ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મો પછી બૉલીવુડમાં પણ છવાઈ ગયેલા પ્રતીક ગાંધી અને તેની ઍક્ટ્રેસ પત્ની ભામિની ઓઝાની લવ-સ્ટોરી જાણવા જેવી છે
પ્રતીક ગાંધી અને ભામિની ઓઝા ગાંધી તેમના લગ્નદિવસે (ડાબે), હનીમૂન પર પ્રતીક અને ભામિની (જમણે)
લવ ઍટ ફર્સ્ટ સાઇટના કન્સેપ્ટને હું હસી કાઢતો. મને લાગતું કે લોકો ગાંડા થઈ ગયા છે કે જોતાંવેંત જ કોઈના પ્રેમમાં પડી જાય. મને લાગતું કે આ સાવ હમ્બગ વાત છે. જોકે મને શું ખબર કે મારી સાથે જ આવું થશે. ખરી વાત એ છે કે પ્રેમ તર્કરહિત છે. તમને લાગે કે આવું તો થઈ જ ન શકે, પરંતુ એવું જ થાય અને તમને ખુદને નવાઈ લાગે કે આ શું થયું. એટલે જ કહેવાય છે કદાચ કે પ્રેમ કરો તો ખબર પડે. અને મને એ ખબર પડી ગઈ કે કોઈને પહેલી વાર જોઈએ ત્યારે જ કોઈ એવું સિગ્નલ મળે છે કે તમે સમજી જાઓ છો કે બસ, આ જ એ વ્યક્તિ છે.
આ શબ્દો છે ઍક્ટર પ્રતીક ગાંધીના. તે વાત કરી રહ્યો છે ભામિની ઓઝા વિશે, જેના પ્રેમમાં તે ૨૦૦૫થી છે. ભામિની ઓઝા હાલમાં તેની પત્ની અને તેમની દીકરી મિરાયાની મમ્મી છે.
ADVERTISEMENT
એક લડકી કો દેખા તો ઐસા લગા...
મૂળ સુરતનો પ્રતીક ગાંધી ૨૦૦૪માં મુંબઈ શિફ્ટ થયો હતો. ૨૦૦૫માં પૃથ્વી ફેસ્ટિવલમાં એક મોટા અને મોંઘા નાટકનો તે એક નાનકડો ભાગ હતો. એ સમયે ભામિની ઓઝા પણ રંગભૂમિ પર કામ કરતી હતી. સ્ટેજ પરથી પ્રતીકે ઑડિયન્સમાં બેઠેલી ભામિનીને જોઈ. એ સમયની વાત કરતાં પ્રતીક કહે છે, ‘જ્યારે મેં તેને જોઈ ત્યારે મને થયું કે આને મળવું તો પડશે જ. તે કોણ છે, શું કરે છે એ જાણવા હું તલપાપડ થયો હતો. તેને મળવા અને જાણવા માટે મને એ સમયે આકાશપાતાળ એક કરવાનું સૂઝતું હતું. એક કૉમન ફ્રેન્ડ દ્વારા ખબર પડી કે તે પણ આર્ટિસ્ટ છે અને નાટકોમાં કામ કરે છે. એ પછી એક દિવસ એક ઑડિશનમાં અમે ભેગાં થઈ ગયાં. આમ ધીમે-ધીમે અમારા કૉમન ફ્રેન્ડ્સ વધતા ગયા, પરંતુ વાત જોઈએ એવી કંઈ આગળ વધી નહીં.’
કૉફી-ડેટની હંમેશાં ના
જ્યારે ઓળખતાં નહોતાં ત્યારે પ્રતીક અને ભામિની બન્નેએ એક નાટક ‘ગુજરાતની અસ્મિતા’ સાથે કર્યું. એ નાટકમાં ઘણા કલાકારો હતા જેમાં પ્રતીક કવિ નર્મદનું પાત્ર ભજવી રહ્યો હતો અને ભામિનીએ ભવાઈમાં કામ કરવાનું હતું એટલે આમ સાથે કામ કરવાનું ન થાય, પરંતુ એક પ્રોજેક્ટ પર તેઓ સાથે હતાં એમ કહી શકાય. ભામિની પ્રતીકને પહેલેથી જ ખૂબ ગમતી, પરંતુ પ્રોફેશનલી હાય-હલોથી આગળ વાત વધતી જ નહીં. એનું કારણ જણાવતાં પ્રતીક કહે છે, ‘મને એમ હતું કે મારે તેને જાણવી છે. જાણવા માટે મળવું પડે. મેં તેને પૂછ્યું કે મારી સાથે કૉફી પીવા આવીશ? તેણે મને સામો પ્રશ્ન પૂછ્યો કેમ? તેના આવા અણધાર્યા રિપ્લાયનો હું શું જવાબ આપું? જ્યારે પણ હું તેને કૉફી માટે પૂછતો ત્યારે તે આવવા માટે તૈયાર જ ન થાય. તે ખૂબ સ્પેસિફિક હતી અને હજી આજે પણ છે.’
આ બનાવ વિશે પોતાની સ્પષ્ટતા કરતાં ભામિની કહે છે, ‘અમારા ઘરે નિયમો કડક હતા કે સમયસર ઘરે આવી જવાનું. રિહર્સલ અને કામમાંથી જેવી હું છૂટું કે તરત જ ઘરે જવું પડે. કૉફી પીવા કે કોઈને મળવા રોકાઈએ તો મોડું થઈ જાય. એટલે હું હંમેશાં ના જ પાડતી. બીજું એ કે જેને ઓળખતા ન હોઈએ એવા લોકો જોડે કૉફી પીવાનું મને ન ગમે. પછી પ્રતીકે મને આ વાતનો એવો તર્ક આપેલો કે તું કોઈને મળે જ નહીં તો લોકોની ઓળખાણ થાય કઈ રીતે? તું મળશે તો ઓળખશેને!’
પ્રતીક પ્રયત્નો છોડવા નહોતો માગતો
આમ છતાં પ્રતીકે પોતાના પ્રયત્નો ન છોડ્યા. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘મને મારા મિત્રો, કઝિન્સ બધા કહેતા કે રહેવા દે ભાઈ, તેને તારામાં કોઈ રસ નથી; તે છોકરી તને ઇગ્નૉર કરે છે એટલે તું તેનાં સપનાં જોવાનું છોડી દે. જોકે ખબર નહીં કેમ મારે એવું નહોતું કરવું અને મારાથી એવું થાય એમ જ નહોતું. મારે બસ, તેને મળવું હતું, તેને જાણવી હતી. તેણે મને ખૂબ નચાવ્યો. આજે તે કહે છે કે તેને એ સમયે ખબર પડી ગઈ હતી એટલે તે મજા લઈ રહી હતી. હકીકત એ છે કે એ મજા તેણે દોઢથી પોણાબે વર્ષ લીધી.’
પ્રતીકની એક મિત્ર છે કાજલ. તે ભામિનીને પણ સારી રીતે ઓળખતી હતી. કાજલને પ્રતીકે પોતાના દિલના હાલ સંભળાવ્યા ત્યારે કાજલે પ્રતીક અને ભામિનીની વાત કરાવડાવી. કૉમન મિત્રો સાથે ગ્રુપમાં તેઓ અવારનવાર મળતાં અને ત્યારે પણ પ્રતીકે એક વાર અલગથી મળવાનું રટણ ચાલુ રાખ્યું, પણ કોઈ રિઝલ્ટ મળ્યું નહીં. ત્યાં સુધી એવો સમય હતો કે તેઓ ઘણી વાર ગ્રુપમાં મળી ચૂક્યાં હતાં. એ સમયે ભામિની હેમા માલિનીના ડાન્સ-ગ્રુપમાં કામ કરતી હતી અને અલગ-અલગ જગ્યાએ એના શો થતા. એ સમયે એમાં એક ડાન્સર ઘટી પડ્યો ત્યારે ભામિનીએ પ્રતીકને આ કામ માટે કહ્યું. એ દિવસને યાદ કરતાં પ્રતીક કહે છે, ‘હું તો ભયંકર ખુશ થઈ ગયો હતો; એટલા માટે નહીં કે હેમા માલિનીના ગ્રુપમાં નાચવા મળશે, પરંતુ એટલા માટે કે ભામિની સાથે સમય વિતાવવા મળશે. મેં તરત જ હા પાડી દીધી. જોકે મેં કોઈ દિવસ આ પ્રકારનો ડાન્સ કર્યો નહોતો. મારી સ્ટાઇલ થોડી વેસ્ટર્ન ટાઇપની અને આ લોકો એકદમ ઇન્ડિયન ટાઇપથી ડાન્સ કરતા હોય એટલે મારી મજાક ઉડાડતા. જોકે હું તો ખુશ જ હતો, કારણ કે મને ભામિની સાથે પહેલી વાર ટ્રાવેલ કરવાનો મોકો મળી રહ્યો હતો. આ શો લઈને અમે સાથે કાશી ગયેલાં. ૩૬ કલાકની ટ્રેન-જર્નીમાં પણ અમને વાતો કરવાનો સમય મળી ગયેલો.’
