પૃથ્વીલોકમાં પંચતત્ત્વ દ્વારા જ્યારે માના ગર્ભમાં - લગભગ સાડાત્રણ-ચાર મહિનામાં સંપૂર્ણ શરીર આકાર લઈ લે છે ત્યાર પછી જ બ્રહ્મલોકમાં આવીને આત્મા એમાં પ્રવેશે છે.
પ્રતીકાત્મક તસવીર
નાનાં બાળકો એટલે કુતૂહલવૃત્તિનો ખજાનો. તેમના મનમાં અવનવા સવાલ ઊઠતા જ હોય છે, ‘આકાશ એટલે શું? બ્રહ્માંડ એટલે શું? ભગવાન ક્યાં રહેતા હશે, શું ખાતા-પીતા હશે?’ બાળકો તો ઠીક, ઘણા મોટા લોકોના મનમાં પણ આ પ્રશ્ન રમતા જ હોય છે.
પ્રશ્ન એ પણ થયા છે કે જ્યારે કાંઈ નહોતું ત્યારે શું હતું? સૃષ્ટિ કોણે ઉત્પન્ન કરી? વધારે અગત્યનો પ્રશ્ન તો એ છે કે શું કામ ઉત્પન્ન કરી? કોઈ વિશેષ પ્રયોજન માટે થઈ કે અકારણ-આકસ્મિક થઈ? અકારણ થઈ હોય તો આપણા અસ્તિત્વની કિંમત શું?
ADVERTISEMENT
સૃષ્ટિની રચના ક્યારે અને કઈ રીતે થઈ એ વિશે ઘણા મતમતાંતર છે. ધાર્મિક અને વૈજ્ઞાનિક બન્ને રીતે એ જાણવાના પ્રયત્ન થયા છે. અસંખ્ય કલ્પનાઓ અને ધારણાઓના આધારે એ દિશામાં પ્રયત્ન થયા છે. વૈજ્ઞાનિકોના મતે સૃષ્ટિની રચના એક પ્રચંડ વિસ્ફોટ સાથે થઈ જેને આપણે ‘બિગ બૅન્ગ’ તરીકે ઓળખીયે છીએ. હિન્દુ ધર્મ પ્રમાણે સૃષ્ટિની રચના ભગવાન શિવ અને મા શક્તિની પ્રેરણાથી બ્રહ્માજીએ કરી છે.
બ્રહ્માજીએ સૃષ્ટિની રચના માટે દૃઢ સંકલ્પ કર્યો અને મન દ્વારા મરીચિ, ચક્ષુઓ દ્વારા અત્રિ, મુખ દ્વારા અંગિરા, કાન દ્વારા પુલત્સ્ય, નાભિ દ્વારા પુલહ, હાથ દ્વારા કૃતુ, ત્વચા દ્વારા ભૃગુ, પ્રાણ દ્વારા વશિષ્ઠ, અંગૂઠા દ્વારા દક્ષ અને ગોદમાં નારદજીનું સર્જન કર્યું. પુરુષ અને પ્રકૃતિ દ્વારા બ્રહ્માજીએ સંપૂર્ણ જગત તેમના મન અને શરીર દ્વારા ઉત્પન્ન કર્યું.
જોકે આ બધી ઘણી લાંબી અને ક્યારેક સમજવામાં મુશ્કેલ પડે એવી કલ્પનાઓ અને ધારણાઓ છે. એમાં ઘણા બધા પ્રશ્નો છે, પેટાપ્રશ્નો છે. સમજાય એવી સરળ વાત આપણે એટલી જ જાણીએ છીએ કે બ્રહ્માંડ એટલે ત્રણ લોક અને ચૌદ ભુવન. ત્રણ લોક એટલે આકાશ, પાતાળ અને પૃથ્વી. કેટલાક એને સ્વર્ગલોક, નર્કલોક અને પૃથ્વીલોક તરીકે પણ ઓળખે છે તો કેટલાક દેવલોક, દાનવલોક અને મનુષ્યલોક પણ કહે છે. આજે આપણે વાત ત્રણ લોક અને ચૌદ ભુવનની જ કરીએ. વિષ્ણુપુરાણ અનુસાર આપણી પૃથ્વી-ભૂલોકથી ઉપર સાત લોક છે (ભુવન) જેને ઊર્ધ્વલોક કહે છે અને સાત લોક ભૂલોકની નીચે છે જેને અધ્વ લોક કહે છે. ઊર્ધ્વલોકમાં સાત લોક એટલે : ભૂલોક : પૃથ્વી, જ્યાં મનુષ્યો, પશુ-પંખી, જીવજંતુ, વનસ્પતિ, દરિયા-ડુંગરા - અર્થાત્ આપણો વાસ છે.
ભુવર્લોક : પૃથ્વીલોકથી માંડીને સૂર્ય સુધીના ક્ષેત્રને ભુવર્લોક કહે છે, જેમાં અંતરીક્ષવાસી દેવતા વસે છે.
સ્વર્ગલોક : સૂર્યથી લઈને ધ્રુવ મંડળના પ્રદેશને સ્વર્ગલોક કહે છે. અહીંનો રાજા ઇન્દ્ર છે. અહીં સ્વર્ગવાસી દેવતાઓ નિવાસ કરે છે.
મહર્લોક : આ લોક ધ્રુવથી એક કરોડ જોજન દૂર છે. અહીં ભૃગુ વગેરે સિદ્ધગણ નિવાસ કરે છે.
જનલોક : મહર્લોકથી બે કરોડ જોજન ઉપર છે. અહીં સનકાદિક વગેરે ઋષિઓ નિવાસ કરે છે.
તપલોક : આ લોક જનલોકથી આઠ કરોડ જોજન દૂર છે. અહીં વૈરાજ નામના દેવતાનો નિવાસ છે.
સત્યલોક : આ તપલોકથી ૧૨ કરોડ જોજન દૂર છે. આને બ્રહ્મલોક પણ કહે છે, કેમ કે એ બ્રહ્માનું નિવાસસ્થાન છે.
જનલોક, તપલોક, સાતલોક ચીરકાલીન છે.
જેમ ઊર્ધ્વલોક છે એમ સાત અધ્વલોક પણ છે, જેને પાતાળલોક કહેવાય છે.
અતલલોક : આપણી પૃથ્વીથી દસ હજાર જોજન નીચેની ભૂમિને અતલલોક કહે છે, જેનો રંગ સફેદ છે.
વિતલલોક : આ અતલલોકથી પણ નીચે દસ હજાર જોજન પર છે, જેની ભૂમિ કાળી એટલે કે કૃષ્ણ છે.
નિતલલોક : વિતલથી દસ હજાર જોજન દૂર. આની ભૂમિ અરુણ એટલે કે પ્રાતઃકાલીન સૂર્યના રંગ જેવી છે.
ગભસ્તિમાન : નિતલથી દસ હજાર જોજન દૂર. એની ભૂમિ પીળી છે.
મહાતલ : ગભસ્તિમાનથી દસ હજાર જોજન નીચે છે. આની ભૂમિ શર્કરામયી-શેરડી જેવી છે.
સુતલ : મહાતલથી દસ હજાર જોજન નીચે, જેની ભૂમિ પથરાળ છે.
પાતાળ : સુતલથી દસ હજાર જોજન નીચે, જે સોનલવરણી છે.
આ સાત અધ્વલોકમાં દૈત્યો, દાનવ અને નાગલોકોનો નિવાસ છે.
કેટલાંક શાસ્ત્રોમાં ચૌદ ભુવનનાં નામ આ પ્રમાણે પણ છે : સતલોક, તપલોક, જનલોક, મહલોક, ધ્રુવલોક, સિદ્ધલોક, પૃથ્વીલોક, અતલલોક, વિતલલોક, સુતલલોક, તલાતલલોક, મહાતલલોક, રસાતલલોક, પાતાળલોક.
ત્રણ લોક વિશે એવું પણ કહેવાય છે કે ત્રિલોક એટલે બ્રહ્માંડ, સૂક્ષ્મ લોક અને સાકારલોક. સાકારલોક એટલે આપણી પૃથ્વી. જ્યાં માણસ શરીર ધારણ કરે છે. આત્માઓનું નિવાસસ્થાન બ્રહ્મલોક છે. સૂક્ષ્મ લોકમાં બ્રહ્મા, વિષ્ણુ મહેશરૂપી વાસ છે. બ્રહ્મલોક એટલે ટૉપ ફ્લોર, અંગ્રેજીમાં જેને SOUL WORLD કહે છે.
બ્રહ્મલોકમાં પંચતત્ત્વ નથી. ફક્ત આત્માઓ જ છે. પૃથ્વીલોકમાં પંચતત્ત્વ દ્વારા જ્યારે માના ગર્ભમાં - લગભગ સાડાત્રણ-ચાર મહિનામાં સંપૂર્ણ શરીર આકાર લઈ લે છે ત્યાર પછી જ બ્રહ્મલોકમાં આવીને આત્મા એમાં પ્રવેશે છે.
ત્રણ લોક-ચૌદ ભુવન વિશે આવી અનેક કલ્પનાઓ, ધારણાઓ, માન્યતાઓ આપણને મોહિત તો કરે છે, પણ કોઈ પ્રમાણ આપણને મળતું નથી.
(શીર્ષક પંક્તિ વિપિન પરીખ)
કીડી સમી ક્ષણોની આ આવ-જા શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વાભાવ શું છે?
ઋતુઓના રંગ શું છે? ફૂલોની ગંધ શું છે?
લગની, લગાવ, લહેરો આ હાવભાવ શું છે?
રાજેન્દ્ર શુક્લ
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


