ટુ ધ પૉઇન્ટ શ્રી શત્રુંજય જૈન તીર્થમાં ગઢ ઉપર આવેલા મહાદેવજીના મંદિરના કાર્યભાર સહિત કુલ ૧૯ મુદ્દાઓને લગતા પ્રશ્નો સુલઝાવવા માટે સરકારે ટાસ્ક ફોર્સનું ગઠન કર્યાને હવે અઠવાડિયું થશે
પાલિતાણા તીર્થને લગતા વિવાદમાં કોણ સાચું? જૈનો કે સનાતનીઓ?
ટુ ધ પૉઇન્ટ શ્રી શત્રુંજય જૈન તીર્થમાં ગઢ ઉપર આવેલા મહાદેવજીના મંદિરના કાર્યભાર સહિત કુલ ૧૯ મુદ્દાઓને લગતા પ્રશ્નો સુલઝાવવા માટે સરકારે ટાસ્ક ફોર્સનું ગઠન કર્યાને હવે અઠવાડિયું થશે ત્યારે ‘મિડ-ડે’નાં રુચિતા શાહે ‘જૈન નગરી સનાતન નગરી બનશે’ જેવાં ભડકાઉ ભાષણો આપનારા પૂજ્ય શરણાનંદ બાપુ સાથે વિશેષ મુલાકાત કરી અને તેમની બાજુને સમજવાનો પ્રયાસ કર્યો તો સાથે જ સિક્કાની બીજી બાજુ જાણવા શત્રુંજય તીર્થ રક્ષાના ધ્યેય સાથે શોધ-સંશોધન કરી રહેલા પૂજ્ય આચાર્ય અજયસાગરસૂરિ મહારાજ સાથે પણ વાતો કરી. એ આખો વાર્તાલાપ આજે આપની સમક્ષ પ્રસ્તુત છે. હવે તમે જાતે જ કરો દૂધનું દૂધ અને પાણીનું પાણી
ADVERTISEMENT
સેંકડો વર્ષોથી સૌરાષ્ટ્રમાં ભાવનગર પાસે આવેલું શ્રી શત્રુંજય મહાતીર્થ જૈનોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. જૈનો માટે અન્ય તમામ તીર્થ કરતાં આ તીર્થ અનેકગણું પવિત્ર ગણાય છે. જૈન શાસ્ત્રોની દૃષ્ટિએ અહીંનાં મંદિરો કે ભગવાનની મૂર્તિઓ જ નહીં, પર્વતનો કણેકણ પૂજનીય છે. આ જ કારણ છે કે વધુ ને વધુ જૈનો આ તીર્થની સ્પર્ષના થાય એ ધ્યેય સાથે જાતજાતનાં તપ-સાધનાઓ કરતા હોય છે. પ્રત્યેક પગથિયાની પૂજા કરનારા, આખા ગઢની પ્રદક્ષિણા આપનારા અને કઠિનમાં કઠિન તપ કરનારા આસ્થાળુઓની કોઈ કમી નથી અહીં. વર્ષોથી ચાલી રહેલી આ પરંપરામાં હવે વિવાદ શું છે? વિવાદ એ છે કે પાલિતાણામાં મુખ્ય દેરાસરની નજીકના પ્રાંગણમાં મહાદેવજીનું એક મંદિર છે. નામ છે નીલકંઠ મહાદેવ મંદિર. વર્ષોની પરંપરા મુજબ આણંદજી કલ્યાણજી પેઢી આ મંદિરનો કાર્યભાર સંભાળે છે અને સનાતની પૂજારી પાસે જ મંદિરની પૂજા વિધિ પણ કરાવડાવે છે. જૈનો-અજૈનો દર્શન માટે પહેલાં પણ આ મંદિરમાં જઈ શકતા હતા અને આજે પણ જઈ શકે છે. જોકે કેટલાક ગણ્યા-ગાંઠ્યા લોકો પોતાના નિજી ફાયદા માટે ખોટા ટ્રસ્ટની આડમાં આ મંદિર પર પોતાનો કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો અને ધીમે-ધીમે આખા તીર્થ પર પોતાનો કબજો જમાવવાની કોશિશ કરી રહ્યા હોવાનો જૈન સમાજ તરફથી આક્ષેપ છે. લોકોને ડરાવી-ધમકાવીને પોતાનું ધાર્યું કરાવવા માટે જાણીતા મના ભરવાડ (જે ડોલીવાળાના અસોસિએશનનો પ્રમુખ હતો) આ પવિત્ર પર્વત અને ફૉરેસ્ટની જમીન પર સતત એન્ક્રોચમેન્ટ કરી રહ્યો છે અને તે જ મંદિર માટે પણ લોકોને ભડકાવી રહ્યો હોવાની વાતો થઈ રહી છે. એન્ક્રોચમેન્ટ મુદ્દે તેના પર કોર્ટમાં કેસ પર ચાલી રહ્યો છે. જોકે એથીયે વધુ મંદિરના નામે સનાતનીઓને ભડકાવવાનો આરોપ જેમના પર છે એવા પૂજ્ય