આખરે ભામિની કૉફી માટે તૈયાર થઈ
એ સમયે પ્રતીક નૅશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલમાં પ્રોડક્ટ-મૅનેજર હતો. એક દિવસ પ્રતીક કાજલને મળવા ગયેલો અને ત્યાંથી જ તેણે ભામિનીને મળવા માટે મેસેજ કર્યો. એનો તેને કોઈ રિપ્લાય ન આવ્યો એટલે પ્રતીકને લાગ્યું કે તેણે મેસેજ કરીને ખોટી ઇજ્જત ગુમાવી. તેણે કાજલને કહ્યું કે યાર, મેસેજ નહોતો કરવો જોઈતો. તે ત્યાંથી તેના ઘરે જવા બસમાં બેઠો ત્યારે મોબાઇલ રણક્યો. ભામિનીનો મેસેજ હતો, ‘યસ, ૭.૩૦...’.
મેસેજ જોઈને પ્રતીક ખુશીમાં ઊછળી પડ્યો. જોકે હકીકત એ હતી કે બન્નેને કૉફી નહોતી ભાવતી છતાં આ વાતથી અજાણ બન્ને સાંજે બરિસ્તામાં મળ્યાં. એ સમયે ટી-જૉઇન્ટ્સ કોઈ સારાં ખૂલ્યાં નહોતાં અને માણસે મળવું હોય તો કૅફે કૉફી ડે કે બરિસ્તા જેવાં કૉફી-જૉઇન્ટ્સનો જ ઉપયોગ કરવો પડતો. એ સાંજે જ્યારે પહેલી વખત બન્ને જણ અંગત રીતે મળ્યાં એ દિવસ વિશે વાત કરતાં ભામિની કહે છે, ‘પહેલી જ વાત અથવા પહેલો જ પ્રશ્ન પ્રતીકે પૂછ્યો કે તને લાઇફ-પાર્ટનર કેવો જોઈએ છે? હું આ સવાલ સાંભળીને જ હસી પડી. પહેલી જ મીટિંગમાં કોણ આવા સવાલ પૂછે કે તને લાઇફ-પાર્ટનર કેવો જોઈએ છે? જોકે તેણે પૂછ્યો, કારણ કે મનમાં તો તે છેલ્લા દોઢ વર્ષથી મને મળી જ રહ્યો હતો. આ સવાલથી તેની સાફ નીયત સમજમાં આવી રહી હતી. તે શું ઇચ્છતો હતો એ સ્પષ્ટ હતું.’
ભામિની મૂળ રાજસ્થાનની મારવાડી છોકરી, જે જન્મથી મુંબઈમાં અંધેરીમાં રહે. પહેલી મુલાકાત પછી તેઓ અવારનવાર મળવા લાગ્યાં અને અંતે પ્રતીકને લાગ્યું કે હવે તેને પૂછી જ લેવું જોઈએ. પ્રપોઝલ વિશે વાત કરતાં પ્રતીક કહે છે, ‘મેં મારી જાતને તૈયાર કરી કે કંઈ વાંધો નહીં, વધુમાં વધુ ના જ પાડશેને! પરંતુ મારા મનમાં જે છે એને હું કહ્યા વગર ચૂપ તો નહીં જ રહી શકું. મને એવો કોઈ વિશ્વાસ નહોતો કે તે હા જ પાડશે, પરંતુ હું કોઈ શક્યતા ગુમાવવા નહોતો માગતો. મારી સેવિંગ્સમાંથી મેં ડાયમન્ડનું એક પેન્ડન્ટ ડિઝાઇન કરાવ્યું અને એકદમ ફિલ્મી સ્ટાઇલમાં મેં તેને પ્રપોઝ કર્યું.’
