આમ તો આ વિધાનમાં આત્મવિશ્વાસ છલકે છે, પરંતુ તાજેતરમાં અમારા ધ્યાનમાં એક વિધાન એવું આવ્યું જે સ્કાયની બીજી બાજુ લઈ જઈને વિચારતા કરે એવું છે.
પ્રતીકાત્મક તસવીર
આજકાલ એક ચુટકી સિંદૂરની ચર્ચા જોરમાં છે. આપણે અહીં એક સચોટ વિધાન પણ માનવીના જીવનમાં કેવાં વૈચારિક પરિવર્તનો લાવી શકે એની વાત કરીએ. હાલ તો ચાર જુદાં-જુદાં વિધાનો પર નજર કરીએ. પ્રથમ વિધાન છે સ્કાય ઇઝ ધ લિમિટ. આ વિધાન આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. પ્રગતિ, સિદ્ધિ, સફળતાની વાત નીકળે ત્યારે આપણા માનસપટ પર આ વિધાન ફરતું યા રમતું થાય છે જેને આપણે ગૌરવથી બોલતા કે સાંભળતા હોઈએ છીએ. આમ તો આ વિધાનમાં આત્મવિશ્વાસ છલકે છે, પરંતુ તાજેતરમાં અમારા ધ્યાનમાં એક વિધાન એવું આવ્યું જે સ્કાયની બીજી બાજુ લઈ જઈને વિચારતા કરે એવું છે.
આ વિધાન કહે છે કે લિમિટ સ્કાય નથી, લિમિટ માઇન્ડ છે. કોઈ પણ કાર્ય કરવા માટે, કોઈ પણ મંઝિલ પર પહોંચવા માટે અવરોધો યા મર્યાદા હોય જ છે. તેથી જ ઘણા માણસો કહેતા હોય છે કે મારા માટે આકાશ જ મર્યાદા છે, કેમ કે એનાથી ઊંચી કોઈ મર્યાદા હોતી નથી. જોકે આપણે વાત કરવી છે માઇન્ડ ઇઝ લિમિટની. આપણું મન મર્યાદા બનાવે છે. એ નક્કી કરે છે કે મારાથી આટલું જ થશે, આટલે સુધી જ પહોંચાશે, આટલી જ સિદ્ધિ-સફળતા મળી શકશે. વ્યક્તિએ પોતે જ આ મર્યાદા-લિમિટ બાંધી દીધી છે. આમ કહીને તે પોતાના મનની મર્યાદા કહી દે છે. તેથી જ ગુજરાતીમાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય. કોઈ પણ સફળતા કે નિષ્ફળતા માટે મન બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો હજી કોઈ શંકા હોય તો તમારા મનને પૂછી શકો છો.
ADVERTISEMENT
આ સાથે એક આવું જ જોરદાર વિધાન નજરમાં આવ્યું અને મનમાં વસી ગયું. કુહાડીના છેલ્લા ઘામાં પથ્થર ભલે તૂટતો દેખાય, જે દસમો ઘા હોઈ શકે; પરંતુ એનો અર્થ એ નથી કે એનો પ્રથમ ઘા અર્થહીન હતો. ખરેખર તો સફળતા સાતત્યપૂર્ણ પ્રયાસોથી પ્રગટે છે. દરેક નિષ્ફળ પ્રયાસ સફળતાની વધુ નજીક લઈ જતો હોય છે. આ દરેક ઘા વિશે વિચાર કરતાં-કરતાં એક એવું વિધાન નજરમાં આવ્યું જે કહે છે કે પગથિયાં ચડતી વખતે તમામ પગથિયાંને જોવાની જરૂર નથી હોતી, બલ્કે માત્ર પ્રથમ પગથિયા પર ધ્યાન આપવાનું હોય છે. બધાં પગથિયાં પર નજર કરવામાં પહેલું પગથિયું ચૂકી જવાય તો માણસ પહેલા પગથિયે જ લથડી જઈ શકે છે.
સફળતા, પ્રગતિ, વિકાસની વાત આવી ત્યારે અમારી સામે એક બહુ જ સચોટ વિધાન આવીને ઊભું રહી ગયું જે કહે છે કે તમારો ખરો વિકાસ ત્યારે થાય છે જ્યારે તમે બીજાઓ પર દોષારોપણ કરવાને બદલે પોતાને સુધારવામાં કે પોતાનામાં પરિવર્તન લાવવામાં લાગી જાઓ છો. સમઝો તો ઇશારા કાફી. જીવનના પરિવર્તનમાં ક્યારેક એક વિધાન પણ કાફી...