શરણાનંદ બાપુ શિવમંદિરને લગતા અધિકારો માટે થોડાક મહિના પહેલાં ધરણાં પર પણ બેઠા હતા અને આજે પણ તેઓ આંદોલનમાં આગળ પડતું નામ ગણાય છે ત્યારે ‘મિડ-ડે’એ તેમના પક્ષને જાણવા-સમજવા તેમની સાથે મુલાકાત કરી અને કેટલાક તીખા કહી શકાય એવા પ્રશ્નો પણ તેમને પૂછ્યા જેના તેમણે બેબાક જવાબ આપ્યા. સામા પક્ષે જૈન સમાજના શ્રી શત્રુંજય તીર્થ રક્ષા શ્રમણ સમિતિના માર્ગદર્શનમાં છેલ્લાં છ વર્ષથી દિવસ-રાત એક કરીને શ્રી શત્રુંજય તીર્થની આંટીઘૂંટીઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી રહેલા પૂજ્ય અજયસાગરસૂરિજી મહારાજસાહેબ સાથે પણ બાપુના જવાબના કાઉન્ટર જવાબ મેળવવાની કોશિશ કરી. નિષ્પક્ષ રીતે આખા વિષયને આજે આપની સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. અહીં કોઈની ધાર્મિક ભાવના ન દુભાય એની પૂરતી ચોકસાઈ અમે રાખી છે અને માત્ર આખી વાત તટસ્થતા સાથે બહાર આવે અને બન્ને પક્ષ પોતાના મતને વ્યક્ત કરી શકે એવું પ્લૅટફૉર્મ અહીં પૂરું પાડ્યું છે તો થોડાક જુદા અંદાજમાં માણો આ વખતનું ટુ ધ પૉઇન્ટ.
સ્વામીજી, આપ રાષ્ટ્રને સર્વોપરી માનતા પદ્મશ્રી સંત સ્વામી સચ્ચિદાનંદજીને ગુરુ માનો છો અને રાષ્ટ્રહિત છોડીને ધર્મના નામે વિખવાદ ઊભા કરતા વિવાદમાં પડ્યા છો? એવી શું જરૂર પડી?
શરણાનંદ બાપુઃ નાનપણથી જ ધર્મ પ્રત્યે લગાવ અને રાષ્ટ્રપ્રેમની ભાવના હતાં. એમાં જ સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી વગેરેને વાંચવાનું બન્યું. મારી જીવનયાત્રામાં સ્વામી સચ્ચિદાનંદજીનાં પુસ્તકોનો પણ પ્રભાવ રહ્યો અને લગભગ સાતેક વર્ષ તેમના સાંનિધ્યમાં રહેવાનું પણ બન્યું. હું તેમને મારા ગુરુ તરીકે સ્વીકારું છું અને તેમના થકી રાષ્ટ્ર સર્વોપરીની ભાવના મારામાં રહી. હું મારા કાર્યમાં સક્રિય હતો ત્યારે ૨૦૧૭ની એક ઘટના મારી સામે આવી. પાલિતાણામાં દેરાસર પર વીજળી પડેલી એટલે એનું મરમ્મતનું કામ ચાલતું હતું. એમાં એક ગુફા નીકળી અને એમાંથી દેવી-દેવતાની ખંડિત મૂર્તિઓ નીકળી અને લોકો સામે આ વાત જાહેર થઈ. એ સમયમાં સાધુ-સંતોની મીટિંગ બોલાવાયેલી. ઘણાં સનાતની રક્ષક સંગઠનો એકઠાં થયેલાં જેમાં મને પણ બોલાવવામાં આવેલો. હું જ્યારે મીટિંગમાં ગયો અને વિગતો સાંભળી તો મેં સ્પષ્ટતાપૂર્વક કહેલું કે જો તમારી વાત સાચી નીકળી તો હું તમારી સાથે અને ખોટી નીકળી તો હું તમારી સામે વિરોધ કરીશ. એ સમયે ભરત રાઠોડ અને વિશ્વ હિન્દુ પરિષદની આગેવાની હતી. એ દરમ્યાન અમે મંજૂરી લઈને ઉપર ગયા તો જોયું કે રામચંદ્ર ભગવાનની મૂર્તિ તૂટેલી હાલતમાં છે. ત્યારે નીલકંઠ મહાદેવ મંદિરની પણ જાણ થઈ. ત્યાં જોયું તો પ્રાચીન મંદિર જણાયું. તપસ્થલી જેવું લાગ્યું. એની માહિતી મેળવવાની કોશિશ કરી તો ખબર પડી કે આ તો સરકારી ટ્રસ્ટનું મંદિર છે અને એના કર્તાહર્તા કલેક્ટરસાહેબ છે. મૂળ ટ્રસ્ટીઓ હયાતમાં ન હોવાથી ભરતભાઈ અને મનાભાઈએ નવા ટ્રસ્ટીની નિમણૂક માટે ઍપ્લિકેશન કરેલી. કોર્ટમાં બધું ચાલતું હતું. કાર્યવાહી વગેરે જોયું. પૂજારીને લઈને વિવાદ ચાલતો હતો. અને જે કેસ દાખલ થયેલો હતો એનો ચુકાદો બહુ પાછળથી આવ્યો. એના ડૉક્યુમેન્ટ્સ જોયા તો લાગ્યું કે ખરેખર આ તો આ સ્વતંત્ર મંદિર છે. પાલિતાણાના મહારાજા વખતે શિમલા કરાર પણ થયેલા. કરારનામું પણ કહે છે કે ગઢની બહાર જે નીલકંઠ મહાદેવ મંદિર છે એ ગઢથી અલગ રહેશે. આ જોયા પછી લાગ્યું કે જે વસ્તુ સ્વતંત્ર છે એને સ્વતંત્ર રાખવી જોઈએ. બીજું, કલેક્ટરસાહેબનું જાહેરનામું છે કે રાતે કોઈએ ઉપર રહેવું નહીં. અહીં ગઢ ઉપર અંગારશાની દરગાહ પણ છે અને જિનાલયો પણ છે. તો ત્યાં પૂજારી, ચોકીદાર, રસોઇયા, મૅનેજર રાત્રિવાસો કરે છે. મુંજાવારો પણ રાત્રિવાસો કરે છે. જોકે શિવ મંદિરના પૂજારીને રાત્રિવાસો કરવાનું અલાઉડ નથી. અહીં રાત્રે શિવરાત્રિ જેવા મહોત્સવમાં પણ એક દિવસ મંદિરને મંજૂરી ન મળે? અમારો સરકારની સામે વિરોધ એ રહ્યો કે જાહેરનામું છે તો બધા માટે સરખું રાખો. બસ, આ રીતે આ આખી વાતની શરૂઆત થઈ.
આચાર્ય અજયસાગરસૂરિ મહારાજઃ સૌથી પહેલાં તો પોતે આંદોલનમાં જોડાવા માટે નિમિત્ત બનેલી જે ઘટનાનો ઉલ્લેખ શરણાનંદ બાપુએ કર્યો છે એ ૨૦૧૭ નહીં પણ ૨૦૨૦ની વાત છે. એ ગુફા નહીં પણ એક ભંડકિયું એટલે કે જમીનમાંનું નાનું ભોંયરું હતું. દેરાસરના ભોંયરામાંથી હિન્દુ મૂર્તિઓ મળી છે અને એને ઇરાદાપૂર્વક હટાવી દેવામાં આવી છે એ પણ તદ્દન પાયાવિહોણો દુષ્પ્રચાર હતો અને સદંતર ઊપજાવી કાઢેલો મુદ્દો હતો. પેઢી દ્વારા એ વખતે આખી વાતના ખુલાસાપૂર્ણ જવાબોની કૉપી ભાવનગરના કલેક્ટર, ડીઆઇજી, એસપીસાહેબ તથા પાલિતાણાના નાયબ કલેક્ટરસાહેબને મોકલવામાં આવી હતી. એના ફોટો પણ ઉપ્લબ્ધ છે. ફોટોમાં જોશો તો આ મૂર્તિઓ ભેગી તીર્થંકરોની પણ ખંડિત મૂર્તિઓ દેખાશે. આપણી પ્રાચીન શિલ્પ પરંપરા મુજબ જૈન અને હિન્દુ બન્ને મંદિરોના થાંભલાઓ પર કે રંગમંડપ વગેરેમાં હાથમાં ધનુષ સાથેના દેવતાઓની આવી મુર્તિઓ લાગતી હોય છે. જિનાયલમાં પણ મૂળ ગર્ભદ્વારને બાદ કરતાં વિશ્વમાં પ્રવર્તતી જુદી-જુદી વાતોને દર્શાવતાં શિલ્પો તથા વિવિધ સ્વરૂપમાં દેવ-દેવીઓની મૂર્તિઓની કોતરણી થાય છે. પરંતુ હા, ગર્ભગૃહમાં માત્ર મુખ્ય આરાધ્યદેવ જ હોય. ઘણાં જૈન તીર્થોમાં કોતરણીકામમાં તમને આવાં શિલ્પો દેખાશે. એનો અર્થ એ નથી કે એ જે-તે પરંપરાનું મંદિર બની ગયું. એ સમયે ગઢ પર આવેલી મોદી ટૂંકમાં ચાલી રહેલા ફ્લોરિંગનાં કામમાં જૂનું ફ્લોરિંગ ઉખેડતાં એક ભોંયરામાં પહેલાંના કાળના શિલ્પશાસ્ત્રના નિયમો પ્રમાણે વિસર્જન કરીને ભંડારી દેવાયેલી ખંડિત તીર્થંકર, જૈન દેવ-દેવીઓની મૂર્તિઓ અને ખંડિત શિલ્પ અવશેષો મળ્યાં હતાં. મૂર્તિઓ ખંડિત કરવામાં આવી એ સાવ ખોટી ભ્રમણા લોકોએ પોતાના નિજી લાભ માટે ફેલાવી છે.
પુરાવા વગર મંદિર સ્વતંત્ર હોવાનો દાવો કરવો એ સત્ય સાથે સંગત નથી. સંપૂર્ણ ગઢ સાથે એમાં આવેલું શિવ મંદિર પણ જૈનોની માલિકીનું છે એ નામદાર હાઈ કોર્ટે તથા સુપ્રીમ કોર્ટે કહી દીધું છે. કલેક્ટરસાહેબનો ત્યાં કોઈ માલિકી અધિકાર નથી. હાઈ કોર્ટના ચુકાદામાં જે કન્સલ્ટેશનની વાત લખી છે એ કાયદાની પરિભાષામાં સંમતિના અર્થમાં છે. સરકારે જો કોઈ પૂજારી ત્યાં નીમવો હોય તો જૈનોની સંમતિ વગર તે નીમી ન શકે. એ વાતમાં કોઈ વિવાદ નથી.
સ્વામીજીના ભગવા વેશ માટે આદર છે. મંદિર સ્વતંત્ર હોવા વિશેની વાત સંપૂર્ણપણે ગેરસમજમાંથી તેઓ કરી રહ્યા છે. તેમણે જો કોર્ટનાં કાગળોનો અભ્યાસ કર્યો હોત તો ચોક્કસપણે આ પ્રવૃત્તિમાં સામેલ થવાને બદલે ખરેખર એનો વિરોધ કર્યો હોત. જે ટ્રસ્ટની તેઓ વાત કરે છે એ અસલમાં જ ૧૯૬૮માં ગેરકાયદે રીતે બનેલું હતું અને એ માટે ૨૦૧૯માં કરેલી અરજીને ચૅરિટી કમિશનરે ગુજરાતી ભાષામાં રદ પણ કરી છે. છતાં એ રદ થયેલ ડૉક્યુમેન્ટને તેઓ પુરાવા તરીકે મૂકે છે. એ સિવાય ૧૯૨૮ના જે કરારની વાત કરે છે એ કરાર એ સમયની રાજ્યસત્તાની દાદાગીરી સામે જૈનોની મજબૂરી હતી. છતાં કરાર પછી પાલિતાણા દરબારનું હૃદયપરિવર્તન થતાં એ કરારની કલમ ૯ મુજબ તેમણે મહાદેવની જગ્યા ફરતે ભીમકુંડ અને સૂરજકુંડ બહાર રહે એવી કોઈ જ દીવાલ ચણાવી નહોતી. બલ્કે પૂર્વવત્ સ્થિતિ રહેવા દીધી હતી. ૧૯૨૮થી ૧૯૪૭ વચ્ચે ૧૯ વર્ષ થાય છે એ ગાળામાં તેઓ પોતે પણ આ જગ્યાએ આવ્યા હતા ત્યારે ગઢના નિયમોને પાળીને દિવસ દરમ્યાન જ આવ્યા હતા.
રાત્રિરોકાણ માટે ગઢમાં જૈનો તરફથી જે પણ લોકો રહે છે એમાં કોઈ પણ યાત્રાળુ રહેતા નથી. પછી એ ગમે એટલા મોટા જૈનાચાર્ય પણ હોય. ઉપર જે પણ સિક્યૉરિટી ગાર્ડ, પૂજારીઓ કે મુંજાવરો વગેરે કર્મચારીઓ રાતના સમયે સુરક્ષાનાં કારણોસર રહે છે એમાંથી લગભગ બધે બધા સનાતનીઓ જ છે જે માટે સરકારે સ્વીકૃતિ આપી જ છે. તેઓ જ મહાદેવની જગ્યા માટે પણ સુરક્ષાનું ધ્યાન રાખતા હોય છે. વહેલી સવારના દીવો તથા સાંજની છેલ્લી આરતી પણ તેઓ જ કરે છે. એટલે શરણાનંદ બાપુ વગેરેની માગણી અયોગ્ય અને અસ્થાને છે.
તમે કહો છો કે નીલકંઠ મહાદેવ મંદિર પ્રાચીન છે, જ્યારે આણંદજી કલ્યાણજી પેઢીના અગ્રણીઓ કહે છે આ મંદિર પેઢી દ્વારા જ સાડાત્રણસો વર્ષ પહેલાં મુખ્ય દેરાસરના જીર્ણોદ્ધાર વખતે ત્યાં કામ કરતા સોમપુરાની આસ્થાનું ધ્યાન રાખવા માટે બંધાવવામાં આવ્યું હતું. તમે કોઈના પ્રાઇવેટ મંદિર પર હક જમાવવા માગો છો?
