Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ન શાંત હૂં, ન મૌન હૂં, મૈં નહીં જાનતા મૈં કૌન હૂં!

ન શાંત હૂં, ન મૌન હૂં, મૈં નહીં જાનતા મૈં કૌન હૂં!

19 April, 2023 05:51 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

કૅન્સરની કારમી વેદનામાં પણ હસતા રહીને તેઓ લોકોને કહેતા, ‘કૅન્સરની ગાંઠ રોગ છે, તો આ દેહ શું છે? એય આત્માને વળગેલી એક ગાંઠ જ છે. એ ગાંઠને જ ખતમ કરી દો તો કોઈ વેદના નહીં રહે.’

વેન્કટ રામન

માણસ એક રંગ અનેક

વેન્કટ રામન


આ લેખ ૧૯ એપ્રિલે છપાશે, પણ મેં ૧૪ એપ્રિલે ખાસ લખ્યો છે. કારણ? ૧૯૫૦ની ૧૪ એપ્રિલે એક સંતે પદ્‍‍માસનની મુદ્રામાં જ દેહ છોડ્યો હતો. એ સંતનું નામ જ્ઞાનેશ્વર, કબીર કે નાનક જેવા સંતોની તુલનામાં બહુ ઓછું લોકજીભે ચડ્યું છે, કારણ કે તેઓ જાહેર જીવનમાં બહુ ઓછા આવ્યા છે. તેઓ જન્મજાત સંત હતા. તેમના તપની ગાથા, વ્રતની કથા બહુ ઓછી પ્રચલિત છે. વળી તેઓ પૂર્વભવમાં જ પૂરી તૈયારી કરીને આવેલા કોઈ સાધક આત્મા હતા. નામના-પ્રસિદ્ધિથી દૂર રહેતા. તેઓ કોઈ ઉપદેશક નહોતા કે નથી કોઈ તેમણે એવાં કોઈ પ્રવચનો-વ્યાખ્યાનો આપ્યાં કે નથી કોઈ એવો પંથ સ્થાપ્યો, નથી કોઈ શિષ્યો બનાવ્યા કે નથી તેમના નામના કોઈ આશ્રમ કે શિબિર. એ સંતનું નામ છે રમણ મહર્ષિ. 

 મૂળ નામ વેન્કટ રામન. જન્મ ૧૮૮૪ની ૩૦ ડિસેમ્બર. પિતાનું નામ સુંદરમ. માતાનું નામ અજહમલ્લાહ. મોટા ભાઈ નાગસ્વામી. જન્મસ્થળ મદુરાઈથી થોડે દૂર તિરુચુગી ગામમાં. 



 ૧૨ વર્ષની વયે પિતાના મૃત્યુના સમાચાર મળતાં તેઓ સ્કૂલમાંથી ઘરે આવ્યા. સગાંસંબંધીઓ મૃતદેહ પાસે બેઠાં હતાં. કોઈ બોલ્યું, ‘બાપા ગયા.’ વેન્કટે જોયું કે બાપા સૂતા હતા. મનમાં બોલ્યા, ‘બાપા અહીં સૂતા છે તો આ લોકો એમ કેમ કહે છે કે બાપા ગયા?’ પિતાના અગ્નિસંસ્કાર પછી વેન્કટે ખૂબ ચિંતન કર્યું, દેહથી આત્મા અલગ હોવાનું ભાન તેમને ૧૬મા વર્ષે સંપૂર્ણ રીતે થયું અને તેમનો જીવ સંસારમાંથી ઊઠી ગયો. એમાં પણ શિક્ષણ બાબત એક દિવસ મોટા ભાઈ સાથે ઝઘડો થતાં એક ચિઠ્ઠી લખીને ઘર છોડી દીધું. 


વેન્કટના કાનમાં સોનાનાં બૂટિયાં હતાં એ તેમણે વેચી નાખ્યાં, માથું મૂંડાવ્યું, જાતિસૂચક હોવાથી જનોઈ ફગાવી દીધી, ધોતીમાંથી લંગોટી બનાવી અને અરુણાચલની ટિકિટ કઢાવી. 

શંકરના મંદિરમાં જઈ લિંગને ભાવવિભોર બની ભેટી પડ્યા - ખૂબ રડ્યા અને ધ્યાનમાં બેસી ગયા. દિવસો સુધી અરુણાચલેશ્વર સામે મૂઢ બની, મૌન રહી બેઠેલો જોઈને બધા તેને પાગલ સમજવા લાગ્યા. 


 આ જગ્યામાં અવરજવર વધી ગઈ હોવાથી થોડે દૂર એકાંતમાં આવેલા ‘પાતાલ લિંગમ’ શિવલિંગે મુકામ બદલ્યો. અવાવરું એકાંત જગ્યાએ તેઓ સમાધિસ્થ થઈ ગયા. દેહભાન સંપૂર્ણ રીતે ગુમાવ્યું, જંગલની લાલચોળ કીડીઓ ચટકા ભરે, મચ્છર કરડે, જીવજંતુઓ ચોંટીને વળગી જાય, પણ વેન્કટને કોઈ અસર ન થાય. તેમણે જાણે આત્માને દેહથી અલગ કરી નાખ્યો. 

