દોહાની ડાયમન્ડ લીગમાં ૮૮.૩૬ મીટર દૂર ફેંક્યો ભાલો
કતારની રાજધાની દોહામાં ડાયમન્ડ લીગ સ્પર્ધા દરમ્યાન પુરુષોની ભાલાફેંકની ફાઇનલ પછી સમર્થકો સાથે ભારતના નીરજ ચોપડાએ સેલ્ફી માટે પોઝ આપ્યો હતો.
શુક્રવારે દોહા ડાયમન્ડ લીગમાં ભાગ લઈને ‘ગોલ્ડન બૉય’ નીરજ ચોપડાએ શાનદાર વાપસી કરી હતી. સીઝનની શરૂઆત કરી રહેલા નીરજ ચોપડાએ ડાયમન્ડ લીગ 2024માં બીજું સ્થાન મેળવ્યું હતું. દોહામાં ૮૮.૩૬ મીટરના તેના શ્રેષ્ઠ પ્રયાસ સાથે તે ચેક રિપબ્લિકન જૅવલિન થ્રોઅર યાકુબ વાડલેશ (૮૮.૩૮ મીટર) બાદ બીજા સ્થાને રહ્યો હતો. દોહામાં 2023ની સીઝનમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ તેના પ્રથમ બે પ્રયાસમાં ૮૫ મીટરના આંક સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ અંતિમ રાઉન્ડમાં ૮૮.૩૬ મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો હતો.
યાકુબ ડાયમન્ડ લીગ 2023માં નીરજ ચોપડાથી ૪ સેન્ટિમીટર પાછળ રહીને ટૉપનું સ્થાન ચૂક્યો હતો, જ્યારે આ વર્ષે નીરજ ચોપડા તેનાથી બે સેન્ટિમીટર પાછળ રહ્યો. ૨૬ વર્ષના નીરજ ચોપડાએ દોહામાં હાજર રહેલા ભારતીય ચાહકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. નેકસ્ટ ડાયમન્ડ લીગ મીટ હવે ૭ જુલાઈએ પૅરિસમાં યોજાશે.
ADVERTISEMENT
૨૮ વર્ષના કિશોર કુમાર જેનાએ ડાયમન્ડ લીગમાં ડેબ્યુ કરતાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. ૮૭.૫૪ મીટરનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર ધરાવતો કિશોર કુમાર ત્રણ થ્રો બાદ સ્પર્ધામાંથી બહાર થયો હતો. ૭૭.૩૧ મીટરના થ્રો સાથે તે ૧૦ ખેલાડીઓના લિસ્ટમાં નવમા સ્થાને રહ્યો હતો.
દોહા ડાયમન્ડ લીગમાં નીરજ ચોપડાનું પ્રદર્શન
પ્રથમ પ્રયાસ - ફાઉલ
બીજો પ્રયાસ - ૮૪.૯૩ મીટર
ત્રીજો પ્રયાસ - ૮૬.૨૪ મીટર
ચોથો પ્રયાસ - ૮૬.૧૮ મીટર
પાંચમો પ્રયાસ - ૮૨.૨૮ મીટર
છઠ્ઠો પ્રયાસ - ૮૮.૩૬ મીટર