શરણાનંદ બાપુઃ જો આ મંદિર પેઢીએ બંધાવ્યું તો એ સરકારી ટ્રસ્ટમાં કેવી રીતે ગયું? આ મુદ્દો અમારા પૂજારી કાળુ ભારતી અને વિશ્વ હિન્દુ પરિષદ વતી હાઈ કોર્ટમાં ગયો હતો. પેઢી એમાં સામે હતી. જોકે ૨૦૧૭માં વિશ્વ હિન્દુ પરિષદમાં બે ભાગ પડી ગયા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદ. હાઈ કોર્ટમાં કેસ દાખલ કરનારા ભરત રાઠોડ આંતરરાષ્ટ્રીય વિશ્વ પરિષદમાં જતા રહ્યા. કેસ વિશ્વ હિન્દુ પરિષદનો હતો. એ ગાળામાં કાળુ ભારતી પણ વચ્ચેથી ખસી ગયા. એ દરમ્યાન ૨૦૧૭માં વિશ્વ હિન્દુ પરિષદના અશોક રાવલના હસ્તક સહી કરેલો પત્ર પેઢી અથવા કોર્ટને આપવામાં આવ્યો કે આ મંદિરની પૂજા પેઢી કરે તો અમને વાંધો નથી, અમે એમાં જોડાતા નથી અને ભરત રાઠોડ સાથે અમારે કોઈ નિસ્બત નથી. આ કારણે કેસ લૂલો થયો. હવે આખા કેસમાં ભરત રાઠોડ એક વ્યક્તિ તરીકે રહ્યા જેથી કોર્ટની બેન્ચે નક્કી કર્યું કે કોઈ જનહિત યાચિકા નથી પરંતુ વ્યક્તિગત કબજો કરવાની હેતુથી આ બધું થઈ રહ્યું છે એટલે જ્યાં સુધી કલેક્ટરસાહેબ નવા પૂજારીની નિમણૂક ન કરે ત્યાં સુધી પેઢીનો કામચલાઉ પૂજારી ત્યાં રહેશે. બીજું, કોર્ટના આદેશમાં એમ પણ લખ્યું છે કે કલેક્ટરસાહેબ જો નવા પૂજારીની નિમણૂક કરે તો પેઢી સાથે પરામર્શ કરીને કરે. પરામર્શનો અર્થ માલિકી થોડો થાય? જોકે સરકાર પગલાં લેતી નહોતી એટલે હું લગભગ ૧૪ દિવસ સુધી ઉપવાસમાં બેઠો હતો. ઘણા પ્રશ્નો હતા. એ વિષય પર પછી ઘણી ચર્ચાઓ થઈ. એમાં સમજૂતી થઈ. ત્યારે પણ પેઢીનું કહેવું હતું કે પૂજારી તમે રાખો, પગાર અમે આપીએ. જો આ સરકારી ટ્રસ્ટ છે તો સરકાર જ એની બધી જવાબદારી લે. આવી ઘણી રકઝક થતી હતી. આખરે કલેક્ટરસાહેબે સર્વ સહમતીથી પૂજારી મોકૂફ કર્યો અને રજિસ્ટર પર કોઈનો પૂજારી નહીં તો પ્રશ્ન હતો કે પૂજા કરશે કોણ? મેં કહ્યું હું પૂજા કરીશ. સરસ ચાલતું હતું. મંદિરના પ્રાંગણમાં અમે ધજા લગાવીએ તો પેઢીના લોકો કાઢી નાખે. હું ઑફિસમાં તપાસ કરવા ગયો તો મને કહેવામાં આવ્યું કે મહાદેવજીના મંદિરની મુખ્ય ધજા સિવાય બીજે ક્યાંય ધજા ન લગાવવી. અરે, શ્રાવણ માસ જેવા તહેવારમાં સુશોભન માટે ધજાઓ, પતાકા અને બૅનર લગાવવાનો રિવાજ છે. કલેક્ટરસાહેબ અને પોલીસને પણ કહ્યું કે આ આવું કેમ કરે છે આ લોકો અથવા તો કયા અધિકારથી કરે છે? તો કલેક્ટરસાહેબ કહે કે શું કામ વિવાદ કરો છો? ત્યાં સુધી ધજા લગાવવાનું બંધ રાખો. થોડાક સમયમાં પેઢીએ ત્યાં પોતાનું બોર્ડ લગાવ્યું મંદિરના પરિસરમાં. પહેલાં પેઢીનો દાવો હતો કે મંદિર અમે બનાવ્યું, પછી કહેવા માંડ્યા કે મંદિર પાસેના કુંડ અને મંડપ અમે બનાવ્યા છે. હકીકત એ છે કે આ પહેલાંનું મંદિર છે. હા, મંદિરના પાછળના ભાગમાં સહસ્ત્રફેણ શિવલિંગ છે જે કદાચ સોમપુરાએ કામ કરતા હતા એ ગાળામાં નવરા બેઠાં-બેઠાં શિવભક્ત હોવાના નાતે એનું નિર્માણ કર્યું હોય એવું બને, પરંતુ નીલકંઠ મંદિર પેઢી દ્વારા બનાવાયું હોય એવું નથી. ભારતે ભગવાન અને લિંગપુરાણમાં એનો ઉલ્લેખ છે.