તરત જવાબ ન આપ્યો ભામિનીએ
જોકે પ્રતીકની પ્રપોઝલનો જવાબ ૨૪ કલાકની અંદર આવ્યો નહીં. બીજા દિવસે એક મહિના માટે પ્રતીક અમેરિકાની ટૂર પર જતો રહ્યો. એ બાબતે વાત કરતાં ભામિની કહે છે, ‘તેણે મને કહ્યું કે કોઈ વાંધો નથી, તું વિચારીને જવાબ આપજે. આ બાબતે તેણે ખાસ્સી ધીરજ જાળવી. તેને મારા માટે પહેલેથી જ પ્રેમ હતો એ હું જાણતી હતી; પરંતુ હું તેને જે રીતે મળતી ગઈ, વાત કરતી ગઈ એમ ધીમે-ધીમે મને તે ગમવા લાગ્યો. પ્રેમના માર્ગે તે સીધો ઠેકડો મારીને શિખરે પહોંચી ગયો હતો અને હું ધીમે-ધીમે પગથિયાં ચડતી હતી. વળી લગ્નનો નિર્ણય સહજ તો નથી જ. કદાચ એટલે જ મને જવાબ આપવામાં સમય લાગી ગયો. મને તેની જે ખૂબ ગમતી વાત હતી એ આ જ હતી કે તે પહેલેથી એક વિચારે સ્થિર હતો કે આ છોકરી મને ગમે છે. બાકી એવું હોય નહીં. છતાં તેણે મને પૂરતી મોકળાશ આપી કે તું મળ, તું જો, જોઈએ આપણને કેટલું ફાવે છે સાથે. મને લાગે છે કે પ્રેમમાં એ ખૂબ જરૂરી છે.’
પ્રતીક-ભામિનીના પેરન્ટ્સ કૂલ હતા
પ્રતીક ગુજરાતી અને ભામિની મારવાડી હોવા છતાં ઘરમાં કોઈ તકલીફ થઈ નહોતી. પ્રતીકના ઘરના લોકો પ્રતીકની પાછળ પડ્યા હતા કે ભામિનીને તું કહે છે કે અમે કહી દઈએ? ફાઇનલી એ દિવસ આવી ગયો જ્યારે પ્રતીક ભામિનીના પેરન્ટ્સને મળવા ગયો. એ દિવસ યાદ કરતાં પ્રતીક કહે છે, ‘તેમને મળવા મસ્તીમાં હું મારો બાયોડેટા પ્રિન્ટ કરીને લઈને ગયેલો. હું એન્જિનિયર છું, નોકરી કરું છું, મુંબઈમાં પોતાનું ઘર નથી, ભાડાના ઘરમાં રહું છું, મારી પાસે બાપદાદાની કોઈ પ્રૉપર્ટી નથી; હવે તમે જોઈ લો. એ દિવસે તેમના ઘરે જમવાનું હતું. એ લોકો ભયંકર તીખું ખાય અને એ તીખું ખાઈને મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. તેમના ઘરે તેના પપ્પા હૉલમાં બેઠેલા. તેમણે મને સીધું જ પૂછી લીધું કે શું છે તમારા બન્નેનું, તમે લોકોએ બરાબર બધું નક્કી કરી લીધું છે કે કેમ, હજી સમય લેવો હોય તો લઈ લેજો પણ પછી પાછળથી કંઈ ગરબડ ન કરતાં. આ રીતે જોઈએ તો અમે ખરેખર લકી છીએ. અમારાં બન્નેનાં માતા-પિતા એકદમ કૂલ હતાં અને તેમણે અમને અપનાવી લીધાં હતાં.’
