મુંબઈ-અમદાવાદ હાઇવે પર સિમેન્ટ-કૉન્ક્રીટિંગના કામને કારણે ટ્રાફિક-જામની સમસ્યા વધી, ૧૬ કિલોમીટરનું અંતર કાપવા માટે ચાર કલાકનો સમય
ટ્રાફિકની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- મુંબઈ-અમદાવાદ હાઇવે પર સિમેન્ટ-કૉન્ક્રીટિંગના કામને કારણે ટ્રાફિક-જામની સમસ્યા વધી
- ૧૬ કિલોમીટરનું અંતર કાપવા માટે ચાર કલાકનો સમય
- ટ્રાફિકને કારણે વાહનચાલકોનો સમય વેડફાયો
મુંબઈ-અમદાવાદ હાઇવે (Mumbai-Ahmedabad Highway Jam) પર સિમેન્ટ-કૉન્ક્રીટિંગના કામને કારણે ટ્રાફિક-જામની સમસ્યા વધી ગઈ છે. અગાઉ આ સમસ્યાને દૂર કરવા માટે ૬ કિલોમીટરના અંતરમાં તાત્કાલિક ધોરણે બૅરિકેડ્સ ઊભાં કરવાનું અને ૧૨૦ વૉર્ડન તહેનાત કરવાનું આશ્વાસન જાહેર મીટિંગમાં આપવા છતાં એ પૂરું થયું નથી એટલે હાઇવે પર ટ્રાફિક-જામની સમસ્યા યથાવત્ જ છે. ટ્રાફિક પોલીસના સતત ફૉલો-અપ છતાં અને બૅરિકેડ્સ તાત્કાલિક ધોરણે લગાડવાનું કહેવામાં આવ્યું હોવા છતાં એ હજી પણ લગાડવામાં ન આવતાં ઑથોરિટીને કામનું મહત્ત્વ ન હોવાનું લાગી રહ્યું છે.
જોકે, હવે સ્થિતિ એટલી કફોડી બની છે કે માત્ર ૧૬ કિલોમીટરનું અંતર કાપવા માટે ચાર કલાકનો સમય લાગી રહ્યો છે. મુંબઈથી અમદાવાદ (Mumbai-Ahmedabad Highway Jam) બાય રોડ મુસાફરી કરતાં વિકાસ જોશીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે, “અમે બપોરે ૨.૪૫ વાગ્યે દહિસરથી નીકળ્યા હતા અને ૮.૪૫ સુઘી માંડ મહારાષ્ટ્ર બોર્ડર પાર કરી. દહાણુ મહાલક્ષ્મી મંદિરથી અમને સખત ટ્રાફિક મળ્યો. આ ટ્રાફિક છેક તલસારી સુધી કાયમ રહ્યો. અમને માત્ર ૧૬ કિલોમીટરનું અંતર કાપવા માટે ચાર કલાકનો સમય લાગ્યો. તેમાં પણ એમ એક ગામમાં થઈને ફરી હાઈવે પર આવ્યા એટલે થોડો સમય ઓછો લાગ્યો. જો હાઈવે પર રહ્યા હોત તો લગભગ એકથી દોઢ કલાક વધુ વેડફાય ગયા હોત.”
ADVERTISEMENT
તેઓ ઉમેરે છે કે, “હાઇવે પર સિમેન્ટ-કૉન્ક્રીટિંગના કામને કારણે અમદાવાદ તરફ જતી માત્ર એક જ લેન ચાલુ છે. રસ્તામાં ટ્રાફિક પોલીસ કે માર્શલ તહેનાત કરવામાં આવ્યા નથી. બૅરિકેડ્સ સુદ્ધા લગાવવામાં આવ્યા નથી, જેને કારણે વાહનચાલકો – ખાસ કરીને બાઈકર્સ રૉન્ગ સાઇડ ડ્રાઈવ કરી રહ્યા છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા અનેક ગણી વધી ગઈ છે. ટ્રાફિકને કારણે અમારા ચાર કલાક વેડફાયા છે.”
અમદાવાદના બિઝનેસમેન સંજય જોશીએ નીતિન ગડકરીને ટેગ કરી એક ટ્વીટમાં લખ્યું કે, “સર, નવા RCC રોડ બનાવવાના કામને કારણે મુંબઈ અમદાવાદ હાઈવે - NH48 પર સત્તાવાળાઓ દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ભારે ટ્રાફિક જામને કારણે 7 કિલોમીટરનું અંતર કાપવામાં 3 કલાકથી વધુનો સમય લાગ્યો. એમ્બ્યુલન્સ હૉસ્પિટલો સુધી પહોંચી શકતી નથી. પોલીસની પણ મદદ નથી. તે નાગરિકો માટે સલામત નથી.”
@nitin_gadkari sir there is no management by highway authorities on Mumbai Ahmedabad highway NH48 due to construction of new RCC roads. Heavy traffic jams for more than 3 hours to cross 7 kms. ambulance cannot reach to hospitals. No police help either. It’s not safe for citizens
— Sanjay Joshi (@Sanjay3481) May 11, 2024
ઉલ્લેખનીય છે કે, મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે (Mumbai-Ahmedabad Highway Jam ) પર હાલમાં કૉન્ક્રીટિંગ એટલે કે વાઇટ ટૉપિંગનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ) દ્વારા આશરે ૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ આ કામને કારણે હાઇવે પર ભારે ટ્રાફિક-જામ થઈ રહ્યો છે. પાલઘર અને વસઈ-વિરારના નાગરિકોને મુંબઈ અને થાણે જવા માટે કલાકો સુધી ટ્રાફિક-જામમાં અટવાવું પડે છે. આ સમસ્યા વધતાં અને લોકોની અસંખ્ય ફરિયાદો બાદ સાંસદ રાજેન્દ્ર ગાવિતે ગયા અઠવાડિયે પોલીસ કમિશનરના કાર્યાલય ખાતે એનો ઉકેલ શોધવા બેઠક યોજી હતી. આ બેઠકમાં પોલીસ, મહાનગરપાલિકા અને હાઇવે ઑથોરિટીના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં ટ્રાફિક-વ્યવસ્થાના નિયોજન માટે ૧૨૦ ટ્રાફિક વૉર્ડન તહેનાત કરવાનો પણ નિર્ણય લેવાયો હતો. મીટિંગમાં પોલીસ કમિશનર મધુકર પાંડે અને સાંસદ રાજેન્દ્ર ગાવિતે આદેશ આપ્યો હતો કે હાઇવે ઑથોરિટીએ આ કામ તાત્કાલિક કરવું જોઈએ. પોલીસ કમિશનર મધુકર પાંડેએ તો ૨૪ કલાકની સમયમર્યાદા આપી હતી, પરંતુ એની સામે અધિકારીઓએ આ કામ કરવા માટે ચાર દિવસનો સમય માગ્યો હતો.
જોકે, આ વાતને ચાર દિવસ વીતી ગયા છતાં હજી સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.