આચાર્ય અજયસાગરસૂરિ મહારાજઃ ખાલી મૌખિક દાવાઓ કરીને કે ધર્મના નામે ઝનૂનભર્યાં ભાષણો આપીને ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરવવા એ ગેરકાયદે પ્રવૃત્તિ કહેવાય. આ શિવ મંદિર જૈનોએ બનાવ્યું છે એના ૧૮૭૫ પહેલાંના પુરાવાઓ તેમના ફેસબુક પેજ પર પણ મૂકવામાં આવ્યા છે તેમ જ નામદાર કોર્ટના ચુકાદામાં પણ આ વાતને સમર્થન છે. સહસ્ત્રફેણ (જોકે સહસ્ત્ર એટલે કે એક હજાર ફેણ નથી, પણ સાત જ ફેણ છે) શિવબાણવાળી જગ્યા પણ આજથી ૨૦-૨૨ વર્ષ પહેલાં જ આસપાસ ઝાડીઓ પાછળ આવેલા પાર્શ્વનાથ ભગવાનની ત્યાંની ચટ્ટાનમાં કારીગરોએ પેઢીના ધ્યાનમાં પણ ન આવે એ રીતે બનાવી દીધેલી છે, જે પણ પેઢીએ હટાવી નથી. પેઢીને દરેક ધર્મની આસ્થા પ્રત્યે માન છે જ અને એટલે જ જે દૂધ ભગવાન શ્રી આદિનાથ ભગવાન માટે ગઢ ઉપર જાય છે એ જ દૂધ શ્રી મહાદેવના મંદિરમાં પણ અભિષેક માટે જાય છે અને સનાતની પૂજારી દ્વારા એની તમામ આમન્યાની જાળવણી બન્ને ધર્મની આસ્થાના સામંજસ્ય સાથે થતી જ રહી છે.
બીજું, તેઓ ભારતે ભગવાન નામના જે પુસ્તકનો ઉલ્લેખ કરે છે એની સ્પષ્ટ વંચાય એવી નકલ ક્યાંય મૂકતા નથી તેમ જ એમાં કહેલી વાતની પ્રામાણિકતા પ્રસ્થાપિત થાય એવા કોઈ પુરાવા મળતા નથી. નાગાર્જુનની વાત તેઓ કહે છે તો એના વિશે બૌદ્ધોમાં પણ ખૂબ જ વિસ્તારથી વિગતો મળે છે અને સનાતનીઓમાં પણ ઉલ્લેખ મળે છે, પણ પ્રાચીન ઇતિહાસના દસ્તાવેજો કહે છે કે નાગાર્જુને છેલ્લે જૈનાચાર્ય પાદલિપ્તસૂરિજી પાસેથી પોતાને સિદ્ધિ પ્રાપ્ત થતાં તેમને પોતાના ગુરુ સ્થાપ્યા હતા અને તેમની યાદમાં તેણે પાદલિપ્તાના નગર વસાવ્યું હતું જે નામ આજે અપભ્રંશ થઈને પાલિતાણા થયું છે.
બીજી વાત વિશ્વ હિન્દુ પરિષદે પેઢીને પત્ર લખી આપ્યો હતો એ વાત સાચી છે, પણ એ પત્ર કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો એ વાતમાં તથ્ય નથી. ખરેખર એ પત્ર મળ્યા પછી એક જ હિયરિંગ થઈ હતી અને કેસ સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો. ચુકાદો આવ્યા પછી વિશ્વ હિન્દુ પરિષદ અને જૈનો તરફથી લોકોમાં આ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જો પરિષદનો જૈનોના સમર્થનનો એ પત્ર કોર્ટમાં મૂકવામાં આવ્યો હોત તો-તો માત્ર કેસ પાછો ખેંચાવાનો જ ટૂંકો હુકમ આવ્યો હોત. જ્યારે કે કોર્ટમાં તો સંપુર્ણપણે મેરીટ ઉપર જ વિસ્તારથી ૧૯૧ પાનાનો ચુકાદો આપવામાં આવ્યો હતો.
સરકારે તો પેઢીના પરામર્શમાં ૨૦૧૭માં જ પ્રથમ વખત પૂજારીની નિમણૂક કરી દીધી હતી. ઉલટાનું ધરણાં પર બેસીને તેમણે સરકારે નીમેલા પૂજારીની નિયુક્તિને કૅન્સલ કરાવી. અને પોતે જાતે જ પોતાને પૂજારી તરીકે ઘોષિત કરી દીધા. હવે પાછું તેઓ કહે છે કે સરકાર પૂજારી નીમે! તો ત્યારે ધરણા તોડતી વખતે તેમણે જે સમાધાન કર્યું એ શું હતું? તેઓ ન્યાય મેળવવા માટે ખર્ચો કરીને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને જો તેઓ સાચા હતા તો સુપ્રીમ કોર્ટમાં તેમણે કેસ શું કામ પાછો ખેંચ્યો?
