ જમાનામાં પણ બહુ સારું હતું. એ જમાનામાં આવું ફાંકડું અંગ્રેજી જાણતા ઓછા વેપારી કે બ્રોકરો હતા. પ્રામાણિકતા, મહેનત, ડેડિકેશન અને જૈન ધર્મના સિદ્ધાંતોમાં પાયામાં આવતાં કરુણા અને ત્યાગને આંખ સામે રાખીને જ તેઓ જીવ્યા છે. ખાસ તો નિયમિતતા, જે વિદેશીઓ ખૂબ અપ્રિશિએટ કરતા. એ સમયમાં લોકો ઘડિયાળને ધ્યાનમાં રાખીને નહીં, કૅલેન્ડરને ધ્યાનમાં રાખીને વાતો કરતા. આ બધામાં જુદા તરી આવતા મારા પિતાનું નામ પણ ખૂબ બન્યું અને તેમની કામ કરવાની રીત પણ ખૂબ પ્રશંસનીય બની હતી. આજે જે કંઈ છું એ મારા પિતાની ટ્રેઇનિંગનું જ પરિણામ છે.’
સ્વાતંત્રતાની ચળવળ
પિતાને કારણે હીરા બજારમાં આવેલા કીર્તિભાઈનું એજ્યુકેશન મુંબઈમાં જ થયું છે. જે જમાનામાં મેટ્રિક પાસ કરીને વેપારમાં લાગી જવું એ બહુ સહજ વાત હતી ત્યારે તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગ્રૅજ્યુએશન કર્યું. ઇકૉનૉમિક્સ અને લોમાં પોસ્ટ-ગ્રૅજ્યુએટ થવા માટેનું ઍડ્મિશન પણ લઈ લીધું હતું અને આગળ ફૉરેનમાં જઈને ભણવાનું તેમણે વિચારી લીધું હતું, પણ ૧૯૪૨માં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ બહુ જોરશોરથી ચાલતી હતી. એ પ્રસંગોને યાદ કરતાં આંખોમાં એક જુદી જ ચમક સાથે કીર્તિભાઈ કહે છે, ‘ત્યારે એવું બન્યું કે આઝાદીનો જુવાળ મારામાં પણ જાગી ગયો હતો. કૉલેજના સમયે હું ભણવા જવાને બદલે સ્વતંત્રતાની ચળવળનાં પરબીડિયાં વેચવા જતો. એમાં ભણવાનું છૂટી ગયું. પિતાને આની જાણ થતાં તેમણે મને થોડોક સમય માટે પાલનપુર મોકલી દીધો. પછી તો વેપારમાં જ પૂરું ધ્યાન આપવાનું હતું.’
હીરાબજારમાં આવ્યા પછી ટેક્નૉલૉજિકલ ઍડ્વાન્સમેન્ટ લાવવાથી લઈને અહીં કામ કરતા વેપારીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે વિવિધ અસોસિએશનની સ્થાપના કરનારા કીર્તિભાઈએ હીરાબજારની ચમક વધારવામાં અને વિકાસનાં મૂળિયાં નાખવાનું બહુ જ મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે. તેમણે પ્રામાણિકતાને પ્રાયોરિટીમાં રાખી અને એટલે જ જ્યારે એવો સમય આવ્યો કે સરકારે અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હીરાની ઇમ્પોર્ટ પર લગામ તાણી ત્યારે તેમણે પોતાનું ફીલ્ડ ચેન્જ કરીને પ્રેશ્યસ સ્ટોન એમરલ્ડ, સફાયર, રુબી જેવા સ્ટોન પર ફોકસ કર્યું.
આ પણ વાંચો : પૅશન હોય ત્યાં ઉંમર પાણી ભરે એ આનું નામ
વિદેશપ્રવાસ
૧૯૪૭માં તેઓ ઍન્ટવર્પ ગયા. બહુ ઓછા ભારતીય વેપારીએા એ સમયે ત્યાં હતા. થોડાક સમયમાં હીરા બજારના વેપારની નીતિમાં બદલાવ આવ્યો, કારણ કે સરકારે હીરાની ઇમ્પોર્ટ પર બૅન મૂકી દીધો. એટલે કીર્તિલાલે પોતાનું ધ્યાન પ્રેશ્યસ સ્ટોન એક્સપોર્ટ પર શિફ્ટ કર્યું. યુરોપ, યુકે, ફ્રાન્સ, જર્મની, ઇટલી, અમેરિકા, ઑસ્ટ્રેલિયામાં પન્ના, સફાયર, રુબી વગેરેની એક્સપોર્ટ કરતા કેટલાક વેપારીઓ સાથે જોડાઈને તેમણે પણ એ કામમાં ઝંપલાવ્યું. એ સમયે કીર્તિભાઈએ ભારતના વેપારીઓ પાસેથી ફૉરેન કસ્ટમર માટે રફ લઈને ૧૯૫૬માં ભારતમાં જ કટિંગ અને પૉલિશિંગ કરીને ડાયમન્ડ એક્સપોર્ટ કરવાનું શરૂ કર્યું. આગળ જતાં ભારતની ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે આ બહુ જ મોટું કામ બની ગયું હતું.’
નિઝામના ખજાનાના વૅલ્યુઅર
કીર્તિભાઈ આખા વિશ્વમાં ફરી ચૂક્યા છે. કલર સ્ટોન અને રિયલ ડાયમન્ડની તેમની પરખ એવી જોરદાર હતી કે રાષ્ટ્રીય સ્તરે એની નોંધ લેવાઈ રહી હતી એટલે બૉમ્બે કસ્ટમના વૅલ્યુઅર તરીકે તેમની નિમણૂક થઈ હતી. સરકારને તેમની ક્ષમતા પર એટલે ભરોસો હતો કે ૧૯૭૫માં નિઝામના ખજાનાના વૅલ્યુએશન માટે તેમને બોલાવવામાં આવ્યા હતા. કસ્ટમ અને સેન્ટ્રલ એક્સાઇઝ દ્વારા જ્વેલરી સીઝ થઈ હતી એના વૅલ્યુએશન માટે તેમને બોલાવવામાં આવ્યા હતા. હીરાના કામમાં પણ ટેક્નૉલૉજી બદલાઈ રહી હતી. ૧૯૮૭માં ભારતમાં પહેલી વાર ડાયમન્ડ કટ કરવા માટેની લેઝર ટેક્નૉલૉજી તેઓ ભારતમાં લાવ્યા હતા અને ભારતીય હવામાન પ્રમાણે ટેક્નૉલૉજીમાં મૉડિફિકેશન પણ કર્યાં તેમણે. તેઓ કહે છે, ‘બદલાતા સમય સાથે તમારે બદલાવું પડે અને જો ન બદલાઓ તો પાછળ રહી જાઓ. ટેક્નૉલૉજીનો યુગ શરૂ થયો એ પછી આખી ઇન્ડસ્ટ્રી માટેના વિઝન સાથે આગળ વધવાનું હતું. ૧૯૫૫માં પ્રેશિયસ સ્ટોન ઇમ્પોર્ટર્સ ઍન્ડ એક્સપોર્ટર્સ અસોસિએશનની શરૂઆત કરી અને એક્સપોર્ટ બૂસ્ટ કરવા માટે જરૂરી કાયદાકીય બદલાવ આવે એ માટે સરકાર સાથે પણ મંત્રણાઓ કરીને સફળતા મેળવી શક્યા.
બિઝનેસમાં પ્રોફેશનલિઝમ આવે અને પદ્ધતિસર લોકો શીખે એ માટે જેમોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની સ્થાપના એ સમયે કેટલાક અગ્રણીઓ સાથે મળીને કરી, જેમાં ડાયમન્ડ ટેસ્ટિંગ અને અસૉર્ટમેન્ટ શીખવવામાં આવતું. નેપાલ, ઝિમ્બાબ્વે, ટાન્ઝાનિયા, કેન્યા, મૉરિશ્યસના લોકો અહીં શીખવા આવતા; જેને પછી તો ભારત સરકારની માન્યતા મળી છે.’
અહીં ઉલ્લેખનીય છે કે સરકારે જ્યારે એક્સપોર્ટ ઍડ્વાઇઝરી કમિટીની રચના કરી ત્યારે જેમ ઍન્ડ જ્વેલરી બિઝનેસ માટે ત્યારે કીર્તિભાઈ એમાં સામેલ હતા. તેમણે શિક્ષણથી લઈને કુદરતી વિપદાના રિલીફ ફન્ડ જેવા અનેક પ્રકારના સોશ્યલ વર્કમાં પણ સતત અગ્રણી ભૂમિકા ભજવી છે.
સુપર ઍક્ટિવ
જીવનમાં આટલુંબધું અચીવ કરી લીધું હોય, ઘાટઘાટનાં પાણી પીધાં હોય એ માણસ ૧૦૧ વર્ષ સુધી જીવે અને સ્વસ્થ હોય. રહસ્ય શું છે? તમને થાય કે આ ઉંમરે વ્યક્તિ શું કરતો હોય? તમારી તમામ કલ્પનાઓ ઝાંખી પડી જાય એ સ્તર પર કીર્તિભાઈ દોશી સક્રિય છે. ૯૬ વર્ષની ઉંમર સુધી તેઓ પોતાનાં કપડાં જાતે ધોતા હતા. વાંચન, લેખન અને ધાર્મિક ગ્રંથોના શ્રવણમાં તેમના દિવસનો મહત્તમ સમય અત્યારે પણ પસાર થાય છે. ચિંતન કણિકા, સુવાક્યો અને કહેવતોને લગતાં તેમનાં અગિયાર જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. દરરોજ સવારે યોગ, પ્રભુપૂજા અને બને એટલો સાદો આહાર એ તેમનાં મોટા ભાગનાં વર્ષોનો આહાર રહ્યો છે. બહુ જ નમ્રતા સાથે તેઓ કહે છે, ‘સાદગી અને સદ્ભાવ સાથેની સક્રિયતા તમને સફળતા સાથે આત્મસંતોષ પણ આપશે. ખોટું કરીને તમને શૉર્ટકટમાં સફળતા મળી જાય પણ માનસિક શાંતિ તો ન જ મળે. લેખનનું કાર્ય કરું છું. વાંચન ચાલે છે. કર્મની થિયરી ન્યારી છે અને જીવન આપણાં જ કર્મોનું ફળ છે એટલે દુખી થયા વિના સ્વીકાર ભાવ સાથે આગળ વધતા રહો, દુઃખનો અનુભવ ન થાય. જૈન સાધુ બનવાની આ જનમમાં પણ ખૂબ ભાવના હતી પરંતુ ભાવ થયા ત્યારે ઉંમર નીકળી ગઈ હતી. હવે બસ, એ જ ભાવના છે કે આવતા જનમમાં જૈન સાધુ બની શકું એવા સંજોગો ઊભા થાય.’
સાદગી અને સદ્ભાવ સાથેની સક્રિયતા તમને સફળતા સાથે આત્મસંતોષ પણ આપશે. ખોટું કરીને તમને શૉર્ટકટમાં સફળતા મળી જાય પણ માનસિક શાંતિ તો ન જ મળે. - કીર્તિભાઈ દોશી