લગ્ન પછી મળવાનું ઘટી ગયું
મોટા ભાગે પુરુષ આર્થિક રીતે વ્યવસ્થિત કમાતો હોય કે પછી કરીઅર થોડી સેટ થાય પછી તે પરણે છે. જોકે પ્રતીકની બાબતમાં એવું નહોતું. એ વિશે વાત કરતાં પ્રતીક કહે છે, ‘મારાં નાટકો ઠીકઠાક ચાલી રહ્યાં હતાં. હું મારા ભાઈ સાથે વિલે પાર્લેમાં વન રૂમ-કિચનના ઘરમાં રહેતો હતો અને એ પણ ભાડે. આર્થિક સધ્ધરતા જ નહોતી. જોકે દરેક સંબંધમાં પડાવ આવતા હોય છે. અમે એ જગ્યાએ પહોંચી ગયાં હતાં કે હવે લગ્ન કરી લેવાં જોઈએ. વળી એ વખતે મારી ઉંમર ૨૮ વર્ષની હતી. મને લાગતું હતું કે લગ્ન કરવાં હોય તો આ ઉંમર જ છે, પછીથી લગ્ન કરવાનો અર્થ નથી. એટલે ડિસેમ્બર ૨૦૦૮માં અમે લગ્ન કરી લીધાં. ભામિનીનું કામ પણ ચાલતું હતું. મેં રિલાયન્સમાં મૅનેજરિયલ કામ એ શરતે સ્વીકાર્યું કે મને નાટકો કરવા મળશે. સોમથી શુક્ર હું જૉબ કરતો અને શનિ-રવિ નાટકો. જોકે હું માનું છું કે લગ્ન પછી જ મારો ગ્રોથ થયો છે. મને ભામિની પાસેથી ઇમોશનલ સિક્યૉરિટી મળી, જે મને ઘણો આગળ લઈ ગઈ.’
લગ્ન પહેલાંનો અને લગ્ન પછીનો સમય અલગ જ હોવાનો. એ કપરા સમયમાં ટકી રહે એ સાચો પ્રેમ. એ કપરા સમયને યાદ કરતાં ભામિની કહે છે, ‘લગ્ન પોતાનામાં જ એક એવો શબ્દ છે જે જવાબદારી સાથે આવે છે. પ્રતીકની જૉબ અને નાટકોને કારણે ઊલટું એવું થઈ ગયું હતું કે લગ્ન પહેલાં અમે જેટલું મળતાં હતાં એટલું લગ્ન પછી મળાતું જ નહોતું. જોકે એ સમયને અમે સમજદારીથી સંભાળી લીધો હતો. જેટલો પણ સમય મળે એનો અમે સદુપયોગ કરીને મળી લેતાં હતાં. એ બૅલૅન્સ કરવું ખૂબ જરૂરી છે. કામ ખૂબ જ મહત્ત્વનું છે અને એ તો ન જ છોડાય એ સમજણ બન્નેમાં હતી. વળી દૂર હોય તોય માનસિક રીતે એકબીજાનો સાથ અમે ક્યારેય છોડતાં નથી.’
અમે ખુશનસીબ છીએ
પ્રતીક પોતાના પ્રેમ વિશે ગર્વથી કહે છે, ‘અમે ઝઘડીએ ત્યારે ખૂબ મનથી અને પ્રેમ પણ પૂરા મનથી કરીએ. બન્નેમાં કોઈ કસર નથી રાખતાં. અમારી પ્રેમકહાનીનું શિખર ધીરજ અને સમજણના પાયા પર ઊભું થયેલું છે. લગ્ન પહેલાં મેં તે હા પાડે એ માટે ખૂબ પ્રયત્નો કર્યા, વર્ષોનાં વર્ષો ધીરજ રાખી, મને અપનાવવાનો તેને પૂરતો સમય આપ્યો. મેં ખુદના પ્રેમ પર પૂરો વિશ્વાસ રાખ્યો અને એનું ફળ મારાં લગ્ન. જોકે મને લાગે છે કે મેં જેટલી ધીરજ રાખી એનાથી દસગણી ધીરજ ભામિનીએ લગ્ન પછી રાખી છે. હું તેનો આ વાતે ઋણી છું. મને લાગે છે કે અમે ખુશનસીબ છીએ કે અમે તેની સાથે છીએ જેને અમે અખૂટ પ્રેમ કરીએ છીએ. આ સુખ બધાને ક્યાં પ્રાપ્ત થાય છે.’