પારકી જગ્યામાં અગર તો કહેવાતી સરકારી જગ્યામાં જાતે જ પૂજારી તરીકે પોતાની જાતને નક્કી કરવાનો અધિકાર તેમને કઈ રીતે મળી ગયો? સરકારે તેમને આ અધિકાર આપ્યો નથી. એટલે કે તેઓ જે જગ્યાને સરકારી માને છે એમાં જાતે ઘૂસીને એ જગ્યામાં કબજો જમાવવાની પેરવી કરી છે? એટલું ઓછું હતું એમ એક વ્યક્તિને પોતાના ઉત્તરાધિકારી તરીકે તેમણે પૂજારી તરીકે નિમ્યો. જેમાં આગળ જતા તેમનો ભાંડો ફૂટ્યો કે તે કોઈ ઉત્તરાધિકારી નથી, તે તો પગારદાર પૂજારી છે. ગેરકાયદે પ્રવૃત્તિઓનો બેતાજ બાદશાહ મના ભરવાડ તે વ્યક્તિને પગાર ચૂકવે છે અને તેની પાસે ત્યાં ગેરકાયદે અને ગઢના નિયમ વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરાવે છે.
હવે ધજા ઉતારી દીધીનો જે આક્ષેપ તેમણે કર્યો છે એમાં જાણી લો કે મંદિરના પ્રાંગણમાં કોઈ ધજા કાઢવામાં આવી નથી, પણ હા, સમાધાનના બહાના હેઠળ પેઢીની માલિકીની અન્ય જગ્યા પર તથા ગઢની રાંગના બે એકર જેટલા ભાગ પર ધજા લગાવવામાં આવી હતી. એ જ રીતે આ ધજાઓ ત્યાં જ બાજુમાં આવેલા આદિનાથ ભગવાનની દેરી પર પણ લગાવવામાં આવી હતી. આ સિવાય બાજુના જૈનોના પવિત્ર સૂરજકુંડ જિનભક્તિ મંડપ પર પણ પાંચ-પાંચ ધજાઓ લગાડવામાં આવી હતી. આમ કરીને તેમણે જૈનોનાં મંદિરો પર જ પોતાનો કબજો જમાવવાની કોશિશ કરી હતી. એટલે પેઢીએ પોતાની મિલકતમાં ગેરકાયદે લગાડેલી એ ધજાઓ ત્યાંથી કાઢી દીધી છે. એ બાબતની રજૂઆત પણ તાત્કાલિક ધોરણે સમાધાન કરાવનાર કલેક્ટરશ્રીને પેઢીએ પુરાવા સાથે કરી દીધી હતી. આ તો સમાધાનના નામે કોઈકની મિલકત પર ધર્મની આડમાં કબજો જમાવી દેવાની પ્રવૃત્તિ છે. ફરિયાદની કૉપી અમે ‘મિડ-ડે’ સમક્ષ પ્રસ્તુત કરી દીધી છે.
મહાદેવજીના નામે તમે ‘તો પાલિતાણા જૈન નગરી મટી સનાતન નગરી બની જશે’ અથવા ‘એક ટકો પ્રજા તમારા પર શાસન કરે છે?’ જેવી વાતો કરીને હિન્દુ પ્રજાને ભડકાવીને દંગો-ફસાદ કરાવવા માગો છો?
શરણાનંદ બાપુઃ ધર્મસભા વખતે આ વાતો કરવાનો સંદર્ભ તમે સમજો. જૈન સમાજના વિમલસાગરજી મહારાજ, સુરેશ જૈન જેવા કેટલાક લોકોએ પાલિતાણામાં ખરીદી કરવી નહીં, રસ પીવો નહીં, ડોલી કરવી નહીં જેવી વાતો દ્વારા સ્થાનિક લોકોનો બહિષ્કાર કરેલો. ધારો કે તમે કોઈ એકાદ સ્થાનિકથી થયેલી અગવડને કારણે તમામનો બહિષ્કાર કરવાની સલાહ લોકોને આપો તો એ કેટલું યોગ્ય છે? તેમની આ વાતનો પ્રત્યુત્તરમાં મેં ‘સનાતન નગરી...’વાળી વાત કહેલી.
આચાર્ય અજયસાગરસૂરિ મહારાજઃ એક રીતે શરણાનંદજીના ગૉડ ફાધર કહી શકાય તેવા મનાભાઈ રાઠોડે ફૉરેસ્ટમાં ગેરકાયદે બનાવેલા મંદિરમાં જેમને આશરો આપેલો એવા ફરારી જનકગિરિ બાપુની સાથે મળીને જૈન સાધુ પર તળેટી પાસે બધા લોકોની વચ્ચે આવીને લાકડીથી હુમલો કર્યો હતો તથા ઉશ્કેરણી અને અપમાનિત કરનારી ખૂબ જ હલકી કક્ષાની ભાષા વાપરી હતી. એટલે જૈન સમાજમાંથી આવાં અસામાજિક તત્ત્વોને ટેકો આપનારા લોકોનો બહિષ્કાર કરવાના હેતૂથી આવી વાતો ઊઠી હતી. શરણાનંદ બાપુના સૂરજકુંડ જિનભક્તિ મંડપનું બોર્ડ કાઢી નાખી એના પર પોતાનો કબજો જમાવવાની પ્રવૃત્તિઓ તથા સુરક્ષા માટે લગાડવામાં આવતા સીસીટીવી કૅમેરાના પાઇપો ઉખાડવાનાં કૃત્યો જોઈ એ પછી આહત થઈને પોતાનાં કોઈક નિવેદનો આપ્યાં છે, જે તેમની સાચી પીડામાંથી બહાર આવ્યાં હતાં. અલબત્ત, મર્યાદા વગરની વાતો કોઈની પણ માન્ય ન થઈ શકે. તો એની સામે સનાતન નગરી વિશેના બાપુના એકથી વધુ વિડિયો છે. સાંભળતાં જ ખ્યાલ આવી જાય છે કે તેમની વાત કોઈ પણ રીતે જૈનો તરફથી આવેલી બહિષ્કારની વાતના પ્રત્યાઘાતરૂપે નથી. માત્ર ને માત્ર લોકોને જૈનો વિરુદ્ધ ભડકાવીને પોતાના ગેરકાયદે કબજાને મજબૂત કરવા માટે તથા વધારવા માટેની હતી. તેઓ મોદી ટૂંક વખતે કહી જ ચૂક્યા છે કે ઉપરના ગઢનાં તમામ મંદિરો સનાતની મંદિરો હતાં અને જૈનોએ એ બધાં પચાવી પાડ્યાં છે એટલે તેઓ એ બધાં જ મંદિરો જૈનો પાસેથી પાછાં લઈ લેવા માગે છે.
જૈન સાધુઓ સાથેના સૌહાર્દ મિલન અને સરકારે ટાસ્ક ફોર્સનું જે નિયમન કર્યું એમાં શું અપેક્ષા છે તમારી?
શરણાનંદ બાપુઃ જૈન સાધુઓ સાથેના મિલનમાં કોઈ પણ વિખવાદ નથી થયો. અમે અમારી વાત મૂકી અને પરસ્પરના વિચારો જાણ્યા. પેઢી સાથેની જૈન સાધુઓ સાથેની વાર્તાલાપ થશે અને આ મુદ્દે હકારાત્મક પરિણામ આવશે એવી આશા છે. વાત રહી ટાસ્ક ફોર્સની. તો અમારી એક જ અપેક્ષા છે કે કાયદાકીય રીતે જે સાચું છે એ બહાર આવે અને આખી બાબતની તટસ્થતા સાથે તપાસ થાય. મંદિર સ્વતંત્ર છે તો એને સ્વતંત્ર જ રાખવામાં આવે અને ગઢના જે નિયમો છે એ બધા માટે સરખા રહેવા જોઈએ.
આચાર્ય અજયસાગરસૂરિ મહારાજઃ મિલનના અંતે મીડિયા સમક્ષ પૂજ્ય પ્રદ્યુમ્નવિમલસૂરિજીએ જે વાત કરી એમાં શરણાનંદ બાપુ આદિ માટે મોઢામોઢનો સંદેશ હતો કે ભડકાવનારાં ભાષણો તેઓ બંધ કરે. સોશ્યલ મીડિયા પર તે લોકોનાં ઢગલો ધર્મના નામે આપસી સંઘર્ષ કરાવનારાં ભાષણો ફરી રહ્યાં છે. જ્યાં સુધી ટાસ્કફોર્સની વાત છે તે સમગ્ર ભારતના જૈન સંઘોના સ્વયંભૂ વિરાટ વિરોધની કારણે રચાયું છે. અને તેમાં શત્રુંજય મહાતીર્થ અને જૈનો સામે થઈ રહેલી તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પગલા લેવાશે એવો અમને વિશ્વાસ છે. જૈનોએ કોર્ટના હુકમ અને કાયદા અનુસારનો ન્યાય માંગ્યો છે. શરણાનંદ બાપુના ખાસ આગેવાન મનાભાઈ ભરવાડ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સામેના કડક કાનૂની પગલાઓથી સરકારે કાર્ય પ્રારંભ કર્યું છે. જૈનોને આશા છે કે સરકાર હવે ન્યાય કરશે.
ruchita.shah@mid-day.com