એક દિવસ શેષાદ્રિસ્વામી તેમના શિષ્યો સાથે એ બાજુથી પસાર થતા હતા ત્યારે તેમનું ધ્યાન વેન્કટ તરફ ગયું. વેન્કટની હાલત જોઈને દ્રવી તો ઊઠ્યા અને સાથોસાથ આશ્ચર્યમુગ્ધ પણ થઈ ગયા. આવો ઉગ્ર સાધક તેમણે કદી કલ્પ્યો નહોતો. સ્વામીજીએ તેમના શિષ્યો દ્વારા વેન્કટની પલાંઠી મહામુસીબતે છૂટી કરી, તેમના દેહને સાફ કર્યો, ચોંટેલાં જીવજંતુ દૂર કર્યાં. નવાઈની વાત તો એ હતી કે એ સમયે પણ તેઓ તો સમાધિસ્વરૂપે જ હતા. 

સ્વામીજી તેમને ‘ગુરુમૂર્તિ’ મંદિરની નજીકના અમરાઈ નામના સ્થળે લઈ આવ્યા. ત્યાં તેઓ દોઢ વર્ષ રહ્યા, પણ મોટા ભાગનો સમય સમાધિમાં જ ગાળતા. આસપાસના લોકો તેમની તપસ્યાથી આકર્ષાઈને મળવા-જોવા આવવા લાગ્યા. કેટલાક તો તેમના ભક્ત બની ગયા, પરંતુ આ ભક્તોની ભીડથી પણ રમણ મહર્ષિ અકળાવા લાગ્યા. તેઓ ભક્તો સાથે બહુ ઓછું બોલતા અને કહેતા કે ‘મૌન જેવી કોઈ અજોડ ભાષા નથી. મૌન એ કૃપાની સ્થિતિ છે, જે શબ્દો મુખથી બહાર નથી નીકળતા એની શક્તિ અદ્ભુત હોય છે. વાણી કે લેખન મૌનની તુલનામાં તુચ્છ છે.’ 

 એક વાર મંદિરમાં ચોર આવ્યા. મંદિરમાંથી કંઈ ન મળતાં રોષે ભરાયા. બહાર બેઠેલા રમણ મહર્ષિના એક સાથળ પર જોરથી સળિયાનો ઘા માર્યો અને લોહીની ધારા છૂટવા લાગી. મહર્ષિએ ચોરને હસીને કહ્યું, ‘તમને આમ કરવામાં જો આનંદ આવ્યો હોય તો મારા બીજા સાથળ પર પણ ઘા કરી શકો છો.’ 

લોકોને આ વાતની ખબર પડી. પોલીસમાં ફરિયાદ થઈ. પોલીસ કેટલાક માણસોને પકડીને મહર્ષિ પાસે લઈ આવી અને પૂછ્યું, ‘આમાંથી કયા માણસે તમારા પર ઘા કર્યો છે?’ હસતાં-હસતાં મહર્ષિ બોલ્યા, ‘જેના પર ગયા જન્મમાં મેં ઘા કર્યો હશે તેણે આ જન્મમાં મારા પર ઘા કર્યો હશે. તમે જ શોધી કાઢો કે ગયા જન્મમાં મેં કોના પર ઘા કર્યો હશે?’ પોલીસ બિચારી શું જવાબ આપે? 

ઈસવી સન ૧૯૩૮માં મહાત્મા ગાંધીએ ડૉ. રાજેન્દ્રપ્રસાદને રમણ મહર્ષિ પાસે મોકલ્યા હતા. સાથોસાથ સૂચના પણ આપી હતી કે મહર્ષિનાં દર્શન કરજો, વંદન કરજો, પણ કોઈ સવાલ પૂછતા નહીં. 

રાજેન્દ્રપ્રસાદ મહર્ષિને મળ્યા. દર્શન કર્યાં, વંદન કરીને વિદાય લેતાં મહર્ષિને પૂછ્યું, ‘બાપુને કંઈ સંદેશો આપવો છે?’ 

મહર્ષિએ કહ્યું, ‘જ્યાં બે હૃદય પરસ્પર વાત કરી લેતાં હોય ત્યાં સંદેશાની શી જરૂર?’ 

ઈસવી સન ૧૯૪૯માં મહર્ષિના ડાબા હાથની બાહુમાં કૅન્સરની ગાંઠ થઈ. ઑપરેશનનું નક્કી થયું. એ સમયે ક્લોરોફૉર્મ સૂંઘાડવામાં આવતું. મહર્ષિએ ક્લોરોફૉર્મ સૂંઘવાની સાફ ના પાડી દીધી. 

કૅન્સરની કારમી વેદનામાં પણ હસતા રહીને તેઓ લોકોને કહેતા, ‘કૅન્સરની ગાંઠ રોગ છે, તો આ દેહ શું છે? એય આત્માને વળગેલી એક ગાંઠ જ છે. એ ગાંઠને જ ખતમ કરી દો તો કોઈ વેદના નહીં રહે.’ 

૧૯૫૦ની ૧૪ એપ્રિલની સાંજે પદ્‍માસનની અવસ્થામાં જ અચાનક તેમણે દેહત્યાગ કર્યો ત્યારે તેમની ઉંમર હતી ૬૧ વર્ષની. 

સમાપન
 
સવાર પડે તો સૌકોઈ જાગે 
રાતે જાગે ચોર કે મહંત 
રાત-દિવસ જે જાગે ભાઈ 

એ જ સાચો સંત.

આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2023 05:51 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK