ખારઘર પોલીસ-સ્ટેશનના ત્રણ પોલીસ-કર્મચારીઓ સામે નવી મુંબઈ પોલીસ-કમશિનરને ડિપાર્ટમેન્ટલ તપાસ કરવાના આદેશ આપ્યા છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બીમાર વ્યક્તિને કોઈ પણ વાહનમાં સમયસર હૉસ્પિટલ ન પહોચાડતાં તેનું મૃત્યુ થયું હોવાથી એના માટે ખારઘર પોલીસને જવાબદાર ગણીને સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશને નવી મુંબઈ પોલીસને મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારને ૧૫ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે એટલું જ નહીં, એ ઘટના વખતે હાજર રહેલા ખારઘર પોલીસ-સ્ટેશનના ત્રણ પોલીસ-કર્મચારીઓ સામે નવી મુંબઈ પોલીસ-કમશિનરને ડિપાર્ટમેન્ટલ તપાસ કરવાના આદેશ આપ્યા છે.
ખારઘરની આ ઘટનામાં મૃત્યુ પામેલા રામ સિંહ ચવાણનો ગામની કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થયો હોવાથી તેને પોલીસ-સ્ટેશન લાવવામાં આવ્યો હતો. ત્યાં તેણે જેની સાથે ઝઘડો થયો હતો તેની ખિલાફ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવા પોલીસને કહ્યું હતું. પોલીસે તેની પાસે ફરિયાદ દાખલ કરવા પૈસા માગ્યા હતા. ત્યાર બાદ રામ સિંહ ચવાણને તેનો ભત્રીજો પૈસા લઈને આવે ત્યાં સુધી ટૉઇલેટની બહાર જમીન પર બેસાડી રાખવામાં આવ્યો હતો. સતત ત્રણ કલાક ત્યાં બેસી રહ્યા બાદ રામ સિંહને બેચેની લાગતાં તેણે હલનચલન કરવા દેવાની તેમ જ ભૂખ લાગી હોવાથી કંઈ ખાવાની પરવાનગી પોલીસ પાસે માગી હતી, પણ એના પર પોલીસે ધ્યાન નહોતું આપ્યું. એની ગણતરીની મિનિટોમાં જ તે બેભાન થઈ ગયો હતો. ત્યારે પણ પોલીસે તરત સારવાર માટે લઈ જવાને બદલે ટાઇમપાસ કર્યો હતો. જોકે પાછળથી મામલાની ગંભીરતા સમજાતાં તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ રામ સિંહને મૃત જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
આ કેસમાં સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશને નોંધ્યું હતું કે મામલાની ગંભીરતા જોતાં જો પોલીસે તેને કોઈ પણ વાહનની ગોઠવણ કરી તરત હૉસ્પિટલ લઈ ગઈ હોત તો તે કદાચ બચી શક્યો હોત. આ જ કારણસર કમિશને રામ સિંહના પરિવારને ૧૫ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

